હેલ્થ ટિપ્સઃ શરીરમાં રોગ પ્રવેશે તે પહેલા ચેતો

Thursday 30th December 2021 08:19 EST
 
 

તબીબી નિષ્ણાતોના કહેવા પ્રમાણે જો તમારે તમારા શરીરમાં ફ્રી રેડિકલનું તોફાન અટકાવવું હોય, મતલબ કે તમારા શરીરને રોગગ્રસ્ત થતાં અટકાવવું હોય તો તમારે આવા નુકસાનકારક તત્વોને શરીરની બહાર કાઢી નાખવા એન્ટી-ઓક્સિડન્ટનો ઉપયોગ કરવો જોઇએ. એન્ટી-ઓક્સિડન્ટનો પહેલો નંબર વિટામીન-એ છે, જે બીટા કેરોટીન સ્વરૂપે ગાજર, પપૈયું, નારંગી, કોળું વગેરે પીળા અને નારંગી રંગના શાકભાજી અને ફળોમાંથી મળે છે. બીજા નંબરે વિટામીન-સી છે, જે બધા જ ખટમધુરા ફળો લીંબુ, નારંગી, કોબી, પપૈયું, જામફળ, આંબળા વગેરેમાંથી મળે છે. જ્યારે ત્રીજા નંબરે વિટામીન ‘ઇ’ છે, જે પ્રાણીજ પદાર્થો, દૂધ અને દૂધની બનાવટો અને બધા જ પ્રકારના તેલમાંથી મળે છે. ચોથો નંબર સેલેનિયમ નામનો મિનરલ (ખનીજ પદાર્થ) છે, જે બધા જ અનાજ, દાળ, કઠોળ અને થોડેક અંશે શાકભાજીમાંથી મળે છે. પાંચમો એન્ટી-ઓક્સિડન્ટ કસરત છે. દિવસમાં ફક્ત ૩૦થી ૪૦ મિનિટ અઠવાડિયામાં પાંચ દિવસ તમને ગમે તે પ્રકારની એક અથવા જુદા જુદા દિવસે વેરાઇટી લાગે તેવી મિક્સ કરીને કસરત કરો. તમારી રોગપ્રતિકારક શક્તિ ફક્ત આ પાંચ એન્ટી-ઓક્સિડન્ટથી જ વધશે.
લાંબુ આયુષ્ય, રોગરહિત શરીર અને મનની શાંતિ આપણને સૌને ગમે, તમારી રોગપ્રતિકારક શક્તિનો ખજાનો આજીવન ચાલતો રહે તે માટે આટલા નિયમો તમારે પાળવા પડશે. જેમ કે,
• નિયમિત વાર્ષિક મેડિકલ ચેકઅપ! ૪૦ વર્ષની ઉપરની વ્યક્તિ માટે આ ખૂબ આવશ્યક છે. હોલ બોડી ચેકઅપ દર વર્ષે, નિયમિત કરાવવાની તમારા હૃદય, ફેફસાં, લિવર, કિડની અને હોર્મોનની ગ્રંથિઓના કાર્ય વિષે તમે જાણી શકશો. આની સાથે તમારા લોહીના હિમોગ્લોબિનના ટકા પણ ખાસ જાણવા જરૂરી છે. સ્ત્રીઓ અને પુરુષોના કેન્સર અંગેની માહિતી પણ આ તપાસમાં તમને મળી જશે.
• શરીરનું વજન હોવું જોઇએ તેના કરતાં ૧૦ ટકા જેટલું વધારે હોય તો ચાલશે, પણ તેનાથી વધારે હોય તો થોડો પ્રયત્ન કરી ઓછું કરશો. ‘વધારે વજન રોગને આમંત્રણ’ આ વાત ખાસ યાદ રાખશો. જેમાં વધારે પડતી કસરત પણ ના હોય અને વધારે પડતું ડાયેટિંગ પણ ના હોય તેવો સૌમ્ય કાર્યક્રમ વજન ઘટાડવા માટે અમલમાં મૂક્શો. પાંચ દિવસ કસરત અને પાંચ દિવસ ડાયેટિંગ પણ બાકીના બે દિવસ કસરત તદ્દન નહીં અને બે દિવસ જે ઇચ્છા હોય તે બધું જ ખાશો તો ચોક્કસ વજન ઓછું થશે.
• ખોરાકમાં ચરબીવાળા અને વધારે ગળ્યા ખોરાકથી ચેતતા રહેજો. તેનાથી સ્ટાર્ચ અને ચરબીનું પાચન જલદી થતું નથી. ગેસ પણ થાય અને કોઇક વાર કેન્સર પણ થઇ જાય.
• પૂરતો આરામ શરીરની શક્તિ સાચવવાનો અને ખૂબ તેને વધારવાનો શ્રેષ્ઠ રસ્તો છે હોબી. ફક્ત શારીરિક નહીં માનસિક આરામ માટે અને મનની શાંતિ માટે કોઇ શોખ કેળવો. રિલેક્સ થવા મેડિટેશન પણ કરો. આ ખૂબ જ જરૂરી છે.
• નાની નાની બીમારીઓ માટે અનેક પ્રકારની દવાઓ અને નુસખા અજમાવવાની ટેવ છોડી દો. વારસામાં ઊતરી આવેલા રોગો, એક્સિડન્ટ અને બેક્ટિરિયા કે વાયરસ કે ફુગથી થયેલા દર્દો માટે લેવી પડે તે દવા સિવાયની ખોટી દવાઓ લેવાની બંધ કરો.
• કોફી - ચા - કોફી - ચોકલેટ બધું જ પ્રમાણસર લો. રોજની ટેવ તરીકે દારૂ, તમાકુ, સિગારેટ અને બીજા નશો કરે તેવા બધા જ પદાર્થો જો તેમ સંદતર બંધ કરશો તો તમારી જાતને વધારે વર્ષ જાળવી શકશો.
તમારા ખોરાકમાં ફાઇબર અગત્યના બધા જ વિટામિન અને મિનરલ્સ મળે માટે સાત કોળિયા (હેલ્પીંગ) તાજાં ચોખ્ખાં શાકભાજી અને ફળો પણ ખાવાં પડશે.
લાંબુ આયુષ્ય અને રોગરહિત જીવન એ સ્વપ્નું નથી. સ્વસ્થ જીવન જીવવાની જડી બુટ્ટી તમારી પાસે છે. જે સમય વીતી ગયો છે તેનો અફસોસ કર્યા વગર જાગ્યા ત્યારથી સવાર સમજીને આજથી જ સચેત થઇ જાઓ. નિરામય શારીરિક - માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં સફળતા
મળશે જ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter