મિલિંદ સોમણ એક એવા એક્ટર, મોડેલ અને ફેશન આઈકન છે, જેઓ નેવુંના દાયકાથી આજસુધી એટલા જ યુવાન દેખાય છે. તાજેતરમાં તેઓ 60 વર્ષના થયા છે, ત્યારે તેણે એક ઇટરવ્યુમાં હંમેશા હેલ્ધી અને ફિટ રહેવા માટે પોતાને ક્યાંથી પ્રેરણા મળે છે અને તેના માટે આ ઉંમરનું શું મહત્ત્વ છે તે અંગે વાત કરી હતી.
ફિટનેસ માટે જાણીતી અભિનેત્રી સૈયામી ખેરે બે આયર્નમેન રેસ પૂરી કરી છે, તેની ચર્ચા ઘણા સમયથી છે. કારણ કે આ સ્પર્ધા વ્યક્તિની શારીરિક-માનસિક સજ્જતા-ક્ષમતાની આકરી કસોટી કરે છે. એક જ સ્પર્ધામાં રનિંગ-સ્વિમિંગ-સાઇક્લિંગને આવરી લેતી આયર્નમેન રેસ તેના પડકારો માટે દુનિયાભરમાં જાણીતી છે. સૈયામીએ તો તેની યુવા વયે બે વખત આ સ્પર્ધા પૂરી કરી છે, પણ મિલિંદ સોમણે 50 અને 60 વર્ષની ઉંમરે બે આયર્નમેન રેસ પૂરી કરીને શારીરિક-માનસિક સજ્જતાનું સર્વોત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મિલિંગ કહે છે, ‘જ્યારે મેં 50 વર્ષની ઉંમરે આયર્નમેન પુરી કરી ત્યારે એ મારી ઇચ્છા મારા તન-મનની શક્તિ ચકાસવાની હતી. જ્યારે 60 વર્ષે આ જ સ્પર્ધા મારા માટે શરીર, મન, શિસ્ત અને સાતત્યની ઉજવણીસમાન બની ગઈ છે. મારો અંગત અનુભવ કહે છે કે ઉમર વધવાની સાથે તમે ધીમા પડતા નથી, પણ અશિસ્ત અને અનિયમિતતાને કારણે ધીમા પડો છો. આત્મસન્માનની ભાવના એ તમારા શરીર અને મન માટે મહત્ત્વનો ભાગ ભગવે છે, જે તમે કલ્પી પણ ન શકો એવા પરિણામ આપી શકે છે. આજે 60 વર્ષનો થયો છું, પરંતુ હું 30 વર્ષની વયે હતો એના કરતાં વધુ મજબૂત, હળવો અને આઝાદ હોવાનું અનુભવું છું.’
મિલિંદ ભારપૂર્વક કહે છે, ‘તમારું શરીર નક્કી નથી કરતું કે તમારી ઉંમર કેટલી છે – તમારો અભિગમ નક્કી કરે છે. મેં 20 વર્ષનાં એવા અનેક લોકોને જોયાં છે, જે થાકેલાં હોય છે અને 70 વર્ષનાં એવા વડીલો પણ જોયાં છે જે સવારે ઉઠતાંવેંત દોડવા જવા માટે ઉત્સુક હોય છે. આ સમયને આગળને વધતો અટકાવવાની વાત નથી, પરંતુ આ કોઈ ઉમદા ઉદ્દેશ અને ખુશી સાથે જોશભેર આગળ વધવાની વાત છે.’
પોતાની ફિટનેસની વ્યાખ્યા અંગે મિલિંદ માને છે, ‘સારા દેખાવું એ કાયમી નથી. સારું અનુભવવું એ કાયમી છે. જ્યારે તમે શક્તિ, શાંતિ અને તંદુરસ્તી પાછળ ભાગો ત્યારે તમને આત્મવિશ્વાસ આપોઆપ મળી જાય છે. લોકો કહેતા હોય છે, હું (શારીરિક-માનસિક) તૈયાર હોઈશ ત્યારે શરૂઆત કરીશ. પણ જો તમે તમારી જાતને આવું જ કહ્યા કરશો, તો તમે ક્યારેય તૈયાર નહીં જ થાઓ. પછી તમે 20ના હોવ, 40ના હોવ કે 60ના – તમારા શરીરને પ્રેમ કરવાનો અને તેને મનાવવાનો શ્રેષ્ઠ સમય અત્યારે જ છે. મારા માટે તંદુરસ્તી એ આઝાદી છે. પહાડ ચડવાની આઝાદી, દરિયામાં તરવાની આઝાદી, ખુલ્લાં પગે દોડવાની આઝાદી કે પછી કોઈ મહેનત વિના ઊંડા શ્વાસ લેવાની આઝાદી. આયર્નમેન રેસ કે મેરેથોન મારા લક્ષ્ય નથી કે પછી સિક્સ પેક એબ્ઝ બનાવવા અને મેડલ્સ જીતવા પણ મારો હેતુ નથી - મારું શરીર હજુ બધુ કરી શકે છે, તે સંપૂર્ણપણે સક્રિય છે તે વાતનો આનંદ છે. અને આ જ મારી ફિટનેસની સાચી સફળતા છે.’


