હેલ્થ ટિપ્સઃ હૃદયને સ્વસ્થ રાખવા માટે આટલી કાળજી લો...

Saturday 23rd April 2022 07:55 EDT
 
 

શું તમે હૃદયને હંમેશા સ્વસ્થ રાખવા માંગો છો? તો આટલી કાળજી અવશ્ય લો.

• હૃદયને સ્વસ્થ રાખવાનું પ્રથમ પગલું છે, ભૂખ કરતાં એક કોળિયો ઓછો ખાવાની ટેવ કેળવો.

• ખોરાકમાં ઘી-તેલ ઓછાં કરવાના બદલે તેનું પ્રમાણભાન જાળવો. સમગ્ર શરીરને કસરત થાય એવાં કામમાં વધારો કરો.

• ખોરાકમાં ફળ અને કાચા શાકભાજીનું પ્રમાણ થોડુંક વધારે રાખો. એક વાટકો ભરીને ફળ-શાકભાજી રોજેરોજ ખાવાનું રાખો.

• રોટલી બનાવવા માટે બારીક દળેલો લોટ વાપરવાને બદલે થોડોક જાડો દળેલો લોટ વાપરવાનું રાખો. તે પચવામાં હળવો રહેશે.
• બજારમાં મળતાં પેક્ડ ફૂડ ખાવાનું તો સાવ બંધ કરી દો. એમાં મીઠું, પ્રિઝર્વેટિવ અને ખાંડનું પ્રમાણ વધારે હોય છે. તે આરોગ્યને માટે, ખાસ કરીને તમારા હૃદય માટે હાનિકારક હોય છે.
• તમારા ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ શરીરની જરૂર પ્રમાણે જાળવી રાખો. તમારા ડોક્ટરની સલાહ લો. તેઓ તમને તમારી દિનચર્યા પ્રમાણે કેટલું પ્રોટીન જોઈએ તેની ગણતરી કરી આપશે.
• ખોરાકમાં સફેદ મીઠાને બદલે સંચળ અને સિંધાલૂણ (રોક સોલ્ટ) ખાવાનું રાખો.
• રોજેરોજ ઓછામાં ઓછું ચાર કિલોમીટર ચાલવાનું રાખો. બને તો નોકરી-વ્યવસાયના સ્થળે જતી વખતે કે આવતી વખતે ચાલવાનું રાખો. એમ કરવાથી ચાલવામાં કદી ચૂક નહીં થાય.
• દર અઠવાડિયે રજાનો દિવસ રોજિંદા કામકાજ અને નોકરીની ઉપાધિથી મુક્ત રાખો. નિરાંતે મોજ માણો. બને તો જૂના મિત્રો સાથે સમય વિતાવો.
• દર બે અઠવાડિયે એક વખત તમારી જાતને બધા નિયમોમાંથી મુક્તિ આપો. એ દિવસે કોઈ નિયમ ન પાળો. આખો દિવસ, બસ મનસ્વી રીતે જે ગમે તે કરો.
• કોઈની સાથે હરીફાઈ ન કરો, મનમાં જરાય ઉચાટ કે ચિંતા ન રાખો. તમારે માત્ર કામ પાર પાડવાનું છે એટલું જ ધ્યાન રાખો. તણાવ ટાળશો તો મન અને હૃદય પરથી બોજ ઘટાડી શકશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter