ન્યૂ યોર્ક: વૈશ્વિક મહામારી કોરોનાના નિદાન - સારવાર મામલે નીતનવા તુક્કા જાહેર કરતા રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે એક કોરોનાની સારવાર માટે હવે એવી દવાને પ્રમોટ કરવા ઇચ્છી રહ્યા છે કે જેનો કોઇ વૈજ્ઞાનિક આધાર કે ટેસ્ટ રિપોર્ટ નથી. આ દવા રજૂ કરનારા બિઝનેસમેન માઇક લિન્ડેલ ટ્રમ્પના કટ્ટર સમર્થક - મિત્ર છે અને અમેરિકામાં ‘પિલોમેન’ તરીકે ઓળખાય છે.
અહેવાલ છે કે ટ્રમ્પ લિન્ડેલની આ દવાને ડાયેટરી સપ્લીમેન્ટ કે કોરોનાની સારવાર તરીકે એપ્રૂવ કરવા માટે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) પર દબાણ કરી રહ્યા છે. જોકે, આ દવા કારગત નિવડશે કે નહીં તેના લિન્ડેલ પાસે કોઇ વૈજ્ઞાનિક પુરાવા નથી. આ દવા પીળા કરેણના છોડમાંથી બનાવાઇ છે.
અમેરિકી પ્રમુખપદની ચૂંટણી પૂર્વે ટ્રમ્પ દ્વારા આ દવાનું સમર્થન કરાતાં અમેરિકામાં ઠેર-ઠેર તેનો વિરોધ શરૂ થઇ ગયો છે. વ્હાઇટ હાઉસના સૂત્રોનું કહેવું છે કે જુલાઇમાં લિન્ડેલ અને અર્બન હાઉસિંગ ડેવલપમેન્ટના સચિવ બેન કાર્સને ટ્રમ્પ સાથે એક મીટિંગ યોજી હતી. જેમાં ટ્રમ્પને ‘ઓલિએન્ડ્રીન’ નામની દવાથી વાકેફ કરાયા હતા.
લિન્ડેલે તાજેતરમાં સીએનએન ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ટ્રમ્પે મીટિંગ બાદ કહ્યું હતું કે એફડીએએ આ દવાને મંજૂરી આપવી જોઇએ, તે કારગત છે. એફડીએએ આ અગાઉ કોરોનાની સારવાર માટે હાઇડ્રોક્સિક્લોરોક્વિનના ઉપયોગ પર પણ પ્રતિબંધ લાદી દીધો હતો.
લિન્ડેલના દાવા બોગસ
માઇક લિન્ડેલ તકિયા બનાવતી કંપની માય પિલોનો સીઇઓ છે. તેની સામે બોગસ દાવા કરીને ગ્રાહકોને છેતરવાના આરોપ થતા રહ્યા છે. તાજેતરમાં બોગસ દાવાના એક કેસમાં તેણે ૭.૫ કરોડ રૂપિયા વળતર ચૂકવવું પડ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે તેણે બનાવેલા તકિયાના ઉપયોગથી માઇગ્રેન જેવી બીમારી તેમ જ માથાનો દુખાવો પણ નથી થતો. દાવાના આધારે ઘણા લોકોએ તકિયા ખરીદયા પણ તેનાથી આરામ ન મળતાં તેમણે લિન્ડેલ સામે છેતરપિંડીના કેસ કરવાનું શરૂ કરી દીધું હતું.