હેલ્થ ટિપ્સઃ શિયાળાની અનેક સમસ્યાથી બચવાનો એક ઉપાય

Sunday 28th November 2021 06:13 EST
 
 

આપણાં રસોડામાંના ખાદ્યપદાર્થ જ આપણી ઘણી તકલીફનો ઇલાજ બની રહે છે તેવું મોટા ભાગના કિસ્સામાં બનતું હોય છે, પરંતુ આપણને તે વિશે જાણકારી જ નથી હોતી. રસોડાના આ ખાદ્યપદાર્થ આપણાં શરીર માટે જેટલા ગુણકારી હોય છે એટલી તો મોંઘા ભાવની દવા પણ ગુણકારી હોતી નથી. અને હા, દવા લેવાથી દર્દ તો મટી જાય છે પણ તે દવાની આડઅસરેય શરીરમાં એટલી જ થતી જોવા મળે છે. શારીરિક તકલીફ વધી જાય ત્યારે તો તબીબી સુચના અનુસાર એલોપથી દવા અચૂક લેવી જ જોઇએ, પણ શારીરિક તકલીફ ઓછી હોય કે તેની શરૂઆત હોય ત્યારે આપણે જો ઘરેલુ ઉપાય અજમાવવામાં આવે તો તે તકલીફને નિવારી શકાય છે. આ ઘરેલુ ઉપાયથી શરીરને આડઅસર પણ નથી થતી હોતી પણ આજકાલ લોકોને ધીરજ નથી રહેતી. તેમને લાગે છે કે ઘરેલુ ઉપાય સફળ નહીં થાય. આ માન્યતા ખોટી છે, તમે તેને અજમાવી જોશો તો તમને તેનો ફાયદો ચોક્કસ દેખાશે. આજે આપણાં જ રસોડામાં ઉપલબ્ધ મસાલાના રાજા એવા કેસરના લાભાલાભ વિશે વાત કરવાની છે. તે આપણાં શરીર માટે કેટલું ફાયદાકારક છે તે વિશે વાત કરીએ.
કેસરથી આપણાં શરીરને ઘણા ફાયદા થાય છે. તેમાં દોઢસોથી પણ વધારે એવા ઔષધીય ગુણ સમાયેલા છે જે આપણા શરીરને સંપૂર્ણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કેસરની ગણના દુનિયાના સૌથી મોંઘા તેજાના - મસાલામાં થાય છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ દૂધ અને દૂધથી બનેલી વાનગીઓમાં કરવામાં આવે છે, પરંતુ તેમાં એવા ગુણ પણ છે જે તમને ઘણી ખતરનાક બીમારીઓથી દૂર રાખી શકે છે.
• કઇ રીતે કરશો કેસરનું સેવન? દિવસ દરમિયાન માત્ર ૧થી ૩ ગ્રામ કેસરનું સેવન કરવું જોઈએ. તેનું વધારે સેવન કરવાથી બીજી બીમારીનું જોખમ વધી જતું હોય છે. તે પચવામાં ભારે હોવાથી એક દિવસ દરમિયાન માત્ર ૧ થી ૩ ગ્રામ કેસરનું જ સેવન કરવું. હવે આપણે જોઇએ કે તે ક્યા પ્રકારની શારીરિક સમસ્યામાં ઉપયોગી છે.
• કેન્સરઃ કેસરમાં ક્રોસિન, કોલોરેક્ટલ જેવા ગુણધર્મો છે જે કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે. ખાસ કરીને પ્રોસ્ટેટ અને ત્વચાના કેન્સરનું જોખમ કેસરના સેવનથી ઘટી શકે છે. તમે દૂધ કે ખોરાકની બીજી કોઇ વાનગીમાં નાખીને કેસરનું સેવન કરી શકો છો.
• આર્થરાઇટિસઃ આર્થરાઇટિસની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે કેસરનો ઉપયોગ કરી શકાય છે. કેસરમાં રહેલું ક્રોસેટિન શરીરની બળતરા ઘટાડવામાં પણ મદદ કરે છે. કેસરનું સેવન કરવા ઉપરાંત કેસરનાં પાનની પેસ્ટ બનાવી તેને સાંધા પર લગાવવાથી પણ સાંધાનો દુખાવો ઓછો થાય છે. આર્થરાઈટિસની સમસ્યા ધરાવતા લોકોએ રોજ રાત્રે ગરમ દૂધમાં કેસર નાખીને તેનું સેવન કરવું જોઇએ.
• અનિદ્રાઃ આજની ભાગદોડભરી જિંદગીમાં મોટા ભાગની વ્યક્તિ તણાવ અને થાકને લીધે ઊંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરતા હોય છે.
આ સ્થિતિમાં કેસરનું દૂધ પીવાથી ફાયદો થશે. સંશોધન મુજબ કેસરમાં હાજર ક્રોસેટિન નિદ્રા વધારવામાં મદદ કરે છે. જેમને કોઈ પણ કારણસર ઓછી ઊંઘની તકલીફનો સામનો કરવો પડતો હોય તેમણે આ ઉપાય ચોક્કસ અજમાવવો જોઇએ.
• માથાનો દુખાવોઃ જો તમે માથાના દુખાવાથી પરેશાન છો, તો તમે ઘીમાં કેસર અને ખાંડનો પ્રયોગ અજમાવી શકો છો. ઘીમાં કેસર નાખીને ધીમા તાપે તેને ગરમ થવા દો. તે પછી આ ઘીનાં ૧-૨ ટીપાં માથે લગાવી દો.
• પાચનશક્તિઃ કેસરમાં એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટિ ઈન્ફ્લેમેટ્રી ગુણધર્મો છે જે પાચનની શક્તિને યોગ્ય રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે અલ્સરથી પણ રાહત આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter