૧૦૪ વર્ષના દાદીમા જોઆને ટેકરી પર ચડઉતર કરી £૪૦,૦૦૦નું દાન મેળવ્યું

Thursday 30th July 2020 05:36 EDT
 
 

લંડનઃ માનવી માટે વય એ માત્ર માનસિક સંખ્યા હોવાનું કહેવા ખાતર નથી કહેવાતું. હેસ્ટિંગ્સના ૧૦૪ વર્ષના દાદીમા જોઆન વિલેટ આનો જીવતોજાગતો પુરાવો છે. કેપ્ટન સર ટોર મૂરમાંથી પ્રેરણા પામેલાં દાદીમાએ તેમના કેર હોમની નજીકની ટેકરી પર કુલ ૧૭ માઈલની ચડઉતર કરી બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન માટે ૪૦,૦૦૦ પાઉન્ડનું દાન એકત્ર કર્યું છે.

પૂર્વ શિક્ષિકા જોઆને પણ બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન માટે દાન મેળવવા નિર્ણય કર્યો હતો. લગભગ ૨૨ વર્ષ અગાઉ, જોખમી હાર્ટ એટેક આવ્યા પછી જોઆનને લંડનની કિંગ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં અને તેમના પર જીવનરક્ષક હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. તેમણે લોરિયેન શોને જણાવ્યું હતું કે,‘હું આજે જીવું છું તે અન્ય લોકોની દેણ છે. ડોક્ટર્સ અને નર્સીસની કુશળતાના કારણે હું બચી છું. હું ૧૦૪ વર્ષની વયે હેસ્ટિંગ્સ હાઉસમાં જીવનને માણું છું. મારા ચાલવાના સાહસમાં મને ઘણા અજાણ્યા લોકોએ પણ પ્રોત્સાહન આપ્યું છે.’

ઉલ્લેખનીય છે કે માત્ર ૫૦૦ પાઉન્ડ મેળવવા શરુ કરાયેલા આ સાહસને લોકો તરફથી સારું પ્રોત્સાહન અપાયું હતું અને ખુદ NHS માટે ૩૨ મિલિયન પાફન્ડથી વધુ દાન એકત્ર કરનારા કેપ્ટન સર ટોમ મૂર અને તેમના પરિવારે પણ દાદીમા જોઆનને પ્રેરણાદાયી વીડિયો સંદેશો પાઠવ્યો હતો. સર ટોમે જણાવ્યું હતું, ‘ઘણુ સરસ કામ, તમે સારું કાર્ય કરી રહ્યાં છો. ચાલતાં રહો.’ જોઆને પણ પ્રત્યુત્તરમાં તેમનો આભાર માન્યો હતો. તેમણે અગાઉ કહ્યું હતું કે, ‘પૂર્વ સૈનિકની સફળતાથી મને થયું કે જો તેઓ આ કરી શકે તો હું પણ કરી શકું. હું તેમને મળીને તેમનો આભાર માનવા ઈચ્છું છું. કારણકે તેમના પ્રયાસ પછી જ મેં મારો પ્રયાસ આરંભ્યો હતો.’

દાદીમા જોઆને પોતાના દીર્ઘ જીવનનું રહસ્ય ચાલતાં રહેવાને જ ગણાવ્યું હતું અને તેનાથી તેમને બહારના વિશ્વ સાથે સંકળાઈ રહેવાની તક મળે છે. તેમણે કેમ્પેઈનમાં સાથ અને હિંમત આપનારા, ઉદારતા દર્શાવનારા લોકોનો આભાર માનવા સાથે કહ્યું હતું કે,‘ આના કારણે ગત ૫૦ વર્ષમાં જેમને મેં જોયાં નથી તેમની સાથે સંકળાઈ શકી છું. આ સરળ ન હતું પરંતુ, મારી મિત્ર અને કેરર પોલિનની મદદથી આ થઈ શક્યું છે. વિશ્વમાં ચારે તરફ દયા ફેલાયેલી છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter