૩૦થી ૫૦ વર્ષની સ્ત્રીઓને વધુ પજવતો રોગ રુમેટોઇડ આર્થ્રાઇટિસ

Wednesday 21st April 2021 04:59 EDT
 
 

સ્ત્રીઓના શરીરમાં આવતા હોર્મોનલ બદલાવ ક્યારેક તેને રુમેટોઇડ આર્થ્રાઇટિસનો ભોગ બનાવતા હોય છે. આ રોગમાં મુખ્યત્વે હાથના નાના સ્નાયુઓ અસરગ્રસ્ત થાય છે. વળી આ દરદીઓની હાલત વહેલી સવારે ઊઠ્યા પછી વધુ ખરાબ હોય છે. જેમ કે હાથથી બ્રશ પકડવામાં કે લોટ બાંધવામાં તેમને બહુ તકલીફ થાય છે. આ રોગનો ઇલાજ જરૂરી છે, નહીંતર સાંધાઓ હંમેશ માટે ખરાબ થઈ શકે છે.
ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ એ મોટી ઉંમરે જોવા મળતો આર્થ્રાઇટિસ (સંધિવા)નો એક પ્રકાર છે જેમાં ઇલાજ સ્વરૂપે દરદીને ખાસ મદદ કરી શકાતી નથી, કારણ કે એ કોઈ રોગ નથી; પરંતુ શરીરનો ઘસારો છે જે ઉંમર સાથે આવે છે. જોકે એનો ઇલાજ જલદી શરૂ કરવાથી એક લાભ ચોક્કસ થાય છે કે એ ઘસારાની સ્પીડ ઓછી કરવામાં મદદ મળે છે. જોકે આજે આપણે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસથી તદ્દન વિરુદ્ધ લક્ષણો ધરાવતા રુમેટોઇડ આર્થ્રાઇટિસ વિશે વિસ્તારથી જાણીશું. આમ તો આ રોગ ઓટોઇમ્યુન ડિસીઝ ગણાય છે. એટલે કે વ્યક્તિની ઇમ્યુનિટી, જેને રોગપ્રતિકારક શક્તિ કહે છે એ પોતાની રીતે શરીરમાં જ અમુક પ્રકારનો પ્રતિકાર દર્શાવવા લાગે છે, પરિણામે શરીરમાં એવા રોગો જન્મે છે જે લગભગ જીવનભર તમારી સાથે રહે છે. આ રોગો સંપૂર્ણપણે મટાડી શકાય એવું હોતું નથી, પરંતુ એને કાબૂમાં ચોક્કસ રાખી શકાય છે. આ માટે ખૂબ જ જલદી એટલે કે રોગનાં ચિહનો દેખાય એવો તરત જ એનો ઇલાજ કરવો જરૂરી છે. આજે જાણીએ વિસ્તારથી કે આ રોગ શું છે.
કોને થાય?
આમ તો આ રોગ કોઈ પણ ઉંમરની કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે, પરંતુ મોટા ભાગે એ ૩૦-૫૦ વર્ષની સ્ત્રીઓમાં થતો વધુ જોવા મળે છે. સ્ત્રીઓમાં આ રોગ વધુ જોવા મળે છે એ પાછળના જણાવતાં નિષ્ણાત રુમેટોલોજિસ્ટ કહે છે કે સ્ત્રીઓમાં હોર્મોન્સનો બદલાવ આવે છે. એ બદલાવ ક્યારેક આના માટે જવાબદાર હોઈ શકે છે. જે લોકો અમુક પ્રકારની હોર્મોનલ ટ્રીટમેન્ટ લેતા હોય છે તેમનામાં પણ આ તકલીફ આવવાનું રિસ્ક રહેતું હોય છે. જે લોકોની ફેમિલીમાં આ રોગ હોય તેમને પણ એ થવાની શક્યતા રહે છે, પરંતુ એવું જરાય જરૂરી નથી કે આ રોગ તેમને થાય જ. કોઈ કેસમાં થાય, કોઈમાં નહીં. બાકી આ રોગ પાછળ કોઈ ખાસ કારણ નથી.
તકલીફ શું થાય?
આ પણ એક પ્રકારનો આર્થ્રાઇટિસ જ છે એટલે એમાં સાંધાઓ પર સોજો આવવો, દુખાવો થવો કે સાંધા અકડાઈ જવાની પ્રક્રિયા થાય જ છે. પરંતુ આ રોગમાં જુદું શું છે એ સમજાવતાં નિષ્ણાતો કહે છે કે આ રોગ આમ તો કોઈ પણ સાંધામાં થઈ શકે છે, પરંતુ મોટા ભાગે એ નાના સાંધાઓમાં વધુ જોવા મળે છે. એમાં પણ ખાસ કરીને હાથના નાના સાંધાઓમાં એ શરૂ થાય છે. આ આર્થ્રાઇટિસમાં સૌથી વધુ તકલીફ વ્યક્તિને સવારે ઊઠીને થાય છે, જેમાં સવારમાં સાંધા ખૂબ જ અકળાઈ જવાથી તેમના હલનચલનમાં પ્રોબ્લેમ થતો હોય છે. ઓસ્ટિયોઆર્થ્રાઇટિસથી ઊંધું આ પ્રકારના આર્થ્રાઇટિસમાં જ્યારે વ્યક્તિ આરામ કરે ત્યારે તેને તકલીફ વધે છે. પછી એ આરામ થોડા સમયનો કેમ ન હોય, તકલીફ તો થાય જ છે. આ દરદીઓને સવારે સૌથી વધુ તકલીફ થાય છે, કારણ કે એ આરામ સૌથી લાંબો હોય છે. એટલે લાંબા આરામ પછી એ તકલીફ વધી જતી હોય છે અને સાંધા પાસેથી પછી કામ લેવું મુશ્કેલ બની જાય છે. જેમ કે, હાથના નાના સ્નાયુઓમાં પ્રોબ્લેમ હોય તો સવારે ઊઠે ત્યારે બ્રશ પકડવામાં પ્રોબ્લેમ થાય છે. સ્ત્રીઓને લોટ બાંધવામાં તકલીફ થાય છે.
લક્ષણો અને તપાસ
આ પ્રકારની સાંધાની તકલીફ કોઈ પ્રકારનું વાઇરલ ઇન્ફેક્શન જેમ કે ચિકનગુનિયા કે ડેન્ગી થયો હોય તો થઈ શકે છે, પરંતુ એ થોડા સમયમાં જતી રહે છે. આ પ્રકારની તકલીફ જો ૬ અઠવાડિયાંથી વધુ રહેતી હોય તો તરત જ ડોક્ટરને બતાવવું જરૂરી બને છે. આ ઉપરાંત આછો તાવ આવતો હોય, કોઈ પણ જાતનો ફેફસાંનો પ્રોબ્લેમ હોય, ખાસ કરીને લાંબા સમયથી કફની તકલીફ હોય, આંખની તકલીફ જેમ કે ડ્રાય આઇઝ કે આંખમાં લાલાશ હોય તો પગના તળિયે અલ્સર જેવું કંઈક લાગે તો વ્યક્તિને રુમેટોઇડ આર્થ્રાઇટિસ હોઈ શકે છે.
આ ચિહનો આર્થ્રાઇટિસનાં ચિહનો સાથે કે ઘણી વાર એની પહેલાં દેખાવા લાગે છે. આ સમયે ડોક્ટરને બતાવવા જઈએ ત્યારે તેઓ ખાસ બ્લડ-ટેસ્ટ, વ્યક્તિની હિસ્ટરી અને તેના સાંધાઓને ચેક કરીને તબીબી તારણ પર પહોંચે છે કે તેને આર્થ્રાઇટિસ છે કે નહીં. ઘણી વખત એવું પણ બને છે કે દરદીને હેપેટાઇટિસ સી હોય કે ટીબી હોય તો એને લીધે સાંધાની તકલીફ થઈ શકે છે. એ માટે યોગ્ય નિદાન થવું જરૂરી છે.
ઇલાજ શું?
આ રોગનો સમયસર ઇલાજ ન થાય તો એ તકલીફ વધતી જાય છે, જેને લીધે હાડકાં પર અસર પહોંચી શકે છે. હાડકાં ડેમેજ થાય તો બે હાડકાં વચ્ચેની જે જગ્યા છે જ્યાં સાંધો આવે છે એ જગ્યા ઓછી થતી જાય છે અને ધીમે-ધીમે એ જગ્યા બંધ થઈ જાય છે. એને લીધે એ સાંધાનો આકાર બદલાઈ જાય છે. મૂવમેન્ટ ધીમે-ધીમે ઓછી થતી જાય છે અને એક સમયે સાવ બંધ થઈ જાય છે. આમ સાંધો હંમેશાં માટે ડેમેજ થઈ જાય છે, જેને રિપેર કરી શકાતો નથી.
ઇલાજ વિશે વાત કરતાં નિષ્ણાતો કહે છે, ઇલાજમાં પેઇનકિલર્સ અને જરૂર પડે તો દર્દીને સ્ટેરોઇડ્સ પણ આપવામાં આવે છે, પરંતુ એ તો ઇલાજની શરૂઆત છે. પાછળથી મુખ્ય દવાઓ જુદી હોય છે, જેને ડિસીઝ મોડિફાઇંગ ડ્રગ્સ કહેવાય છે; જે આર્થ્રાઇટિસ પર અકસીર કામ કરે છે. આ દવાઓ જીવનભર લેવી જ પડે એવું પણ નથી. ઘણા લોકોને અમુક સમય પછી સારું થઈ જાય એટલે દવાઓ બંધ પણ કરાવી દેવાય છે, પરંતુ આ સમયગાળો દરદીએ-દરદીએ જુદો-જુદો હોય છે. દવાઓ સાથે ફિઝિયોથેરપી પણ જરૂરી છે અને એની સાથે અમે કેલ્શિયમ અને વિટામિન ડીનાં સપ્લિમેન્ટ્સ પણ આપીએ જ છીએ.

કોલેસ્ટરોલ અને થાઇરોઇડ

જેમને રુમેટોઇડ આર્થ્રાઇટિસ હોય એ વ્યક્તિને કોલેસ્ટરોલ અને થાઇરોઇડ બન્નેની તકલીફ થઈ શકે છે. એની પાછળનું કારણ સમજાવતાં તબીબી નિષ્ણાતો કહે છે કે રુમેટોઇડ આર્થ્રાઇટિસની જેમ થાઇરોઇડ પણ એક ઓટોઇમ્યુન ડિસીઝ છે. શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં આવતા ફેરફાર બન્ને રોગના કારક છે એટલે રુમેટોઇડ આર્થ્રાઇટિસના દરદીઓનું થાઇરોઇડ રેગ્યુલર ચેક કરાવવું ખૂબ જ જરૂરી છે.
આ સિવાય આર્થ્રાઇટિસ શરીરમાં ઇન્ફ્લેમેશન લાવનારો રોગ છે. આ ઇન્ફ્લેમેશનથી લોહીની નળીઓને જે નુકસાન થાય એ પૂરવા માટે શરીર વધુ કોલેસ્ટરોલ બનાવવા લાગે છે. એથી આવા દરદીઓમાં ધ્યાન ન રાખવામાં આવે તો દરદીને હાર્ટ-પ્રોબ્લેમ્સ આવી શકે છે. એટલે આર્થ્રાઇટિસના ઇલાજ સાથે થાઇરોઇડ અને કોલેસ્ટરોલનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter