લંડનઃ સમગ્ર વિશ્વમાં સામાજિક ધોરણો બદલાઈ રહ્યા છે. એ તો હકીકત જ છે કે સમાજ સતત પરિવર્તનશીલ છે. પહેલા ભારત સહિત કેટલાક દેશોમાં સંયુક્ત પરિવારનું ચલણ– હતું. હવે વિભક્ત પરિવાર અને તે પછી ન્યુક્લીઅર પરિવારનું ચલણ આવ્યું છે. પહેલા બાળકોની સંખ્યા ઘણી હતી તેમાંથી બે બાળકો અને હવે પરિવારમાં એક જ બાળક તો બહું થયુંનો વાયરો ચાલ્યો છે. ઘણા સંબંધો નામઃશેષ થઈ રહ્યા છે. આ બધાં પરિવર્તનોમાં હવે એકલાં જ રહેવા-સોલો લિવિંગનો રિવાજ વધી રહ્યો છે. યુકેમાં આઠ વ્યક્તિમાંથી એક કરતાં વધુ વ્યક્તિ એકલી જ રહે છે. એકલાં જ રહેવાના પરિણામે, એકલા મકાનમાલિકો અને ભાડૂતોની સંખ્યા યુકેની વસ્તીમાં સામાન્ય વધારાથી પણ આગળ નીકળી ગઈ છે. એકલ પરિવારોના લીધે હાઉસિંગ સેક્ટર અને અર્થતંત્ર માટે પણ મુશ્કેલી સર્જાય છે.
ઓફિસ ફોર નેશનિલ સ્ટેટેસ્ટિક્સ અનુસાર યુકેમાં હાલ 8.4 મિલિયન લોકો એકલા રહે છે જે, તમામ પરિવારોના 13 ટકા જેટલા છે.દસ વર્ષમાં એકલવાસી લોકોમાં 620,000 એટલે કે 8 ટકાનો વધારો નોંધાયો છે. આટલા જ સમયમાં યુકેની વસ્તીમાં 6 ટકાનો વધારો થયો છે. એવી પણ આગાહી કરાઈ છે કે 2039 સુધીમાં યુકેમાં 10.7 મિલિયન લોકો એકલા રહેતા હશે. તમને થતું હશે કે ધનિક અને યુવાન પ્રોફેશનલ્સ આ પરિવર્તમાં આગળ હશે પરંતુ, સમસ્યા અલગ જ છે. એકલા રહેવામાં વૃદ્ધોની સંખ્યા વધુ છે. એકલ પરિવારમાં 93 ટકા તો 65 અને તેથી વધુ વયની વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એક હકીકત એ છે કે 2013થી 2023ના દાયકામાં એકલી રહેતી સ્ત્રીઓ (204,000)ની સરખામણીએ એકલ પુરુષ (415,000) પરિવારની સંખ્યા બમણી છે.
એકલા રહેવામાં 25-44 વયજૂથના લોકોની સંખ્યા 2013માં 18.8 ટકા હતી જે 2023માં ઘટીને 17.5 ટકા થઈ છે. લંડનમાં એકલ પરિવારોની સંખ્યામાં લંડન સિટી (51 ટકા), કેન્સિંગ્ટન અને ચેલ્સી (43.7 ટકા), વેસ્ટ મિન્સ્ટર (42.7 ટકા) મુખ્ય છે. એકલા રહેતા લોકોની રાષ્ટ્રીય સરેરાશ 30 ટકા છે પરંતુ, નોર્વિચ (38.9ટકા) અને લેન્કેશાયરની સમુદ્રી રિસોર્ટ બ્લેકપુલમાં (38 ટકા) લોકો એકલા રહે છે. નોર્વિચમાં તો 65થી વધુ વયના એકલ પરિવારની સંખ્યા 15 ટકાની છે. એસ્ટેટ એજન્સી હેમ્પટન્સ દ્વારા કાઉન્સિલ ટેક્સમાં સિંગલ વ્યક્તિ દ્વારા ડિસ્કાઉન્ટના ક્લેઈમ્સનું વિશ્લેષણ કરાયું હતું. જે અનુસાર એકલા રહેતા લોકોને બિલમાં 25 ટકાનું ડિસ્કાઉન્ટ અપાય છે. બ્લેકપૂલ અને સાઉથ ટાઈનેસાઈડમાં 42 ટકાએ ક્લેઈમ કર્યા હતા જ્યારે નોર્વિચ અને કેન્ટના કોસ્ટલ ટાઉન હેસ્ટિંગ્સમાં 40 ટકાએ આ ક્લેઈમ કર્યા હતા.
એક હકીકત બહાર આવી છે કે એકલા રહેતા લોકો પોતાની માલિકીનું મકાન ધરાવતા હોવાની શક્યતા ઓછી છે. પૂર્ણકાલીન નોકરી રોજગાર સાથેની એકલી રહેતી વ્યક્તિએ યુકેમાં સરેરાશ પ્રોપર્ટી ખરીદવા તેમની વાર્ષિક આવકની સાત ગણી રકમનું કરજ લેવાની જરૂર પડશે. લંડન અને સાઉથઈસ્ટમાં આ રકમ તેમના વેતનના નવ ગણાથી વધુ હોઈ શકે છે. મકાનમાલિકીના બજારથી બહાર નીકળી ગયેલા એકલા લોકો સ્વાભાવિક રીતે જ રેન્ટલ માર્કેટ તરફ વળે છે જેનાથી ઓછો સપ્લાય ધરાવતા સેક્ટર પર વધુ દબાણ આવે છે.
રેન્ટલ માર્કેટમાં પણ 30 વર્ષથી ઓછી વયના લોકો યોગ્ય પ્રોપર્ટી માટે ફ્લેટ શેરિંગ અને ખાસ કરીને મિત્ર સાથે રહેવામાં માને છે. આવા એકલા યુવા લોકો લાંબા સમય સુધી ફ્લેટમાં રહેવાનું વિચારતા નથી. બીજી તરફ, 30 અને તેથી વધુ વયના એકલા લોકોની કારકિર્દી પાટે ચડી ગયેલી હોય છે અને તેમનું બજેટ પણ મોટું હોય છે. આ વયજૂથના લોકો સારી નાણાકીય હાલતના લીધે શેરિંગમાં રહેવું પસંદ કરતા નથી અને બે કે વધુ વર્ષના લાંબા સમયના ટેનન્સી એગ્રીમેન્ટ્સ કરે છે. એકલ પરિવારોમાં વધારાને પહોંચી વળાય તે પ્રમાણમાં નવા ઘર બંધાતા નથી. તમામ નવા ઘરમાં એપાર્ટમેન્ટ્સનો હિસ્સો 40થી 45 ટકા જેટલો રહે છે.


