૮૬ વર્ષનાં દાદીએ ઘરમાં જ ચાલીને ૫૪ કિલો વજન ઉતાર્યું!

Saturday 02nd February 2019 06:07 EST
 
 

ન્યૂ યોર્કઃ આજકાલ શરીર ઉતારવા માટે જીમમાં જવાનું, જોગિંગ કે રનિંગ કરવાનું ચલણ વધ્યું છે ત્યારે જેસિકા સ્લોટર એવી વ્યક્તિ છે જેમણે ઘરમાં રહીને જ વજનમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. અમેરિકાના મિસિસિપીના સેન્ટ લુઇમાં રહેતાં ૮૬ વર્ષીય જેસિકા સ્લોટરે ઘરના રૂમોમાં જ વોક કરીને ૫૪ કિલો વજન ઘટાડ્યું છે તે વાત માન્યામાં ન આવે તેવી હોવા છતાં હકીકત છે. એક સમયે તેમનું વજન ૧૦૮ કિલો હતું, જે હવે અડધું થઈ ગયું છે. તેમણે આ કમાલ ૧૬ વર્ષમાં કરી છે. તેમને ૭૦ વર્ષની ઉંમરે પ્રી-ડાયાબિટીસ થયો હતો. ત્યારથી તેઓ રોજ સવારે ઘરમાં જ ૩૦૦૦ સ્ટેપ ચાલવા લાગ્યા.
જેસિકા જણાવે છે કે તેઓ ખાવાની ઇચ્છા રોકી શકતા નહોતા. તળેલી વસ્તુઓ, ચિકન, ઇંડા અને કેક તેમને બહુ ભાવતા હોવાથી તેમનું વજન સતત વધતું ગયું. ૭૦ વર્ષની ઉંમરે પ્રી-ડાયાબિટીસની ખબર પડી. ડોક્ટરની સલાહ બાદ નોનવેજ ફૂડ બંધ કર્યું. પછી રોજ તેમના એપાર્ટમેન્ટનાં રૂમોમાં વોક કરવાનું ચાલુ કર્યું. તેઓ રોજ સવારે ૩ હજાર ડગલાં ચાલતા હતા, જેના પર તેમની પૌત્રી એપ દ્વારા નજર રાખતી. આજે ૫૪ કિલો વજન ઘટાડ્યા બાદ તેઓ ખૂબ જ ખુશ છે. જેસિકાની ઇચ્છા છે કે અન્ય વૃદ્ધો પણ તેમની આ એક્સરસાઇઝને ફોલો કરે અને એક્ટિવ રહે. આ જીવન જીવવાનો એક ખૂબ સારો રસ્તો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter