હેલ્થ ટિપ્સઃ શું તમને પણ ઉતાવળે જમવાની આદત છે?

Sunday 21st February 2021 06:07 EST
 
 

આજકાલ સહુ કોઇની લાઇફસ્ટાઇલ એટલી ફાસ્ટ બની ગઇ છે કે આપણને આપણા ખુદને માટે જ સમય નથી મળતો. પોતાને મનગમતી વસ્તુ કરવાનું તો દૂર જ રહ્યું, પણ નોકરિયાત વર્ગ તો બે ઘડી શાંતિથી બેસીને ભોજન પણ નથી કરી શકતો. ઘડિયાળના કાંટાની સાથે ચાલવાનું હોય છે. આખો દિવસ આ જ રીતે કામકાજ કરવાનું હોય, એમાં જો સમય આપણાથી આગળ નીકળી જાય તો આપણે રોજિંદા રુટિનને પહોંચી નથી શકતા. આખરે વ્યક્તિને દોડાદોડી કરવી પડે છે. આ જ કારણે સવારે બ્રેકફાસ્ટ કે લંચમાં પણ આપણે ઉતાવળ કરીને ખોરાકને ઝટપટ, સરખો ચાવ્યા વગર જ પાણી સાથે ગળે ઉતારી જઇએ છીએ. આ તો નોકરિયાતની વાત થઇ, પણ જે લોકો નોકરી નથી કરતા, જેમની પાસે થોડોક વધુ સમય છે તેવા લોકોને પણ ઘણી વાર ખોરાકને સરખો ચાવ્યા વગર જ પેટમાં ઉતારી જવાની આદત હોય છે. આપણે ઘણી વાર આપણા વડીલો પાસેથી આ અંગે ઠપકો પણ સાંભળ્યો હશે. મોટાભાગે વડીલોને એવું કહેતા સાંભળ્યા હશે કે સરખું ચાવીને ખાવ, ચાવીને ખાવાથી ખોરાક પેટમાં ગુણ કરશે, નહીં તો સારામાં સારો ખોરાક પણ પેટને તકલીફ આપશે. આ વાત ખરી છે. સરખું ચાવ્યા વગર ખાનારને અનેક તકલીફ પડતી હોય છે. ચાલો, જાણી લઇએ કે તેનાથી શું તકલીફ થાય.
ઓવર ઇટિંગની સમસ્યાઃ જલદી જલદી ખોરાક ખાવાથી આપણે પેટ ભરાઇ ગયું છે તેવો સંકેત શરીરને આપવાનું ઘણી વાર ચૂકી જતાં હોઇએ છીએ. ચાવ્યા વગર ઉતાવળે ખોરાક ખાતા લોકો મોટા ભાગે શરીરને જરૂર હોય તેના કરતાં વધારે ભોજન કરતા હોય છે. આમ, ધીરે ધીરે આ આદત ઓવર ઇટિંગની સમસ્યા બની જતી હોય છે, જે આખરે મેદસ્વિતા વધારે છે.
વધારે પડતું વજનઃ ઉતાવળે ખાવાથી આપણું ડાયેટ અસંતુલિત થઇ જતું હોય છે. વળી સરખું ચાવ્યા વગર ખાધેલો ખોરાક જલદી પચતો નથી અને તેમાંથી ચરબી બનવાની શક્યતા વધારે રહેતી હોય છે. આથી ખોરાક સરખો પચે એ રીતે શાંતિથી ચાવીને ખાવો જોઇએ. વિજ્ઞાન કહે છે કે એક કોળિયાને ઓછામાં ઓછો ૩૦થી ૩૫ વાર ચાવવો જોઇએ, ત્યારે જ તેના બધાં પૌષ્ટિક તત્ત્વો તમારા શરીરમાં જાય છે.
પાચનતંત્ર ઉપર અસરઃ જલદી જલદી જમનારા લોકો હંમેશાં મોટા મોટા કોળિયા ખાતા હોય છે. આ મોટા કોળિયા સરખું ચાવ્યા વગર જ ગળી જતા હોય છે. જો તે ગળવામાં થોડા હાર્ડ પડે તો પાણી, છાશ કે કોલ્ડ્રિંક્સ પી લેતાં હોય છે જેથી તે કોળિયો સરળતાથી પેટમાં પહોંચી જાય. આનું પરિણામ એ આવે છે કે ખોરાક પેટમાં પચતો નથી. તેને કારણે અપચાની સમસ્યા, કબજિયાતની સમસ્યા થવા લાગે છે. આમ, ઘણી વાર અપચાની કે કબજિયાતની સમસ્યાને આપણે જાતે જ નિમંત્રણ આપતાં હોઇએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter