૧૨ વર્ષ પહેલાં લખાયેલા પુસ્તકમાં કોરોનાની આગાહી હતી!

Wednesday 18th March 2020 05:25 EDT
 
 

અમદાવાદ: તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક પુસ્તકની વાત ફરતી થઇ હતી, જેમાં દાવો કરાયો હતો કે ૪૦ વર્ષ પહેલાના આ પુસ્તકમાં કોરોના વાઇરસનો ઉલ્લેખ જોવા મળે છે. જોકે હવે એક નવા પુસ્તકની વાત આવી છે. ૧૨ વર્ષ પૂર્વે લખાયેલા પુસ્તકમાં કોરોના વાયરસ સંદર્ભે ઉલ્લેખ છે.
અમેરિકી લેખિકા સિલ્વિયા બ્રાઉનીએ જુલાઇ ૨૦૦૮માં ‘એન્ડ ઓફ ડેઝ’ નામનું પુસ્તક લખ્યું હતું. જેમાં તેણે લખ્યું છે કે, ૨૦૨૦માં ન્યૂમોનિયા જેવી ગંભીર બીમારી દુનિયાભરમાં ફેલાઇ જશે. આ બીમારી એવી હશે જેમાં વાયરસ ફેફસાં અને શ્વાસનળી પર હુમલો કરશે અને તેનો કોઇ ઇલાજ નહીં મળે. સાથે સાથે જ આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે અચાનક જ આવેલી આ બીમારી એક દિવસ અચાનક જ જતી રહેશે. અને એક વર્ષ પછી આ બીમારી પાછી ફરશે પરંતુ આ પછી
જાતે જ સમાપ્ત થઇ જશે. આ બીમારીની વાત ઘણે અંશે કોરોના વાઇરસના લક્ષણો સાથે સામ્યતા ધરાવે છે.
આપણે સહુ જાણીએ છીએ તેમ કોરોનાએ આ વર્ષમાં લોકોને ઘણા જલ્દી ઝપટમાં લઈ લીધા છે. જોકે પુસ્તકમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ બીમારી જેટલી જલ્દી આવી છે એટલી જલ્દી જતી રહે તો સારું. કોરોના વાઇરસના ભયજનક માહોલ વચ્ચે આ ભવિષ્યવાણી સામે આવ્યા બાદ સ્વાભાવિક છે કે આ પુસ્તકનું વેચાણ વધી ગયું છે.
આ અગાઉ ૪૦ વર્ષ જૂના જે પુસ્તકની વાત ફરતી થઇ હતી તેનું નામ ‘ધ આઈસ ઓફ ડાર્કનેસ’ છે. તે ૧૯૮૧માં ડીન કોન્ટોજ નામના લેખકે લખ્યું હતું અને એક થ્રિલર નોવેલ તરીકે ઘણું લોકપ્રિય પણ થયું હતું. લેખકે આ પુસ્તકમાં વુહાન-૪૦૦ નામના એક વાઇરસનો ઉલ્લેખ કર્યો હતો, જેને વુહાન શહેરની બહાર એક આરડીએનએ પ્રયોગશાળામાં બનાવવાની વાત કહેવામાં આવી હતી. વુહાન-૪૦૦ નામના આ વાઇરસ વડે બાયોલોજિકલ વેપન બનાવવાનો તેમાં સંદર્ભે છે. આમ આ પુસ્તકમાં લખવામાં આવેલી વાતોને કોરોના વાયરસ સાથે જોડવામાં આવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter