હેલ્થ ટિપ્સઃ સર્વથા ઉપયોગી આયુર્વેદીય ઔષધઃ સૂંઠ

Sunday 29th November 2020 06:01 EST
 
 

આયુર્વેદનાં કેટલાંક ઔષધો એવાં છે જે સર્વગુણ સંપન્ન છે. કોઈ પણ મહામારી સામે લડવા માટે આ ઔષધ સક્ષમ છે. વાઇરસ કે અન્ય કોઈ પણ પ્રકારના કિટાણુઓ સામે તેઓ શરીરની રોગપ્રતિકારક શક્તિને સજ્જ કરે છે.
સૂંઠ, મરી અને પીપર આ ત્રણેના યોગને આયુર્વેદમાં ‘ત્રિકટુ’ કહે છે. ‘કટુ’નો અર્થ સંસ્કૃતમાં ‘તીખો’ થાય છે અને એટલે આ ત્રણ તીખાં ઔષધોને ત્રિકટુ કહે છે. રોગપ્રતિકારક શક્તિ વધારનાર અને કોરોના વાઇરસ સામે શરીરને સુરક્ષિત રાખવામાં મદદરૂપ હોવાથી ‘ત્રિકટુ’ને ભારતના આયુષ મંત્રાલય દ્વારા પણ નિર્દેશિત કરાયું છે. આયુર્વેદમાં અનેક રોગોની ચિકિત્સામાં તે પ્રયોજાય છે.

• ગુણકર્મોઃ આદું અને સૂંઠ ગુણોમાં લગભગ સરખા છે, પરંતુ સૂંઠ કરતાં આદું વધારે સૌમ્ય છે. આયુર્વેદ પ્રમાણે સૂંઠ સ્વાદમાં તીખી, પચ્યા પછી મધુર, ભૂખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, પચવામાં હળવી, ઉષ્ણ-ગરમ, કફ, વાયુ તથા મળના બંધને તોડનાર, વીર્યને વધારનાર અને સ્વરને સુધારનાર છે. તે ઊલટી, શ્વાસ-દમ, ઉધરસ, હૃદયરોગ, આફરો, હરસ-મસા, સોજા તથા પેટના શૂળ અને વાયુને મટાડનાર છે. ગુજરાતની વાત કરીએ તો ધોળકા તરફની સૂંઠ વખણાય છે. ગુણોમાં તે ઉત્તમ હોય છે.
છાલ સાથેની સૂંઠમાંથી એક ઉડનશીલ તેલ મેળવાય છે. આ તેલમાં જિંજિબેરીન, જિંજિબેરોલ વગેરે તત્ત્વો હોય છે. સૂંઠમાં રહેલાં તીખાશયુક્ત તત્ત્વો ઉડનશીલ હોતાં નથી. આ તત્ત્વોમાં જિંજિબેરોલ, શોગાઓલ તથા જિંજરોન મુખ્ય છે. રાસાયણિક દૃષ્ટિએ સૂંઠમાં પ્રોટીન, સ્ટાર્ચ, રેસા, વગેરે પણ રહેલા છે.
• ઉપયોગોઃ કોરોના વાઇરસ સામે ગળું, ફેફસાં અને બાકીના શરીરને સુરક્ષિત રાખવા માટે સૂંઠ ઉપયોગી છે. આજકાલ સોમાંથી પચાસ વ્યક્તિઓ શરદી (સળેખમ)ની ફરિયાદ કરતી જોવા મળે છે. અપચાની, ભૂખ ન લાગવાની, ગેસ-ઉદરવાયુની ફરિયાદ પણ ઘણા કરતા હોય છે. અમારી આ બધાને સલાહ છે કે, રોજ સવારે સૂંઠના લાડુનું સેવન કરવું. સૂંઠ, ગોળ અને ઘી પાંચ-પાંચ ગ્રામ લઈ એનો લાડુ બનાવી, રોજ સવારે એક લાડુનું સેવન કરવું. રોગપ્રતિકારક શક્તિ વધવાની સાથે સાથે થોડા દિવસમાં ઉપર્યુક્ત તકલીફોમાં રાહત જણાવા લાગશે.
સૂંઠ એ પાચનતંત્ર માટેનું ખૂબ જ ઉત્તમ ષધ છે. વૃદ્ધાવસ્થામાં ઘણું કરીને પાચનક્રિયા મંદ પડવા લાગે છે, પેટમાં વાયુનો પ્રકોપ થાય છે, કફપ્રકોપ પણ રહે છે, હૃદયમાં ગભરામણ અને હાથ-પગમાં કળતર-દુખાવો થાય છે. આ સ્થિતિમાં સૂંઠનું ચૂર્ણ અથવા દૂધ મેળવેલા સૂંઠના ઉકાળાનું સેવન શ્રેષ્ઠ પરિણામ આપે છે. વાઇરલ રોગ, વાયુ અને કફના બધા જ વિકારોમાં તથા હૃદયરોગીઓ માટે સૂંઠ ખૂબ જ ફાયદાકારક છે.
સૂંઠ સ્વાદમાં તીખી હોય છે અને તીખી ચીજો પિત્તકર હોય છે, પરંતુ સૂંઠ તીખી હોવા છતાં પચ્યા પછી તે મધુર બનતી હોવાથી પિત્ત કરતી નથી. તે દીપન, પાચન, પચ્યા પછી મધુર, કફ અને વાયુકર હોવાથી પૌષ્ટિક છે. તે જઠરાગ્નિને પ્રબળ બનાવીને હૃદયને બળ આપે છે. હૃદયના રોગીઓ રોજ પાંચ-પાંચ ગ્રામ ગંઠોડા અને સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડું ઘી મેળવીને સેવન કરે તો હૃદયરોગમાં ફાયદો થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter