૧૨ ટકા બ્રિટિશરો ઈશ્વરે જ માનવીનું સર્જન કર્યાનું માને છે

Thursday 07th September 2017 07:10 EDT
 
 

લંડનઃ માનવીના સર્જન અને ઉત્ક્રાંતિ- Evolution વિશે અનેક માન્યતાઓ છે. ઉત્ક્રાંતિવાદના પ્રણેતા વિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિનની થીઅરી અનુસાર માનવજાતનો વિકાસ વાનરમાંથી થયો છે. જોકે, એક સર્વે અનુસાર ૧૨ ટકા અથવા ૧૦માંથી એકથી વધુ બ્રિટિશર માને છે કે ઈશ્વરે જ માનવીનું સર્જન કર્યું છે અને તેઓ આદમ અને ઈવની થીઅરીને વળગી રહ્યા છે. યુએસ (૨૫ ટકા) અને કેનેડામાં (૧૫ ટકા) લોકો પણ આ થીઅરીનું સમર્થન કરે છે. જોકે, ધાર્મિક અને અધાર્મિક સહિત ૭૧ ટકા બ્રિટિશરો ડાર્વિનની થીઅરી ઓફ ઈવોલ્યુશનમાં માને છે.

જો પૃથ્વી પર સજીવોનો ઈતિહાસ જોઈએ તો કરોડો વર્ષ અગાઉ સમુદ્ર પર તરતાં એકકોષીય જીવોમાંથી તેમની ઉત્પત્તિ થઈ હોવાનું મનાયું છે. બ્રિટિશ વિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિને (૧૮૦૯-૧૮૮૨) તેમના પુસ્તક ‘ઓન ધ ઓરિજિન ઓફ સ્પીસીસ’માં માનવીની ઉત્પત્તિનો મુદ્દો ઉઠાવ્યો ત્યાં સુધી ખુદ ઈશ્વરે આદમ અને ઈવ નામના પુરુષ અને સ્ત્રીની રચના કરી હોવાની પ્રબળ માન્યતા હતી. આજે પણ માનવી ઈશ્વરીય સર્જન હોવાની માન્યતા છે.

બર્મિંગહામની ન્યૂમેન યુનિવર્સિટીના પ્રોફેસર ફર્ન એલ્સડોન-બેકરે હાથ ધરેલા સંશોધનને ઈસ્ટ સસેક્સના બ્રાઈટનમાં યોજાએલા બ્રિટિશ સાયન્સ ફેસ્ટિવલમાં રજૂ કરાયું હતું. ‘પ્રાણીઓની સમયાંતરે ઉત્ક્રાંતિ થાય છે પરંતુ, ઉત્ક્રાંતિવાદી વિજ્ઞાન માનવીની ઉત્પત્તિને સમજાવી શકતું નથી’ તેવા વિધાન સાથે યુકેના ૧૨ ટકા પ્રતિભાવક સંમત થયા હતા. યુએસ અને કેનેડામાં અનુક્રમે ૪૦ ટકા અને ૧૫ ટકા એ મુદ્દે સંમત થયા હતા કે,‘માનવી અને અન્ય પ્રાણીઓનું સર્જન ઈશ્વરે કર્યું છે અને તેઓ આદિકાળથી વર્તમાન સ્વરુપમાં જ અસ્તિત્વ ધરાવે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter