હેલ્થ ટિપ્સઃ શરીર માટે અત્યંત ગુણકારી અજમો

Saturday 11th July 2020 08:10 EDT
 
 

ભારતીય રસોઇઘરમાં એટલી બધી ગુણકારી વસ્તુઓ તમને મળી રહેશે કે જેના ઉપયોગથી આપણે શરીરની ઘણી તકલીફોથી બચી શકીએ છીએ. ખાદ્યપદાર્થોની સાથેસાથે ભોજનને ટેસ્ટી બનાવતાં મરી-મસાલા પણ આપણાં સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. આ મરી-મસાલામાંથી અજમો શરીર માટે ઉત્તમ છે. પેટમાં વાયુની તકલીફ થાય એટલે અજમો ખાવાની સૂચના ઘરેથી તરત મળે. આ જ કારણ છે કે લગભગ દરેક ઘરે મુખવાસમાં વરિયાળી અને તલની સાથે અજમો ચોક્કસ હોય છે. આજે આપણે અજમો ક્યા ક્યા પ્રકારે ફાયદાકારક છે તે જાણીએ.
• પેટની તકલીફ માટેઃ ભારતીય ભોજનમાં અજમાનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે તેનું કારણ આપણે જાણીએ છીએ. અજમો પેટની ઘણી તકલીફ દૂર કરે છે. ખાસ કરીને તે પાચનશક્તિ મજબૂત બનાવે છે. જેથી અપચાની તકલીફના કારણે થતી બીમારીથી આપણે બચી શકીએ છીએ. તેનાથી વધારે ભૂખ લાગે છે. જેમને ભૂખ ન લાગતી હોય, વાયુની તકલીફ હોય તેમણે રોજ ગરમ પાણીમાં એક ચમચી અજમો અને સંચળ નાખીને પીવું જોઇએ.
• શરદી-કફમાં રાહતઃ કોઇ પણ ઋતુ બદલાય અને બે ઋતુ ભેગી થાય એટલે શરદી, ઉધરસ અને કફની તકલીફ બધાને થતી જ હોય છે. તેમાંથી રાહત મેળવવા માટે અજમો, આદું અને ગોળને ક્રશ કરીને એક ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરી પી લો. સળંગ ચારથી પાંચ દિવસ આ પાણી પીવાથી શરદી, ઉધરસ અને કફથી છુટકારો મળશે.
• કાન અને દાંતનો દુખાવોઃ કાનમાં દુખાવો થતો હોય તો તરત છુટકારો મેળવવા માટે અજમાના તેલનાં બે ટીપાં નાખવાથી દર્દમાં તરત રાહત થશે. આ જ રીતે દાંતનો દુખાવો હોય તો હૂંફાળા પાણીમાં એક ચમચી અજમો અને મીઠું મિક્સ કરીને તેના કોગળા કરો. દાંતનો દુખાવો પણ દૂર થશે. જે વ્યક્તિને પેઢા ઉપર સોજો આવી જતો હોય, પેઢામાંથી દુર્ગંધ આવતી હોય તેમણે ટૂથપેસ્ટમાં અજમો ક્રશ કરીને તેનો પાઉડર મિક્સ પેસ્ટમાં કરવો. આમ કરવાથી પેઢાની તકલીફ પણ દૂર થશે.
• વાગ્યું હોય તે ભાગ પરઃ અજમાની અંદર થાઇમલ નામનું તત્ત્વ હોય છે, જે ઇન્ફેક્શન દૂર કરવાનું કામ કરે છે. થાઇમલ એન્ટિ-બેક્ટેરિયલ પણ હોય છે તેથી પડવા આખડવાથી વાગ્યું હોય, છોલાયું હોય ત્યારે સૌપ્રથમ ગરમ પાણીમાં અજમો મિક્સ કરી તે પાણીથી વાગ્યું હોય તે જગ્યા સાફ કરો. ત્યારબાદ તેની પર કોઇ દવા લગાવો.
• મચ્છર દૂર કરવાઃ જો તમે મચ્છર ઘરમાં પ્રવેશ ન કરે તેમ ઇચ્છતા હોવ તો અજમાનું તેલ અને સરસિયું મિક્સ કરીને પૂઠાંના નાના નાના ટુકડાને આ તેલમાં બોળી ઘરમાં અલગ અલગ જગ્યાએ લગાવી રાખો. આમ કરવાથી મચ્છર નહીં આવે અને ઘરમાં હશે તે પણ જતાં રહેશે.
• ગર્ભવતી મહિલાઓ માટેઃ ગર્ભાવસ્થામાં એસિડિટી, અપચા જેવી સમસ્યાઓ થતી હોય છે. આ સમયે ગરમ પાણીમાં એક ચમચી અજમો નાખીને પીવાથી તે સમસ્યા નહીં થાય. બાળક આવી જાય તે પછી પણ આ પાણી પીતા રહેવું, તેનાથી પેટ સાફ થઇ જશે. જે યુવતીને માસિક સમયે દુખાવો થતો હોય તેના માટે પણ આ ઇલાજ અકસીર બની રહેશે. નવજાત બાળકોને દૂધ પીવાથી પેટનો દુખાવો થાય છે તેને અજમાનું ગરમ પાણી પિવડાવવાથી દુખાવો નહીં થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter