લંડનઃ જાપાન સહિતના કેટલાક દેશોના ચોક્કસ વિસ્તારોમાં જીવનની સદી વટાવવી સામાન્ય ગણાય છે પરંતુ, આગામી દિવસોમાં ૯૦ વર્ષનું આયુષ્ય સામાન્ય ગણાતું થઈ જશે. વિજ્ઞાનીઓ માને છે કે ૨૦૩૦ સુધીમાં સરેરાશ આયુમર્યાદા ૯૦ વર્ષની થશે, જે આંકડો એક સમયે તદ્દન અસંભવ મનાતો હતો.
સંશોધકોએ ધ લેન્સેટમાં જણાવ્યું હતું કે સાઉથ કોરિયામાં ૨૦૩૦માં જન્મેલી સ્ત્રી ૯૦.૮ વર્ષ જીવવાની અપેક્ષા રાખી શકે છે, જ્યારે ૨૦૧૦માં જન્મેલી સ્ત્રી માટે આયુમર્યાદા ૮૪.૨ વર્ષની ગણાવાઈ છે. બીજી તરફ, ૨૦૧૦માં જન્મેલા બ્રિટિશ સ્ત્રી અને પુરુષ અનુક્રમે ૮૨.૩ અને ૭૮.૩ વર્ષના જીવનની અપેક્ષા ધરાવે છે તેની સરખામણીએ ૨૦૩૦માં જન્મેલા બ્રિટિશ સ્ત્રી અને પુરુષ અનુક્રમે ૮૫.૩ અને ૮૨.૫ વર્ષની આયુમર્યાદા ધરાવતા હશે.
આ અભ્યાસમાં ૩૫ દેશના સ્ત્રી-પુરુષને આવરી લેવાયાં હતાં અને ૨૦૧૦ની સરખામણીએ તમામની આયુમર્યાદા વધવાની હોવાં છતાં તેના પ્રમાણમાં વ્યાપક ફેરફાર છે. અપેક્ષિત આયુમાં વધારા માટે બાળપણમાં પોષક આહાર, હેલ્થકેર અને મેડિકલ ટેકનોલોજીની સુવિધા મહત્ત્વ ધરાવે છે. હાલ મધ્યમવર્ગીય પુરુષ સામાન્યપણે ૮૭ વર્ષ અને સ્ત્રી ૮૯ વર્ષનું આયુષ્ય ધરાવે છે.


