હવે દંપતીઓ દોષારોપણ વિના ઝડપી ડાઈવોર્સ મેળવી શકશે

Wednesday 13th February 2019 02:40 EST
 
 

લંડનઃ યુકેના દંપતીઓ માટે હવે એકબીજા પર ભૂલનું દોષારોપણ કર્યાં વિના જ ઝડપથી ડાઈવોર્સ મેળવવાનું સરળ બની શકશે. જસ્ટિસ સેક્રેટરી ડેવિડ ગૌકે ભૂલ આધારિત ડાઈવોર્સ સિસ્ટમનો અંત લાવવાની યોજના ઘડી રહ્યા છે. ડાઈવોર્સમાં કોઈની ભૂલ દર્શાવવાની જરૂરિયાત સત્તાવાર વિચ્છેદને કડવાશપૂર્ણ બનાવતો હોવાનું કાયદાના ટીકાકારો કહે છે.

અત્યારે ઈંગ્લેન્ડ અને વેલ્સના કાયદામાં ઝડપી વિચ્છેદ ત્યારે જ શક્ય બને છે, જો પરીણિત દંપતી તેના માટે સંમત હોય. જો એક જીવનસાથી જ ડાઈવોર્સ ઈચ્છે તેવા સંજોગોમાં તેમણે તેમનો પાર્ટનર વ્યભિચાર, ત્યાગ અથવા તર્કહીન વર્તણૂકનો દોષી હોવાનું પૂરવાર કરવું પડે છે. વર્તમાન કાયદો ૫૦ વર્ષ જૂનો છે અને ડાઈવોર્સ માટે પાર્ટનરની અયોગ્ય વર્તણૂક દર્શાવવાની ફરજ પાડવા બદલ તેના પર ટીકાઓ થતી રહી છે. પાર્ટનરની અયોગ્ય વર્તણૂક દર્શાવવાથી ડાઈવોર્સમાં કડવાશ સર્જાય છે અને બાળકોના દિલોદિમાગ પર ખરાબ અસર પડી શકે છે.

નવા બિલ હેઠળ હવે ડાઈવોર્સ લેવાં ઈચ્છતાં દંપતીઓએ એક નોટિસ જ આપવાની રહેશે કે તેમનું લગ્ન જોડાઈ ન શકે તેટલી હદે ભાંગી ગયું છે. જસ્ટિસ સેક્રેટરી મે મહિનામાં નવું બિલ રજૂ કરશે. તેમણે ગત સપ્ટેમ્બર મહિનામાં કન્સલ્ટેશન પેપર જાહેર કર્યું હતું, જે સંદર્ભે ૬૦૦થી વધુ પ્રતિભાવ મળ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter