સર્જરી ક્ષેત્રે મહિલાનું ઓછું પ્રમાણ

Saturday 05th August 2017 07:46 EDT
 
 

લંડનઃ સંખ્યાબંધ મહિલાઓ તબીબી ક્ષેત્રમાં ડોક્ટર બનવાનું સ્વપ્ન નિહાળે છે અને તે માટે ઘણી મહેનત પણ કરે છતાં, સપનું સાકાર થવાના આરે હોય ત્યાં જ તેઓ કારકીર્દિ છોડી દેવાનું અણધાર્યું પગલું ભરે છે. બ્રિટનમાં વધુને વધુ મહિલાઓ મેડિકલ વ્યવસાય તરફ આગળ વધવા ઇચ્છે છે. તેનો સીધો પુરાવો એ જ છે કે નોર્ધમ્પટન જનરલ હોસ્પિટલમાં પુરુષો કરતાં વધુ મહિલા જોવા મળે છે. જુનિયર મેડિકોમાં પણ મહિલાઓની પ્રગતિ ઊડીને આંખે વળગે એવી હોય છે.

જોકે, મેડિકલ સ્કૂલમાં ટ્રેનિંગ શરુ થવા સાથે જ પરિસ્થિતિ બદલાઈ જાય છે અને મહિલાઓ ટ્રેનિંગમાં ખાસ જોવા મળતી નથી. તેઓ આખી કારકીર્દિનું બલિદાન આપી દે છે. મેડિકલ સ્કૂલમાં ૫૫ ટકા મહિલા પ્રવેશ મેળવે છે પરંતુ, સર્જિકલ ટ્રેનિંગમાં ફક્ત ૩૩ ટકા જ મહિલા રહે છે.

કેટલીક મહિલા માને છે કે આખો દિવસ પુરુષો જેવા કપડાં પહેરીને જાણે પુરુષોની દુનિયામાં ધકેલાઈ ગયા હોય એવું લાગે છે! પુરુષો જેવા વાણી-વર્તન કરતા રહીને જાણે આલ્ફા મેન બની ગયા હોય એવી અનુભૂતિ થવા સાથે મહિલા હોવાની સ્વાભાવિક લાગણી તો રહેતી જ નથી.

મહિલાઓ મૂળતઃ લાગણીની પ્રતિમા ગણાતી હોય છે. એમાં વળી મહિલા તરીકે કરુણા પણ ઉમેરાતી હોય છે. જેના પગલે પણ મહિલાએ કારકીર્દિ અને પરિવાર-સંતાનો વચ્ચે પસંદગી કરવાની થાય ત્યારે કરિયરને છોડતી હોય છે. તેમની આ પ્રેમમૂર્તિની છબી હોવાને કારણે મહિલા સર્જનોની સંખ્યા ઓછી જોવા મળી રહી હોવાનું તારણ સંશોધકોએ કાઢ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter