સ્કોટલેન્ડ ઈકો-ફ્રેન્ડલી એક્વામેશન અંતિમવિધિ અપનાવવા તૈયાર

Wednesday 16th March 2022 00:47 EDT
 
 

લંડનઃ સ્કોટલેન્ડ ઈકો-ફ્રેન્ડલી પાણી થકી અંતિમવિધિ કરવામાં યુકેનો સૌપ્રથમ દેશ બની શકે છે. એક્વામેશન તરીકે ઓળખાતી આ પ્રક્રિયામાં ગ્રીનહાઉસ ગેસીસનું સૌથી ઓછું ઉત્પાદન થતું હોવાથી તે પર્યાવરણ માટે બહેતર મનાય છે. સ્કોટલેન્ડના ફ્યુરલ ડાયરેક્ટર્સ પણ પબ્લિકને ઈકોફ્રેન્ડલી અંતિમવિધિ ઓફર કરવા ઉત્સાહી છે.

યુકેમાં અગાઉ રેઝોમેટર્સ બાધવાના પ્રયાસો નિષ્ફળ ગયા હતા. આ પ્રક્રિયામાં જોખમી કેમિકલ્સ અથવા માનવીય અવશેષો ગટરોમાં પહોંચવાની ચિંતા વ્યક્ત કરાઈ હતી.સ્કોટિશ સરકાર રેઝોમેટર સ્થાપવાની શક્યતા વિચારી રહી હતી પરંતુ, કોવિડ મહામારીના કારણે યોજના અભરાઈએ ચડાવી દેવાઈ હતી. સ્કોટિશ સરકારની પ્રવક્તાએ જણાવ્યું હતું કે બરીઅલ એન્ડ ક્રીમેશન (સ્કોટલેન્ડ) એક્ટ 2016 મૃતદેહના નિકાલની નવી પદ્ધતિઓ માટે નિયમો પસાર કરવાની છૂટ આપે છે. વેસ્ટ મિડલેન્ડ્સમાં 2017માં સેન્ડવેલ કાઉન્સિલ દ્વારા રેઝોમેટર બાંધવાની બિડ સેવર્ન ટ્રેન્ટ વોટરે ફગાવી દીધી હતી. જોકે, સ્કોટિશ સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે કાનૂની પાસા ચકાસી રહી છે અને શક્ય બનશે તેમ વેળાસર એક્વામેશન પ્રક્રિયાને પરવાનગી આપશે.

એક્વામેશન પદ્ધતિને વોટર ક્રીમેશન, આલ્કલાઈન હાઈડ્રોલિસીસ, લિક્વિડ ક્રીમેશન, હાઈડ્રો ક્રીમેશન, બાયો ક્રીમેશન અથવા રેઝોમેશન નામથી પણ ઓળખાવાય છે. આ પ્રક્રિયામાં મૃતદેહને પાણી અને કેમિકલ્સ સાથેની ખાસ સ્ટીલ ચેમ્બરમાં ગોઠવાય છે જેનું ઉષ્ણતામાન 160 ડીગ્રી સેન્ટિગ્રેડ સુધી પહોંચી શકે છે. પાણી, ગરમી, અને રાસાયણિક સંયોજનના મિશ્રણથી શરીરના ટિસ્યુઝ અને ચરબીના થર 3થી4 કલાકમાં ઓગળી જાય છે.

ગત વર્ષે મૃત્યુ પામેલા નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા આર્ચબિશપ ડેસમન્ડ ટુટુએ પોતાની અંતિમવિધિ માટે એક્વામેશન પદ્ધતિ પસંદ કર્યાનું બહાર આવ્યા પછી લોકોમાં આ પદ્ધતિ માટે રસ વધ્યો છે. યુએસ અને કેનેડાના કેટલાક રાજ્યો, ઓસ્ટ્રેલિયા, મેક્સિકો, સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ્ઝમાં પણ એક્વામેશન ઉપયોગમાં છે. પરંપરાગત દફન અને અગ્નિથી અંતિમવિધિની સરખામણીએ આ પ્રક્રિયામાં ગ્રીનહાઉસ ગેસીસનું પ્રમાણ ઓછું રહેતું હોવાથી પર્યાવરણની રક્ષા માટે તે બહેતર ગણાવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter