ગ્લાસગોઃ સ્કોટલેન્ડ સરકારે ભારતીય મૂળના લોકોની આસ્થાને ધ્યાનમાં રાખી ક્લાઇડ નદીમાં અસ્થિવિસર્જન કરવાની મંજૂરી આપી છે. સ્કોટલેન્ડમાં વસતા હિન્દુઓ અને શીખો લાંબા સમયથી આ માગ કરી રહ્યા હતા. સ્કોટલેન્ડની અંદાજે ૫૪ લાખની વસ્તીમાં આશરે ૬,૦૦૦ હિન્દુ અને ૭,૦૦૦ શીખ છે. સરકારી પ્રતિનિધિઓની સ્થાનિક લોકો સાથે વાતચીત પછી ક્લાઇડ નદીના નેવાર્ક તટ પરનો શાંત વિસ્તાર પસંદ કરાયો છે, જે ગ્લાસગો શહેરથી અંદાજે ૩૫ કિલોમીટરના અંતરે છે. અહીં જરુરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.
પોર્ટ ગ્લાસગોના અધિકારી ડેવિડ વિલ્સને કહ્યું કે આ કામ માનવતાના દૃષ્ટિકોણથી બહેતર છે. મામલો સંવેદનશીલ હોવાથી અમે તમામ પક્ષોનો મત લીધો છે. અસ્થિવિસર્જન માટે પસંદ કરાયેલી જગ્યા સારી છે. ભવિષ્યમાં પણ હિન્દુઓ અને શીખોની સમસ્યાઓ આ રીતે ઉકેલીશું, જેના માટે સત્તામંડળ બનાવાયું છે. જોકે, નેવાર્ક બોટ કલબના સભ્યો સહિત કેટલાક લોકોએ અસ્થિવિસર્જન સામે વાંધો ઉઠાવ્યો છે. પર્યાવરણ કાર્યકરોનું કહેવું છે કે અસ્થિઓની રાખની પાણીની ગુણવત્તા પર ઓછી અસર થાય છે પરંતુ, અન્ય ચીજવસ્તુઓ પાણીમાં ન પધરાવવી જોઈએ.
બ્રિટને ૨૦૧૪માં અસ્થિવિસર્જન માટે સોર નદીના લેસ્ટરશાયર કાંઠે જગ્યા નિશ્ચિત કરી હતી. સમગ્ર બ્રિટનમાંથી લોકો અસ્થિવિસર્જન માટે આ સ્થળે આવે છે. બ્રિટનની અંદાજે ૫૫.૬ મિલિયન વસ્તીમાં ૮૧૭,૦૦૦ હિન્દુ અને ૪૩૨,૦૦૦ શીખ છે.

