ન્યૂ યોર્કઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (ડબ્લુએચઓ - ‘હૂ’) મેલેરિયાની સારવારમાં વપરાતી દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન (એસચીક્યુ) વડે કોરોનાના દર્દીઓની સારવાર કરવાની ટ્રાયલ બંધ કરી દીધી છે. ડબ્લ્યુએચઓએ નિવેદન જારી કરીને તેની પુષ્ટિ કરી.
કોરોનાની સારવારમાં એચસીક્યુ દવા અસરકારક પુરવાર થઇ રહી હોવાના અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ આ દવા જગતભરના અખબારોમાં ચમકી હતી. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ કોરોનાના દર્દીઓ પર આ દવા કેટલી અસરકારક છે તેના અભ્યાસ માટે નિષ્ણાતોના માર્ગદર્શનમાં ટ્રાયલ શરૂ કરી હતી.
‘હૂ’એ નિવેદનમાં જણાવ્યું હતું કે તે હોસ્પિટલોમાં દાખલ કોરોનાના દર્દીઓને ધ્યાનમાં રાખીને આ ટ્રાયલ કરી રહ્યું હતું. ઘરે સારવાર લઇ રહેલા દર્દીઓ સાથે આ ટ્રાયલને કોઇ લેવાદેવા નથી. આંતરરાષ્ટ્રીય દેખરેખ સમિતિએ આ ટ્રાયલ રોકવાની ભલામણ કરી હતી, જે સ્વીકારી લેવામાં આવી છે. ‘હૂ’એ જણાવ્યું હતું કે ટ્રાયલના અત્યાર સુધીના પરિણામો દર્શાવે છે કે હાઇડ્રોક્સીક્લોરોક્વીનના ઉપયોગથી હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓના મૃત્યુદરમાં કોઇ ઘટાડો નોંધાયો નથી. તો બીજી તરફ, હોસ્પિટલમાં દાખલ થયેલા જે દર્દીઓને આ દવા અપાઇ છે તેમનો મૃત્યુદર વધ્યો હોવાના પણ કોઇ નક્કર પુરાવા મળ્યા નથી. આની સાથોસાથ ‘હૂ’એ એચઆઇવીના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતી લોપિનાવીર કે રિટોનાવીર દવાની ટ્રાયલ પણ રોકી દીધી છે. સંગઠને કહ્યું કે તેના પરિણામો પણ હાઇડ્રોક્સીક્લોરોક્વીન જેવા જ છે.