લંડનઃ દૈનિક આલ્કોહોલનું સેવન પણ આરોગ્યને નુકસાનકારક હોય છે તેવા સંજોગોમાં બ્રિટિશ મહિલાઓ રોજ આલ્કોહોલના ૩૦ ગ્રામ અથવા તો ત્રણ સ્ટાન્ડર્ડ ડ્રિન્કના સેવન સાથે ગ્લોબલ આલ્કોહોલ લીગની યાદીમાં આઠમા ક્રમે છે. બ્રિટિશ મહિલાઓની આગળ આઈરિશ મહિલા (૩.૧ ડ્રિન્ક) અને તે પછી જર્મન મહિલા (૨.૯ ડ્રિન્ક) અને ૧૦મા ક્રમે સ્વીટ્ઝર્લેન્ડ (૨.૮ ડ્રિન્ક) છે. જોકે, આટલા જ વપરાશ સાથે પુરુષ પિયક્કડોની યાદીમાં બ્રિટિશ પુરુષો ૬૨મા ક્રમે છે. સંશોધનની ગણતરી અનુસાર વિશ્વમાં દર વર્ષે ૨.૮ મિલિયન લોકો આલ્કોહોલ સાથે સંકળાયેલી બીમારીથી મોતને ભેટે છે.
આલ્કોહોલ સંબંધિત સૌથી સઘન તારણો લેન્સેટમાં પ્રસિદ્ધ કરાયા છે, જેમાં સ્ત્રી પિયક્કડોની યાદીમાં યુક્રેનની મહિલાઓ દિવસમાં ચારથી વધુ ડ્રિન્ક્સ સાથે પ્રથમ ક્રમે છે. અભ્યાસમાં ૧૯૫ દેશના ૨૮ મિલિયન લોકોનો ૨૬ વર્ષનો ડેટા ધ્યાનમાં લેવાયો છે. નિષ્ણાતો માને છે કે ૮૦ અને ૯૦ના દાયકાઓમાં બ્રિટિશ મહિલાઓને ક્લબમાં જવાનો જે પ્રવાહ શરૂ થયો હતો તે પછી તેઓમાં શરાબસેવનનું પ્રમાણ વધ્યું છે.
યુકેમાં પુરુષો માટે ૨૦૧૬થી શરાબસેવનની સાપ્તાહિક મર્યાદા ૨૧ યુનિટથી ઘટાડી ૧૪ યુનિટ કરાઈ હતી, જે સ્ત્રીઓની સમકક્ષ છે. જોકે, નવા અભ્યાસ અનુસાર દરરોજ બે ડ્રિન્ક લેતા દરેક ૧૦૦,૦૦૦ લોકોમાં ખરાબ આરોગ્યની સમસ્યાના વાર્ષિક વધારાના ૬૩ કેસ વધે છે. બે ડ્રિન્કથી વધુ લેવાય ત્યારે જોખમ ભારે ઝડપથી વધે છે.
સંશોધકોએ ચેતવણી આપી છે કે શરાબસેવનમાં કોઈ સલામત લેબલ હોતું નથી. રોજનું એક ડ્રિન્ક પણ બીમારીને નોંતરે છે. રોજ બીઅરની એક બોટલ અથવા વાઈનનો નાનો ગ્લાસ પીતા ૧૦૦,૦૦૦ લોકોમાંથી ૯૧૮ લોકોને આલ્કોહોલ સંબંધિત ૨૩માંથી એક બીમારી લાગુ પડે છે, જ્યારે ૯૧૪ નોન ડ્રીન્કર્સને આવી સમસ્યાનો સામનો કરવો પડે છે. આમ છતાં, યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટના સંશોધન અનુસાર આલ્કોહોલથી આરોગ્યને લાભની સરખામણીએ નુકસાન વધુ થાય છે.


