લંડનઃ સ્કોટલેન્ડના આલ્ફ તરીકે જાણીતા સૌથી વૃદ્ધ પુરુષ તથા પર્થશાયરના સેન્ટ મેન્ડોઝમાં રહેતા આલ્ફ્રેડ સ્મિથનું ૧૧૧ વર્ષ અને ૧૨૮ દિવસની વયે ત્રીજી ઓગસ્ટ, શનિવારે મોડી રાત્રે અવસાન થયું હતું. બ્રિટનના સૌથી વૃદ્ધ પુરુષ રોબર્ટ વેઈટનના મૃત્યુદિન ગઈ ૨૯મી માર્ચે આલ્ફ્રેડે તેમનો છેલ્લો જન્મદિન ઉજવ્યો હતો. તેમણે અગાઉ લોરી ડ્રાઈવર તેમજ ખેડૂત તરીકે કામ કર્યું હતું. તેઓ ૧૦૦ વર્ષના થયા ત્યારે તેમણે નવું વોશિંગ મશીન ખરીદ્યું હતું અને ૧૦ વર્ષની એક્સ્ટેન્ડેડ વોરન્ટી લેવાનો નિર્ણય લીધો હતો.
ઈન્વરગોવરી ખાતે ૧૯૦૮માં જન્મેલા આલ્ફ્રેડ સ્મિથ જહોન અને જેસી સ્મિથના છ પુત્રો પૈકી પાંચમા હતા. તેમણે ઈન્વરગોવરી પ્રાઈમરી સ્કૂલ અને ડૂંડીની હેરિસ એકેડેમીમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ૧૯૨૭માં તેમના ચાર ભાઈઓ સાથે કેનેડા સ્થળાંતર કર્યું હતું. પરંતુ, પાંચ વર્ષ પછી પાછા ફરીને ભાઈ જ્યોર્જની લોરી હંકારવાના કામે લાગ્યા હતા.
બીજા વિશ્વયુદ્ધ વખતે હોમ ગાર્ડમાં કાર્યરત આલ્ફ્રેડના લગ્ન ૨૯ વર્ષની વયે ઈઝાબેલ સાથે થયા હતા. તેમને બે બાળકો થયા હતા. ૧૪ વર્ષ અગાઉ તેમના પત્ની ઈઝાબેલનું અવસાન થયું હતું.


