કાળા તલ શિયાળાનું સુપર ફૂડ ગણાય છે. શિયાળામાં કાળા તલ ખાવાથી શરીરને સૌથી વધુ લાભ થાય છે. ઠંડીના દિવસોમાં રોજ કાળા તલ ખાવાથી શરીરને થતાં ત્રણ ફાયદા વિશે તમને જણાવીએ. જો તમને પણ આ સમસ્યાઓ રહેતી હોય તો (તમારા સ્વાસ્થ્યને નજરમાં રાખીને) કાળા તલ ખાવાનું શરૂ કરી દો...
• સાંધાના દુખાવા: ઠંડીના દિવસો શરૂ થાય કે લોકોને ઘૂંટણ, કમર અને સાંધામાં દુખાવા વધી જાય છે. તેવામાં કાળા તલ શરીરને ગરમી અને શક્તિ બંને આપશે જેથી દુખાવાથી રાહત મળી જશે. તેના માટે કાળા તલ, સૂંઠ પાવડર, મેથી દાણા અને ગોળના લાડુ બનાવીને ખાવા જોઈએ. આ લાડુ શિયાળામાં થતા સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત કરશે.
• યુરિન લીક થવું: શિયાળામાં બાળકોમાં પથારીમાં પેશાબ થઈ જવાની સમસ્યા વધી જતી હોય છે. ઘણી વખત વડીલોને પણ યુરિન લીક થવાની પરેશાની રહે છે. ઘણી વખત ઉધરસ ખાતી વખતે કે છીંક આવે ત્યારે પણ યુરિન લીક થઈ જતું હોય છે. જે લોકોને પણ આવી સમસ્યા રહેતી હોય તેમણે કાળા તલ અવશ્ય ખાવા જોઈએ. આ સમસ્યાને દૂર કરવા માટે કાળા તલ, અજમો અને ખસખસને સમભાગ લઈ લોઢાની કઢાઈમાં શેકી લો. ત્યાર પછી તેમાં સાકર મિક્સ કરી પાવડર બનાવી તેનું નિયમિત સેવન કરવું જોઇએ.
• વાળની સમસ્યા માટે: કાળા તલમાં કેલ્શિયમ, આયરન અને હેલ્ધી ફેટ ભરપૂર માત્રામાં હોય છે જે વાળના મૂળને પોષણ આપે છે અને ખરતા વાળની સમસ્યા અટકાવે છે. આ માટે કાળા તલ, આમળાનો પાવડર અને સૂકું નાળિયેર લઈને તેનો ઝીણો પાવડર તૈયાર કરી લો. નિયમિત આ મિશ્રણની એક ચમચી હૂંફાળા પાણી સાથે દિવસમાં બે થી ત્રણ વખત લેવાનું રાખો. તેનાથી સફેદ વાળની સમસ્યા પણ ઓછી થશે અને વાળ મજબૂત થશે.


