હેલ્થ ટિપ્સઃ સુપર ફૂડ સત્તુ

Saturday 29th June 2019 06:08 EDT
 
 

આપણા સ્વદેશી પ્રોટીન સ્રોતની વાત કરીએ તો સત્તુ બિહાર, પંજાબ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના લોકો માટે અજાણ્યો ખોરાક નથી. એ મોટા ભાગે ઉનાળાના દિવસોમાં શરબત તરીકે વેચાય છે. આ પીણું શરીરને લૂ સામે રક્ષણ આપે છે. સત્તુ એટલે શેકેલા ચણાની દાળમાંથી બનેલો લોટ. તે શરીરને તાત્કાલિક ઠંડક આપે છે અને જ્યારે તેમાંથી લાડુ બનાવવામાં આવે છે ત્યારે એ શક્તિનો સ્રોત બની જાય છે. ગરીબોના પ્રોટીન સ્રોત તરીકે ઓળખાતો આ ખોરાક સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, તંદુરસ્તીને લગતા ઘણા ફાયદા પણ ધરાવે છે.
એ ભરપૂર માત્રામાં લોહતત્ત્વ, મેંગેનીઝ અને મેગ્નેશિયમ ધરાવે છે તો તેમાં સોડિયમ ઓછી માત્રામાં છે. લોહતત્ત્વ, મેંગેનીઝ અને મેગ્નેશિયમ શક્તિ અને ઠંડક આપતો ખોરાક છે, જે આપણા શરીરના અવયવો માટે લાભકારક છે. આ ઉપરાંત સત્તુ બીજા પણ અનેક તંદુરસ્તી વિષયક ફાયદાઓ પણ ધરાવે છે. જેમ કે...
પાચનક્રિયા માટે સારોઃ દ્રાવ્ય રેસાઓનો ભંડાર એવો સત્તુ આંતરડાં માટે ઘણો સારો ખોરાક મનાય છે. અસરકારક સાધન તરીકે એ મોટા આંતરડામાંથી તૈલીય ખોરાકને દૂર કરે છે અને સંપૂર્ણ પાચનક્રિયાને સુધારે છે. એ ગેસ, અપચા અને એસિડીટીને નિયંત્રણમાં રાખે છે.

પોષક દ્રવ્યોથી ભરપૂરઃ સૂકી રીતે શેકવાની પ્રક્રિયાથી સત્તુના પોષકદ્રવ્યો જળવાઈ રહે છે. સત્તુ પ્રોટીન, રેસાં, કેલ્શિયમ, લોહતત્ત્વ, મેંગેનીઝ અને મેગ્નેશિયમથી ભરપૂર છે. દરેક ૧૦૦ ગ્રામ સત્તુમાં ૬૫ ટકા કાર્બોહાઇડ્રેટ્સ અને ૨૦ ટકા પ્રોટીન હોય છે.
ગરમીમાં ઠંડક આપનારઃ આમ પન્નાની જેમ જ બિહાર અને ઝારખંડનું આ સ્થાનિક પીણું, યોગ્ય ઠંડક આપતું પીણું છે, જે ગરમી દરમિયાન શરીરને ઠંડક આપવાની સાથે લૂથી બચાવે છે.

વાળ અને ચામડીને લાભઃ સત્તુ ઉનાળા દરમિયાન શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. પરિણામે ત્વચા કાંતિવાન અને ચમકદાર બને છે. સત્તુ વાળની સમસ્યાઓ દૂર કરવામાં પણ ઉપયોગી છે. વધારે પ્રમાણમાં લોહત્તત્વો હોવાના કારણે વાળને ખરતા ઓછા કરે છે અને વાળના મૂળ સુધી ઓક્સિજનનો પ્રવાહ વધારીને વાળની ગુણવત્તા પણ સુધારે છે.
ડાયાબિટિસ અંકુશમાંઃ નીચા ગ્લાયસેમિક ઇન્ડેક્સને કારણે સત્તુ ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે. નિષ્ણાતોના મતે, રોજિંદા ભોજનમાં સત્તુને સ્થાન આપવાથી લોહીમાં સુગર કાબુમાં રહે છે અને બ્લડપ્રેશર પણ નિયંત્રિત રહે છે.
કોલેસ્ટેરોલ નિયંત્રણમાંઃ સત્તુમાં રહેલા ઊંચી માત્રામાં રેસા હાઇ કોલેસ્ટરોલને મર્યાદામાં રાખે છે અને શરીરમાં સારું કોલેસ્ટેરોલ પેદા કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter