હેલ્થ ટિપ્સઃ શું તમને પણ સ્વપ્નાં પરેશાન કરે છે?

Saturday 04th March 2023 06:53 EST
 
 

શું તમને પણ મોડી રાત્રે કે વહેલી સવારે આવતાં સ્વપ્નો પરેશાન કરે છે? જો આ પ્રશ્નનો જવાબ ‘હા’ છે તો આ પ્રકારનાં સ્વપ્નો આવવા પાછળના કારણ પણ જાણી લો. દિવસ દરમિયાન થતી ઘટનાઓના આધારે આ સમસ્યાનું કારણ જાણી શકાય છે. અમેરિકાનાં સ્લીપ સ્પેશિયાલિસ્ટ એન્જલા હોલીડે બેલના અનુસાર અનેક વખત આ સ્વપ્નો આખા દિવસની તણાવપૂર્ણ સ્થિતિને કારણે પણ આવે છે. આ સ્વપ્નો, સમાન્ય દિવસોમાં આવતા સ્વપ્નોથી અલગ હોય છે. તે શરીર પર પોતાનો પ્રભાવ છોડે છે. આવા સ્વપ્નાં આવવા પાછળ મેન્ટલ સ્ટ્રેસ અને દારૂનું વ્યસન પણ જવાબદાર ગણાય છે.
• અધૂરી ઊંઘ: ઊંઘની ઉણપના કારણે આ પ્રકારના સ્વપ્નો આવવાની શક્યતા વધારે રહે છે. વ્યક્તિનું મગજ જ્યારે ઊંઘની ઊણપ પૂરી કરે છે ત્યારે તે આ પ્રકારનાં સ્વપ્નોનું નિર્માણ કરે છે, જે ઊંઘના REM સ્ટેજમાં હોય છે. REM એટલે કે રેપિડ આઈ મૂવમેન્ટ. REM સ્ટેજ ઊંઘના દરેક ચક્રના અંતિમ સ્ટેજમાં આવે છે, જેમાં વ્યક્તિને સૌથી વધુ સ્વપ્નો આવે છે. રાતની ઊંઘમાં ચારથી છ ચક્ર હોય છે.
• મેન્ટલ સ્ટ્રેસ: ડો. એન્જલા બેલના અનુસાર ઘણી વખત તણાવને કારણે આખી રાત ઊંઘ આવતી નથી. આ સ્થિતિમાં ઊંઘ અધૂરી રહી જાય છે, પરંતુ જ્યારે ગાઢ નિદ્રાની તક મળે છે ત્યારે REM ઊંઘનો સ્ટેજ વધી જાય છે. આ સમય દરમિયાન વ્યક્તિને વધુ લાંબા સ્વપ્નો આવે છે.
• હોરર નાટક કે ફિલ્મ જોવાં: ઊંઘતા પહેલા બિહામણા શો જોવાથી કે પુસ્તક વાંચવાથી એંગ્ઝાયટી વધે છે. મગજ ઊંઘમાં તણાવ અને ચિંતા જેવી ભાવનાઓને પ્રોસેસ કરે છે. ત્યાર પછી આ ભાવનાઓ ખરાબ સ્વપ્નો તરીકે માનસપટ પર ઉભરે છે.
• ગર્ભાવસ્થા કે ડિલિવરી: ગર્ભાવસ્થામાં શરીરના હોર્મોન્સમાં મોટા પ્રમાણમાં ફેરફાર થાય છે. આ ફેરફારના દુષ્પ્રભાવોને કારણે પણ ખરાબ સ્વપ્નો આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter