‘એવરી માઈન્ડ મેટર્સ’: પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડનું માનસિક સ્વાસ્થ્ય સંબંધિત મંચની નવી સલાહ

Monday 11th May 2020 01:41 EDT
 
 

લંડનઃ કોરોના વાઈરસ મહામારી દરમિયાન લોકોના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવા માટે પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના પ્લેટફોર્મ ‘એવરી માઈન્ડ મેટર્સ’ મારફત નવી સલાહ જારી કરવામાં આવી છે. કોરોના વાઈરસ સંબંધે લોકોમાં ભય વ્યાપ્ત છે. નવા ડેટા અનુસાર પાંચમાંથી ચાર (૮૫.૨ ટકા) લોકોને કોરોના વાઈરસની તેમની જિંદગી પર થઈ રહેલી અસરની ચિંતા છે. અડધાથી વધુ (૫૩.૧ ટકા) લોકો કહે છે કે તેનાથી તેમના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે અને લગભગ અડધા (૪૬.૯ ટકા) લોકોએ વ્યગ્રતા-ચિંતાતુરતાના ઊંચા પ્રમાણની ફરિયાદ કરી હતી.

ફોરેન્સિક સાઈકિયાટ્રિસ્ટ ડો. સોહોમ દાસે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને જણાવ્યું હતું કે,‘અત્યારે આવી ચિંતાની લાગણી થવી સ્વાભાવિક છે. પરિવાર સાથે સમય વીતાવવો, તમારા બાળકોને ઘરમાં શિક્ષણ આપવા પર ધ્યાન આપવું, મિત્રો અને પરિવાર સાથે સંપર્ક જાળવવો તેમજ તમારી જાતને પરોવી રાખવા નવા શોખ કેળવવા, કામ અને પ્રવૃત્તિઓ કરવાથી તમને મદદ મળશે. જેમણે આ પ્રકારના ઉચ્ચતમ તણાવનો કદી અનુભવ કર્યો નથી તેમના માટે ચિંતાનું પ્રમાણ થોડુ વધારે લાગી શકે છે. પરિણામે, તેમને પ્રોફેશનલ મદદ લેવાની જરુર પડે છે.’

કોરોના વાઈરસ દરમિયાન આપણા માનસિક સ્વાસ્થ્યને સારું રાખવાં ‘એવરી માઈન્ડ મેટર્સ’ પર વિવિધ પ્રકારના સલાહસૂચનો મૂકાયા છે જેમાં વ્યક્તિઓ અને તેમના પ્રિયજનો માટે ખાસ તૈયાર કરાયેલો Covid-19 Mind Plan મુખ્ય છે. કોવિડ-૧૯ને અનુલક્ષી આ કાર્યક્રમ માનસિક આરોગ્ય સંબંધિત વ્યગ્રતા-ચિંતાતુરતા, તણાવ, વિષાદ-ગ્લાનિ અને નિદ્રા સંબંધિત ચોક્કસ સમસ્યાની મદદ માટેછે. આ વેબસાઈટ લોકોને ધ્યાનપૂર્વકની શ્વસન કસરતો જેવી એક્ટિવિટીઝ તરફ દોરી જાય છે, ચિંતાકારી વિચારોને દૂર રાખવામાં અને સ્નાયુઓને હળવાશમાં લાવવામાં સહાય કરે છે.

આ મહત્ત્વનો સંદેશો સર્વત્ર પહોંચી શકે તે માટે ધ ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ પણ ‘Every Mind Matters’ને સપોર્ટ કરી રહ્યાં છે અને રાષ્ટ્રીય ટેલિવિઝન ચેનલો પર પ્રસારિત કરાઈ રહેલી શોર્ટ ફિલ્મમાં તેમણે અવાજ પણ આપ્યો છે. આ ફિલ્મમાં કોવિડ-૧૯થી અસરગ્રસ્ત વિવિધ પ્રકારના લોકોનું ચિત્રણ કરાયું છે અને લોકોને તેમના માટે મદદ મળી શકે છે તેની હૈયાધારણા અપાઈ છે તેમજ આ કપરા સમયમાં દરેક વ્યક્તિએ પોતાના માનસિક આરોગ્યની કાળજી લેવી જોઈએ તેનું પ્રોત્સાહન અપાયું છે.

હેલ્થ અને સોશિયલ કેર સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું છે કે,‘આ વૈશ્વિક મહામારીનો પ્રતિકાર કરવાના રાષ્ટ્રીય પ્રયાસના ભાગરુપે અમે લોકોને તેમના રોજબરોજના જીવનમાં ભૂતપૂર્વ પરિવર્તન લાવવા જણાવ્યું છે. ઘરમાં જ રહેવા અને મિત્રો અને સ્નેહીજનોને નહિ મળવાથી આગવી તકલીફ થાય છે અને તેનાથી આઘાત કે ચિંતાની લાગણી સર્જાય તે સંપૂર્ણપણે સ્વાભાવિક છે. આ મુશ્કેલ સમયમાં આપણે માનસિક આરોગ્યની કાળજી લઈએ તે મહત્ત્વનું છે. આથી અમે NHS Every Mind Matters વેબસાઈટ પર નવું માર્ગદર્શન મૂકી રહ્યા છીએ, જે વ્યવહારુ સૂચનો અને સલાહ દ્વારા આ રોગચાળામાં લોકોને મદદ કરવા માટે બનાવાઈ છે.’

ગ્રેટ બ્રિટિશ બેક ઓફ સ્ટાર અને શેફ નાદિયા હસને જણાવ્યું હતું કે,‘ એંગ્ઝાઈટી હરાવી દેનારી બાબત છે અને હાલ જે લોકો વ્યગ્રતાથી પીડાય છે તેમની લાગણી અગાઉ કરતા પણ વધુ ખરાબ હશે. મારાં માટે, લોકોના સંપર્કમાં રહેવું, મારાં પ્રિયજનો સાથે વાતચીત કરવી, તેમાંથી બહાર આવવામાં મદદરુપ બને છે. તમે એકલાં નથી, અસંખ્ય લોકો ચિંતાતુર બને છે અને ડરની લાગણી અનુભવે છે. તમે જેમનામાં વિશ્વાસ રાખો છો તેમની સાથે આ બાબતે વાત કરવાથી વ્યગ્રતાને પડકારવામાં મદદ મળશે અને તમારા ભયને શાંત પાડશે. જો તમે તમારા માનસિક આરોગ્ય બાબતે સંઘર્ષ કરી રહ્યા હો તો તેને સ્વીકારવું તેમજ તેના માટે મદદ મેળવવી તે મહત્ત્વનું છે.. અને તેમાં જરા પણ ખોટું નથી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter