હેલ્થ બૂલેટિનઃ છાતીમાં બળતરાની દવાઓથી મગજને ગંભીર નુકસાન

Sunday 03rd December 2023 08:22 EST
 
 

છાતીમાં બળતરાની દવાઓથી મગજને ગંભીર નુકસાન
છાતીમાં બળતરા અને અપચાની સમસ્યા સામાન્ય હોવાથી લાખો લોકો તેની દવાઓ છાસવારે લેતા રહે છે પરંતુ, આ દવાઓ તેમની યાદશક્તિને અસર કરે છે તેનાથી તેઓ અજાણ રહે છે. પ્રોટોન પમ્પ ઈન્હિબિટર પ્રકારની ડ્રગ નિયમિત 4.4 વર્ષ અથવા તેનાથી વધુ સમય લેવામાં આવે તો ડિમેન્શીઆ, સ્મૃતિભ્રંશ કે યાદશક્તિ ગુમાવવાનું જોખમ 33 ટકા વધી જતું હોવાનું એક અભ્યાસમાં જણાવાયું છે. નોંધપાત્ર હકીકત એ છે કે દર વર્ષે લાખો બ્રિટિશરોને આ દવાઓ પ્રીસ્ક્રાઈબ કરવામાં આવે છે અને NHS દ્વારા 2022માં જ આવી દવાના 70 મિલિયનથી વધુ પેકેટ્સ અપાયા હતા. યુનિવર્સિટી ઓફ મિનેસોટાના ડો. કામાક્ષી લક્ષ્મીનારાયણે જણાવ્યા મુજબ લાંબા સમય સુધી એસિડ રિફ્લક્સ માટે લેવાતી આ દવાઓ અચાનક બંધ પણ કરી શકાતી નથી કારણકે તેના લીધે ડિમેન્શીઆ રોગના લક્ષણો વણસી જાય છે. આ દવા બંધ કરતા પહેલા લોકોએ તેમના ડોક્ટરની સલાહ મેળવવી આવશ્યક છે. યુકેમાં આશરે 944,000 બ્રિટિશરો ડિમેન્શીઆથી પીડાય છે અને આ દસકાના અંત સુધીમાં તેમની સંખ્યા એક મિલિયનથી પણ વધી જવાની સંભાવના છે. જર્નલ ન્યૂરોલોજીમાં પ્રસિદ્ધ અભ્યાસમાં સરેરાશ 75 વર્ષની વયના 5,712 લોકો પર પ્રોટોન પમ્પ ઈન્હિબિટરના લાંબા સમય સુધી ઉપયોગના તારણો જણાવાયા હતા. અગાઉના અભ્યાસો મુજબ આ પ્રકારની દવાઓ સ્ટ્રોક, હાડકાના ફ્રેક્ચર્સ અને કિડનીની બીમારીનું જોખમ વધારે છે.

•••

રાત્રે હાથમાં સ્માર્ટફોન નહિ, આવું સાધન રાખો

જો તમે અનિદ્રાની સમસ્યાથી પીડાતા હો અને તમે નિયમિતપણે સ્લીપિંગ પિલ્સ લેતા હોય તો એક વાત સમજવી જરૂરી છે કે આ કોઈ લાંબા ગાળાનું સ્માર્ટ સોલ્યુશન નથી. હકીકત એ છે કે સ્લીપિંગ પિલ્સથી મૃત્યુનું જોખમ 4.6 ગણું વધી જાય છે અને તેનાથી તમારી ઊંઘની ગુણવત્તામાં જરા પણ સુધારો થતો નથી. હવે સ્લીપિંગ પિલ્સના બદલે તમારા હાથમાં રાખીને સૂઈ જવાય તેવા સાધન કે ઉપકરણો બજારમાં આવી ગયા છે જેનાથી ગણતરીની મિનિટોમાં તમને ઊંઘ આવી જાય તેમ કહેવાય છે. વાસ્તવમાં આ ઉપકરણ ઓછી તીવ્રતાના ઈલેક્ટ્રોનિક તરંગો મોકલે છે જેનાથી મગજ શાંત થાય છે અને માતાના હાલરડાંની માફક તમને નિદ્રાદેવીના ખોળે સુવાડી દે છે. જો તમને રાત્રે ઊંઘ આવવામાં તકલીફ પડતી હોય અથવા અડધી રાત્રે વારંવાર જાગી જવાતું હોય તો આવું સાધન તમારા માટે આશીર્વાદ બની શકે છે અને તમારે રાત્રે સ્માર્ટફોન પકડી રાખવાની નોબત આવતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter