હિન્દુજા પરિવાર દ્વારા દીપાવલિની ભવ્ય વાર્ષિક ઉજવણી

Wednesday 06th November 2019 01:51 EST
 
 

લંડનઃ હિન્દુજા પરિવારે સોમવાર ૨૮ ઓક્ટોબરે દીપાવલિ પર્વની ભવ્ય વાર્ષિક ઉજવણી કરી હતી. આ પ્રસંગે ઉમરાવો, સાંસદો, ઉદ્યોગપતિઓ, જર્નાલિસ્ટ્સ, રાજદૂતો અને રાજદ્વારીઓની નોંધપાત્ર ઉપસ્થિતિ હતી. પૂર્વ કેબિનેટ મિનિસ્ટરો ફિલિપ હેમન્ડ અને જેરેમી હન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસના મિનિસ્ટર ફોર સ્ટેટ નધિમ ઝાહાવી, લિબરલ ડેમોક્રેટ્સના પૂર્વ નેતા સર વિન્સ કેબલ સહિત વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ ઉપરાંત, લોર્ડ મેયર ઓફ લંડન પીટર એસ્ટલિન તેમજ મેટ્રોપોલિટન પોલીસના આસિસ્ટન્ટ કમિશનર નીલ બાસુની હાજરી પણ ધ્યાનાકર્ષક બની રહી હતી.

હિન્દુજા ગ્રૂપના કો-ચેરમેન ગોપીચંદ પી. હિન્દુજાએ પ્રકાશના ઉત્સવની ઉજવણી કરવા સાથે વર્તમાન રાજકારણમાં દીવાળીના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને શાંતિ અને સમજણના સંદેશામાં સહુને સહભાગી બનાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે,‘ મારા પિતા હંમેશાં માનતા કે જીવનમાં પૈસો કશું જ નથી. માનવીની સાચી સંપત્તિ તો મિત્રો અને સંબંધોમાં જ રહી છે.’

પેઢીઓ સુધી બિનનિવાસી ભારતીય (NRI) રહેવા છતાં હિન્દુજાઓએ પોતાના માદરેવતન ભારત અને તેઓ જ્યાં રહે છે તે બ્રિટન વચ્ચે ગાઢ સંબંધો અને વધુ સારી સમજણ વિકસાવવા સતત સક્રિયતા સાથે પ્રોત્સાહન આપ્યું છે.

સરકાર અને વડા પ્રધાન બોરિસ જ્હોન્સનનું પ્રતિનિધિત્વ કરતા ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસમાં મિનિસ્ટર ફોર સ્ટેટ લોર્ડ તારિક અહેમદ ઓફ વિમ્બલડને પોતાના અંગત નાયકોમાંના એક મહાત્મા ગાંધીને યાદ કર્યા હતા. લંડનના મેયર સાદિક ખાને કહ્યું હતું કે લંડનમાં પાંચ લાખથી વધુ હિન્દુઓ વસે છે, જે બાકીના સમગ્ર બ્રિટનમાં તેમની સંયુક્ત સંખ્યા તેમજ અન્ય યુરોપીય દેશોમાં એક જ ધર્મની વસ્તી કરતાં વધુ છે.

ઈરાનના શાહના પતન પછી ૧૯૭૯માં પોતાનું કામકાજ લંડનમાં ખસેડ્યું ત્યારથી હિન્દુજાઓ દીવાળીની વાર્ષિક ઉજવણી અહીં કરતા આવ્યા છે. આરંભે તો તેઓ લંડનમાં તેમની ઓફિસો આવેલી છે તે ન્યૂ ઝીલેન્ડ હાઉસમાં દીવાળીની પાર્ટીઓ યોજતા હતાં. આ ઉજવણીની પાર્ટીઓમાં તત્કાલીન વડા પ્રધાન માર્ગારેટ થેચર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter