લંડનઃ બ્રિટનના સૌથી વયોવૃદ્ધ માનવી રોબર્ટ વેઈટને તાજેતરમાં જ તેમનો ૧૦૯મો જન્મદિન ઉજવ્યો છે. હલમાં માર્ચ ૧૯૦૮માં જન્મેલા રોબર્ટ વેઈટનને ત્રણ સંતાનો, ૧૦ ગ્રાન્ડચિલ્ડ્રન અને ૨૫ ગ્રેટ- ગ્રાન્ડચિલ્ડ્રનનો બહોળો પરિવાર છે. તેઓ ૧૦૦ વર્ષના થયા પછી મહારાણી દ્વારા તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવતા ત્રણ ટેલિગ્રામ મળ્યા છે. જોકે, મહારાણી દર વર્ષે આવા શુભેચ્છા કાર્ડ મોકલે તેવી કોઈ જરૂર ન હોવાનું વેઈટને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે દર વર્ષે કાર્ડ્સના સંગ્રહમાં ઉમેરો કરતા રહેવાની મારી ઈચ્છા નથી.
રોબર્ટ વેઈટન આજે પણ સક્રિય છે અને સુપરમાર્કેટ્સની મુલાકાતો પણ લેતા રહે છે. તેમણે મરિન એન્જિનીઅરિંગનો અભ્યાસ ૧૯૨૫માં કર્યો હતો. જોકે, શિપિંગ ઉદ્યોગની સ્થિતિ ત્યારે કથળેલી હોવાથી તેમણે તાઈવાન જઈ ઈંગ્લિશના શિક્ષક તરીકે નોકરી સ્વીકારી હતી. તેમણે ૧૯૩૭માં હોંગકોંગમાં એગ્નેસ સાથે લગ્ન કર્યા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે પરિવાર સાથે કેનેડામાં રહેવું પડ્યું હતું. તેઓ ૧૯૭૩માં નિવૃત્ત થયા ત્યાં સુધી તેમણે લંડનની સિટી યુનિવર્સિટીમાં મરિન એન્જિનીઅરિંગના લેક્ચરર તરીકે પાછલી જિંદગી વિતાવી હતી.
દીર્ઘ આયુષ્ય અંગે પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે,‘હું માત્ર ખુશનસીબ જ છું. મારી જિંદગીમાં બધુ અનાયાસે જ થતું રહ્યું છે. તે મારી પસંદગીનું ન હોવાં છતાં તેનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો છે.


