હેલ્થ ટિપ્સઃ સોશિયલ મીડિયાઃ ૧૦ દિવસનો બ્રેક વધારશે તમારી ખુશી

Saturday 28th May 2022 08:53 EDT
 
 

વીતેલા સપ્તાહે આપ સહુએ આપના પ્રિય ‘ગુજરાત સમાચાર’માં જાણીતી અભિનેત્રી - ફિટનેસ ફ્રિક શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયામાંથી થોડોક સમય બ્રેક લીધો હોવાના સમાચાર વાંચ્યા હશે. શિલ્પાએ આનું કારણ આપતાં કહ્યું છે કે તે એકધારાપણાથી કંટાળી ગઇ છે. બોરડમના કારણે તે સોશિયલ મીડિયામાંથી બ્રેક લઇ રહી છે. સોશિયલ મીડિયામાંથી બ્રેક લેવાના નિર્ણયને મેડિકલ એક્સપર્ટ્સના શોધ-સંશોધન પણ સમર્થન આપે છે. સોશિયલ મીડિયાના લાભ છે તો તેના અઢળક ગેરલાભ પણ છે. તાજેતરમાં સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવ અંગે જાણવા માટે એક અભ્યાસ હાથ ધરાયો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે જે લોકોએ સોશિયલ મીડિયા પરથી માત્ર 10 જ દિવસનો બ્રેક લીધો હતો તેમનામાં નકારાત્મકતા ઘટી હતી અને ખુશીનો અહેસાસ વધ્યો હતો. એટલું જ નહીં, તેઓ સામાજીક રીતે પણ વધુ મળતાવડા થયા હતા. આ અભ્યાસના આધારે જ નિષ્ણાતો કહે છે કે ભલે બહુ લાંબો નહીં, પણ સોશિયલ મીડિયા પર દસ દિવસનો બ્રેક લો, અને જાતે જ અનુભવો પોતાનામાં આવેલો બદલાવ.

નિષ્ણાતો કહે છે કે સોશિયલ મીડિયાની નેગેટિવ અસરો ઘટાડવા માટે નકારાત્મકતા ફેલાવતા એકાઉન્ટ્સને અનફોલો કરવાની આદત કેળવો. તે ઉપરાંત નકારાત્મક ટ્રોલિંગ, સ્પામને પણ ડીલિટ કરો. તમારી બીજા સાથે તુલના કરતી પોસ્ટને પણ ડીલિટ કરી નાંખો. પોતાની તુલના થતી હોય તેવા ફોટો શેર કરવાનું ખાસ ટાળો.
હેલ્થ જર્નલ ‘હેલ્થલાઇન’ દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં લોકો પર કરવામાં આવેલા સરવેથી તારણ મળ્યું કે 25 ટકા લોકો સોશિયલ મીડિયાના ઉપયોગ બાદ સ્વયંના માનસિક સ્વાસ્થ્ય પર તેની નકારાત્મક અસરને અનુભવે છે. વર્ષ 2021માં એક્સપ્રેસ વીપીએન દ્વારા કરાયેલા સરવેમાં 86 ટકા લોકોએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાની તેઓની ખુશી અને સેલ્ફ ઇમેજ પર સીધી જ નકારાત્મક અસર જોવા મળી હતી. એક અન્ય સરવે અનુસાર મનોરંજન તેમજ એકલતા દૂર કરવાના હેતુસર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા લોકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ પ્રતિકૂળ અસર જોવા મળી હતી. આ બધા તારણ દર્શાવે છે કે સોશિયલ મીડિયા લોકો સાથે સંપર્ક વધારવાનું સરળ માધ્યમ જરૂર છે, તે આખી દુનિયા સાથે આપણને જોડી પણ આપે છે, પરંતુ જો તેનો ઉપયોગ પ્રમાણભાન જાળવીને કરવામાં આવે તો. ગમેતેટલી સારી વસ્તુનો અતિરેક હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે તે હંમેશા યાદ રાખો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter