‘હૂ’ની ચેતવણી છતાં યુરોપના મોટાભાગના દેશોમાં કોરોના નિયંત્રણો હળવા કરાયા

Friday 11th February 2022 06:22 EST
 
 

વોશિંગ્ટન: કોરોના મહામારીનું જોર ઓસરી રહ્યું હોવાનું જાણીને યુરોપમાં સંખ્યાબંધ દેશોએ કોરોનાના નિયંત્રણો હળવા તો કરી રહ્યા છે પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ ચેતવણી ઉચ્ચારી છે. ‘હૂ’ના નિષ્ણાતોનું કહેવું છે કે ૨૦૨૧ના છેલ્લા દસ સપ્તાહમાં સમગ્ર વિશ્વમાં ઓમિક્રોનના ૯૦ મિલિયન કેસો નોંધાયા છે જે સમગ્ર ૨૦૨૦ના આખા વર્ષના કુલ કેસો કરતાં પણ વધારે છે. ઓમિક્રોનને ઓછો આંકવાની ભૂલ ન કરવા જણાવતાં ‘હૂ’એ જણાવ્યું હતું કે ઓમિક્રોન હજી વ્યાપક સ્તરે ફેલાઇ રહ્યો છે અને તે હજી ઉત્ક્રાંતિ પામી શકે છે.
મંગળવારે ‘હૂ’ના વડા ટેડ્રોસ ગ્રેબ્રિયસે જણાવ્યું હતું કે કેટલાક દેશોમાં રસીકરણને કારણે અને અને કેટલાક દેશોમાં ઓમિક્રોનનો આકરો ચેપ ન લાગતો હોવાથી એવી છાપ ઉભી થઇ છે કે ચેપને પ્રસરતો અટકાવવાનું શક્ય નથી અને તે જરૂરી પણ નથી. જોકે આ ધારણા ખોટી છે. ડો. માઇકલ રયાને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે થોડા દેશોમાં રાજકીય દબાણને કારણે રાજકારણીઓ નિયંત્રણો વહેલા ઉઠાવી લેશે તો બિનજરૂરી ચેપ ફેલાશે અને બિનજરૂરી મોતનો આંક વધશે. ૨૪થી ૩૦ જાન્યુઆરીના સપ્તાહ દરમ્યાન દુનિયાભરમાં નવા કેસોની સંખ્યા અગાઉના સપ્તાહ જેટલી જ રહી છે, પણ મોતની ટકાવારીમાં નવ ટકાનો વધારો થયો છે. આ સપ્તાહમાં કુલ ૫૯,૦૦૦ કરતાં વધારે લોકોના મોત થયા છે. દુનિયાભરમાં કોરોનાના કુલ ૩૮૨ મિલિયન કેસો અને ૫.૭ મિલિયન મોત નોંધાયા છે. આમ છતાં બ્રિટન, ફ્રાન્સ, આયરલેન્ડ, નેધરલેન્ડ સહિત સંખ્યાબંધ નોર્ડિક દેશોમાં પણ કોરોના નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે અથવા તેને દૂર કરવામાં આવ્યા છે. ગયા સપ્તાહે યુકેમાં કોરોનાના તમામ નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા હતા. લોકોએ હવે એક જ નિયમ - કોરોનાનો ચેપ લાગે તો આઇસોલેશનમાં જતાં રહેવાનું - પાળે છે.
‘હૂ’નું કહેવું છે કે ઓમિક્રોનનો ચેપ ડેલ્ટા કરતાં ઓછો આકરો છે, પણ તે વધારે ઝડપથી પ્રસરે છે અને તે ઘણાં દેશોમાં પ્રભાવી વેરિઅન્ટ બની ગયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter