સારા ખાદ્યપદાર્થોનો બગાડ રોકવા નવી ગાઈડલાઈન્સ

Sunday 06th August 2017 07:36 EDT
 
 

લંડનઃ ખરીદારોને વેચાતા માલ પર ‘Use By’ તારીખો દર્શાવવાનું બંધ કરી તેમને વાર્ષિક ૭.૩ મિલિયન ટન સારા ખાદ્યપદાર્થ ફેંકતા અટકાવી શકાય તેમ નવી સરકારી ગાઈડલાઈન્સમાં સુપરમાર્કેટ્સને જણાવાયું છે. ‘Use By’ તારીખના બદલે ‘બેસ્ટ બીફોર-'Best Before’ લખવાનું રહેશે, જે ફૂડ પોઈઝનિંગ ન લાવી શકે તેવાં ખાદ્યપદાર્થોને લાગુ પડશે. ફૂડ સ્ટાન્ડર્ડસ એજન્સી Defra અને ફૂડ ચેરિટી Wrap દ્વારા મુસદ્દારુપ ગાઈડલાઈન્સ ઘડવામાં આવી છે. માત્ર એક દિવસના ફરકથી લાખો પાઉન્ડનો સારો ખોરાક વેડફાઈ જતો અટકાવવા માટે ‘વધુપડતી સાવચેત’ વર્તમાન ગાઈડલાઈન્સની સમીક્ષા કરવી જરૂરી જણાઈ છે.

‘વધુપડતી સાવચેત’ શેલ્ફ તારીખો દર્શાવતી વર્તમાન ગાઈડલાઈન્સના લીધે યુકેમાં દર વર્ષે બે મિલિયન ટન ’ખાદ્યપેદાશો ફેંકી દેવાની થાય છે. નવી ગાઈડલાઈન્સથી ફૂડ સ્ટાન્ડર્ડસ એજન્સી Defra અને ફૂડ ચેરિટી Wrap વર્ષે ૭.૩ મિલિયન ટન ખોરાક ફેંકી દેવાતો અટકાવવાનું લક્ષ્ય ધરાવે છે, જેમાંનો બે મિલિયન ટન ખોરાક દર્શાવેલી તારીખ સુધીમાં ઉપયોગમાં ન લેવાય તો ફેંકી દેવાય છે. જો ખોરાક તદ્દન બગડીને માનવ આરોગ્યને નુકસાન કરનારો ન હોય તેવી પેદાશો પરથી ‘Use By’ તારીખો દૂર કરવા અને તેના સ્થાને ‘Best Before’ દર્શાવવા રીટેઈલર્સને જણાવાશે.

‘Use By’ તારીખ વીતી ગઈ હોય તેવા ખાદ્યપદાર્થો જરૂરિયાતમંદ લોકોને આપવામાં ફૂડ સેફ્ટી અને લેબલિંગ કાયદાનો ભંગ થતો હોવાથી ચેરિટીઝ હજુ ખાવાને યોગ્ય હોય તેવા પદાર્થોનું વિતરણ કરી શકતી નથી. નવી ગાઈલાઈન્સ ઘડનારા નિષ્ણાતો માને છે કે વધુ યોગ્ય લેબલિંગના કારણે સારો ખોરાક ફેંકી દેવાતો અટકી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકશે. બગડી શકે તેવા તમામ ખોરાકની શેલ્ફ લાઈફ એક દિવસ વધારવાથી જ બે લાખ ટન ઘરેલુ ફૂડ કચરામાં ફેંકાતું અટકાવી શકાય અને ગ્રાહકોને વાર્ષિક ૬૦૦ મિલિયન પાઉન્ડ જેટલી બચત પણ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter