સમાજની ચિંતાઃ લોકડાઉનમાં બાળકો દ્વારા પેરન્ટ્સની મારપીટના ૪,૨૭૪ કેસ નોંધાયા

Tuesday 25th August 2020 10:53 EDT
 
 

લંડનઃ  આપણે અત્યાર સુધી મોટા ભાગે પેરન્ટ્સ અથવા વડીલો દ્વારા બાળકોનું શોષણ અથવા મારપીટ કરાતી હોય તેમ જોતા અને સાંભળતા આવ્યા છીએ પરંતુ, લોકડાઉનના સમયગાળામાં બાળકો-યુવાનો દ્વારા તેમના માતાપિતાની મારપીટ, હુમલા કે હેરાનગતિ કરાયાની ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે. માર્ચથી જૂન મહિનાઓ સુધી પરિવારોની બહાર સામાજિક સંપર્ક કપાઈ ગયો હતો ત્યારે આવી હિંસક ઘટનાઓમાં ૨૫ ટકાનો ઉછાળો આવ્યો હતો અને પોલીસને બાળકોનાં હાથે પેરન્ટ્સની હેરાનગતિ કે મારપીટ થઈ હોય તેવા ૪,૦૦૦ રિપોર્ટ્સ મળ્યા છે. આ ઘટનાઓ સમાજ માટે અરીસા સમાન છે.

મહામારીના લોકડાઉનની સામાજિક અસરના ચોંકાવનારા રિપોર્ટમાં પોલીસને બાળકોએ માતાપિતા સામે ઘરેલું હિંસા કે હેરાનગતિ આચરી હોય તેવા ૪,૦૦૦ રિપોર્ટ્સ કે ફરિયાદો મળી છે. માર્ચથી જૂન મહિના સુધી લોકડાઉનના ગાળામાં આવી હિંસક ઘટનાઓમાં ૨૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ એવો સમય હતો કે જ્યારે પરિવારોએ ફરજિયાત ઘરમાં રહેવું પડ્યું હતું અને અન્યો સાથે સામાજિક સંપર્ક કપાઈ કે મર્યાદિત બની ગયો હતો. કેમ્પેઈનર્સ બાળકો દ્વારા માતાપિતા પર હુમલાની આવી ઘટનાઓને ડોમેસ્ટિક એબ્યુઝનો છૂપો હિસ્સો ગણાવે છે, જેમાં કટોકટી દરમિયાન ચોક્કસ સપોર્ટ સ્ટ્રકચર્સના અભાવે વધારો થયો હતો.

પોતાની જ દીકરીના હાથે મારપીટથી ગભરાયેલી એક માતાએ આ ડેટા એકત્ર કરનારા ITVના ગુડ મોર્નિંગ બ્રિટન (GMB) કાર્યક્રમમાં જણાવ્યું હતું કે,‘મારી મજબૂરી સમજાવી શકતી નથી. મને ગુસ્સો આવે છે. હું શક્તિહીન છું. મને તેની ઘણી ચિંતા થાય છે, તેને જરુરી સપોર્ટ મળે તેમ હું ઈચ્છું છું. કારણકે આ માનસિક આરોગ્યના મુદ્દા સાથે સંકળાયેલું છે. આ રીતે વર્તન કરનારું આ કોઈ ખુશ કે તંદુરસ્ત બાળક નથી.’ આ માતાએ એમ પણ કહ્યું હતું કે,‘તેણે તમાચા મારવાથી શરુઆત કરી અને ધીરે ધીરે તે વધતું ગયું. તે મારાં ગળાં પર હાથ દબાવીને ભીંતસરસી જડી દેતી અને મને મારવા માટે લાકડાની સોટી લઈને મારી પાછળ દોડતી હતી. ઘણી વખત મને ડર લાગતો કે હું સીડીઓ પરથી પડી જઈશ અને માથામાં ઘણું વાગશે.’ આ માતાને ઘણી વખત પરિસ્થિતિ શાંત કરવા પોલીસને બોલાવવાનો અને છોકરીને બીજા સ્થળે મોકલી દેવાનો પણ વિચાર આવતા હતા જેથી તેઓ થોડીઘણી શાંતિ અનુભવી શકે.

ઈંગ્લેન્ડ અને વેલ્સના લગભગ અડધા પોલીસ દળોએ GMB ની ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન વિનંતીના પ્રતિભાવમાં આપેલી માહિતીમાં હુમલાની ૪,૨૭૪ ઘટનાઓ બહાર આવી હતી. બાળકોમાં શિસ્ત લાવવા પેરન્ટ્સ ધોલધપાટનો ઉપયોગ કરી શકે તેવા ઘણા સૂચનોનો ચેરિટીઝ દ્વારા જોરદાર વિરોધ કરાયો છે. આવી હિંસાનો અનુભવ કરતા પરિવારજનોને મદદ કરવા સ્થપાયેલી ચેરિટી CAPA First Responseના સ્થાપક અને ડાયરેક્ટર જેન ગ્રિફિથ્સનું કહેવું છે કે,‘ધોલધપાટ કરવાથી બાળકના મનમાં ભય જ પેદા થશે. તેને તંદુરસ્ત કે રચનાત્મક સંબંધો સમજવામાં મદદ નહિ મળે કે તેમનાં વર્તનમાં સુધારો પણ નહિ થાય. આ ઘરેલું હિંસાનો છૂપો હિસ્સો જ છે. પોલીસ આમાં ખાસ કરી શકે તેમ નથી.

બાળકોના હાથે પેરન્ટ્સની મારપીટના વધતા કિસ્સાઓની રજૂઆત વિક્ટીમ્સ કમિશનર ડેમ વેરા બાયર્ડે પાર્લામેન્ટમાં પણ કરી છે. તેમણે કોમન્સની જસ્ટિસ કમિટી સમક્ષ કહ્યું હતું કે,‘આ નવા પ્રકારનું શોષણ છે, જેમાં બાળકો બહાર જવાં ઈચ્છતા હોય અને તેમને આવી છૂટ અપાતી ન હોય તેવું સૂચન પણ જોવાં મળી શકે. આપણે ટીનેજર્સની વાત કરીએ છીએ અને તે ચિંતાજનક છે.’ લોકડાઉનમાં ઘરેલુ હિંસાના અસરગ્રસ્તોનું વધતું પ્રમાણ જોતાં સરકારે એપ્રિલ મહિનામાં સપોર્ટ સર્વિસીસ માટે ૨ મિલિયન પાઉન્ડની ફાળવણી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter