લંડનઃ કોરોના મહામારીનું આગમન થયું છે ત્યારે નિષ્ણાતો ગળું ફાડી ફાડીને લોકોને માસ્ક પહેરવાનો અનુરોધ કરી રહ્યા છે, અને છતાં ઘણા લાકો માસ્ક પહેર્યા વગર ફરવામાં બહાદુરી સમજે છે. જોકે હકીકત એ છે કે કોરોના કે પછી શ્વાસોચ્છશ્વાસથી ફેલાતો અન્ય કોઈ પણ વાઈરસ રોકવામાં માસ્ક સૌથી મહત્ત્વનો રોલ ભજવે છે તે વાત વધુ એક વાર વૈજ્ઞાાનિક રીતે સાબિત થઈ છે.
ઇન્ટરનેશનલ સાયન્સ જર્નલ ‘ફિઝિક્સ ઓફ ફ્લૂઈડ’માં સંશોધન પ્રગટ થયું છે. એ પ્રમાણે જો દુનિયામાં ૭૦ ટકા લોકો માસ્ક પહેરવા લાગે તો કોરોનાની નાબુદી અશક્ય નથી. ૭૦ ટકા પ્રજા માસ્ક પહેરતી થાય એ પછી કોરોના ફેલાવાની શક્યતા ઘટીને એક ટકાથી પણ નીચે આવી જઈ શકે છે.
સંશોધકોએ આ રિસર્ચમાં જણાવ્યું છે કે માસ્ક પહેરેલું હોય એ સંજોગોમાં હવા દ્વારા ફેલાતા વાઈરસને બહાર નીકળવાનો માર્ગ મળતો નથી. કોરોના મોટે ભાગે મોઢા દ્વારા ફેલાય છે અને જેમના શરીરમાં ઘૂસે છે તેમના શરીરમાં પણ નાક-મોઢાનો જ રસ્તો પસંદ કરે છે. વાઈરસ સૌથી પહેલા ગળાના ભાગમાં પકડ જમાવે છે. આમ માસ્ક પહેરવામાં આવે તો સંક્રમણનું આ જોખમ ઘણા અંશે ટળી શકે. ૧૬ પેજનું આ રિસર્ચ પેપર ભારતીય મૂળના અમેરિકી સંશોધક સંજય કુમાર અને સિંગાપોર યુનિવર્સિટીના હાઉ ફ્યુ લી દ્વારા તૈયાર કરાયું છે.
અમેરિકામાં માસ્ક ફરજિયાત કરાયા નથી અને ત્યાં તો વિદાય લઇ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના ઉદ્દંડ લોકો માસ્ક પહેરવામાં માનતા નથી. બીજી તરફ, અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શને પણ આંકડાઓ ટાંકીને અમેરિકી પ્રજાને અપીલ કરી છે કે માસ્ક પહેરશો તો જ કોરોના ધીમો પડશે. આ અભ્યાસમાં રજૂ થયેલી વિગતો પ્રમાણે અમેરિકાના જે ૧૫ રાજ્યોમાં માસ્ક પહેરાય છે, ત્યાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે.
સંશોધકોએ સૌથી ઉત્તમ એન-૯૫ માસ્કને ગણાવ્યું છે. તેઓ કહે છે કે એન-૯૫ માસ્ક પહેરી શકાય તો ઉત્તમ. એ પછી સર્જિકલ માસ્ક અને સૌથી છેલ્લે કપડાનું સાદુ માસ્ક અસરકારક હોવાનું સંશોધકોનું કહેવું છે. જો કપડાંનું જ માસ્ક ફાવતું હોય તો તેના એકથી વધારે પડ હોય એ હિતાવહ છે. કેટલાક લોકો માત્ર દંડથી બચવા માટે સાવ સાદુ માસ્ક મોઢા પર પહેરવા ખાતર વિંટાળી લેતાં હોય છે. આ પ્રકારનું માસ્ક દર વખતે અસરકારક સાબિત થતું નથી.
સંશોધકોએ રિસર્ચમાં નોંધ્યુ છે કે છીંક કે ઊચ્છવાસ જેવા સંજોગોમાં વાઈરસ બહાર ફેંકાઈને ફેલાતો હોય છે. જો સામે કોઈ વ્યક્તિ હોય તો વાઈરસ તુરંત તેના શરીરમાં પ્રવેશી જાય છે. અન્યથા વાઈરસ હવામાં જ રહીને નિષ્ક્રિય થઈ જાય. મોટા ભાગના વાઈરસને જો કોઈ સજીવનું શરીર ન મળે તો એ ફેલાઈ શકતા નથી. મતલબ કે વેક્સિન ન મળે ત્યાં સુધી માસ્ક પહેરવામાં જ સમજદારી છે.