૭૦ દિવસમાં વિશ્વની સફરઃ ત્રણ ભારતીય મહિલા ડ્રાઈવર્સની રોમાંચક સાહસગાથા

કોઈમ્બતુરથી લંડન સુધી ૨૪,૦૦૦ કિલોમીટરના યાત્રામાં ૨૪ દેશમાંથી પસાર થયાં

સ્મિતા સરકાર Tuesday 13th June 2017 07:20 EDT
 
 

લંડનઃ ત્રણ ભારતીય મહિલા વાહનચાલકોએ Tata SUVમાં ૭૦ દિવસમાં ૨૪ દેશમાં પ્રવાસ કરવાનું ઐતિહાસિક અને પ્રેરણાદાયી સાહસ પૂર્ણ કર્યા પછી પાંચમી જૂને તેમની રોમાંચક સાહસયાત્રા પરિપૂર્ણ થયાના પ્રતીકરુપે લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન ખાતે ભારતીય ત્રિરંગો ધ્વજ લહેરાવ્યો હતો. કોઈમ્બતુરની ૪૫ વર્ષીય મીનાક્ષી અરવિંદ, મુંબઈની ૫૬ વર્ષીય પ્રિયા રાજપાલ અને પોલાચીની ૩૮ વર્ષીય મૂકામ્બિકાએ Tata Hexa કારમાં કોઈમ્બતુરથી લંડન સુધી માર્ગયાત્રાનો આરંભ કર્યો હતો. તેઓ ૨૪,૦૦૦ કિલોમીટરના યાત્રામાં ૨૪ દેશમાંથી પસાર થયાં હતાં. આયોજકોના જણાવ્યા અનુસાર આ પ્રવાસનો કુલ ખર્ચ આશરે ૬૦ લાખ રુપિયા આવ્યો હતો. મહિલા સાહસિકો હવે વિમાનમાર્ગે ભારત પહોંચશે જ્યારે તેમનું વાહન સ્પોન્સર તાતા મોટર્સ લિમિટેડને પરત કરવામાં આવશે.

‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા આ ત્રણ સાહસિકોની લંડનમાં મુલાકાત લેવાઈ હતી. આ સાહસ અને તેના અંગત મહત્ત્વ વિશે બોલતાં પોલાચીની સોફ્ટવેર ઈજનેર અને યોગશિક્ષક મૂકામ્બિકાએ જણાવ્યું હતું કે દેશની બહાર તેનો આ પ્રથમ અનુભવ હતો. ‘આ સમગ્ર યાત્રા સુંદર રહી હતી. આપણે જીંદગીની દરેક પળ જીવવાની જરૂર છે. આપણા તફાવતો હોવાં છતાં સમગ્ર વિશ્વમાં લોકો એકસરખાં જ છે... જોકે, સ્વચ્છતાના ધોરણો અંગે ભારતે ઘણું કરવાની જરૂર છે. આપણે દેશ વિશે અભિગમ બદલવાની પણ ખાસ જરૂર છે. સ્ત્રીઓની મુક્તિ, તેમની સાક્ષરતા અને ઉત્થાનને પ્રાથમિકતા આપવી જોઈશે. લંડનમાં હોવાનો અનુભવ સુંદર છે અને અમે અવારનવાર અહીં આવી ભારતીય ડાયસ્પોરા સાથે સંપર્ક વધારવા ઈચ્છા રાખીએ છીએ.’

બિઝનેસ મેનેજમેન્ટ સ્ટુડન્ટ મીનાક્ષી સ્પિનિંગ મિલ, રિસોર્ટના સંચાલન અને એક્સપોર્ટમાં વ્યસ્ત રહે છે. તેણે વિદેશમાં અભ્યાસ, પ્રવાસ અને જીવન વીતાવ્યું છે. કોઈમ્બતુરની મીનાક્ષીએ જણાવ્યું હતું કે,‘મારાં મતે ભારતીય મહિલાએ પોતાના સ્વપ્નો પાર પાડવાં જોઈએ અને દિલની ઈચ્છાનુસાર વર્તવું જોઈએ. હું આશા રાખું કે અમારાં સાહસે અનેક ભારતીય મહિલાને પોતાના સ્વપ્નોને અનુસરવા પ્રેરણા આપી હશે.’ તેમણે કહ્યું હતું કે,‘ અલગ પશ્ચાદભૂ અને તદ્દન અજાણી ત્રણ મહિલાચાલકો એક ટીમ બનાવવા આગળ વધી તે વાહન હંકારવાના તેમના શોખના કારણે અને ફેસબૂક પેજ XPD2470 ના મારફત જ શક્ય બન્યું છે.’ એડવર્ટાઈઝિંગ પ્રોફેશનલ પ્રિયા રાજપાલે યાત્રાની ફિલોસોફી સમજાવતાં કહ્યું હતું કે,‘ વાહન હંકારવું તે આપણે જે કરવા માંગતાં હોઈએ તેનું લાક્ષણિક પ્રગટીકરણ જ છે. જીવન પણ એક યાત્રા છે અને આપણે બધાં જ તે યાત્રા કરીએ છીએ અને આપણી ગણતરી થાય તેમ ઈચ્છીએ છીએ.... આ યાત્રા સૌથી આહ્લાદક અનુભવ બની રહ્યો હતો.’

ભારતની આઝાદીના ૭૦ વર્ષની ઉજવણી તેમજ મહિલા સશક્તીકરણ અને સાક્ષરતા વિશે ‘રોટરી ઈન્ડિયા લિટરસી મિશન’ના ઉદ્દેશને આગળ વધારવા આ મિશન હાથ ધરાયું હતું. ‘રોટરી ફોર ચાઈલ્ડ ડેવલપમેન્ટ’ ચેરિટી સંસ્થાની વૈશ્વિક સાક્ષરતા પહેલ ‘આશા કિરણ’માં ૧૦૦,૦૦૦ બાળકોને શાળાએ પાછા મોકલવાનો ઉદ્દેશ રખાયો છે.

આ મહિલા સાહસિકોની યાત્રા સુગમ ન હતી. તેમાં પણ ઘણા અવરોધ આવ્યા હતા છતાં મક્કમતાથી તેમણે યાત્રા પાર પાડી હતી. તેમના સાહસમાં મ્યાંમાર, ચીન, કીર્ગિઝિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાખસ્તાન, રશિયા, બેલારુસ, પોલેન્ડ, સ્લોવેકિઆ, હંગેરી, રોમાનિયા, બલ્ગેરિયા, મેસેડોનિયા, સર્બિયા, ક્રોએશિયા, ઓસ્ટ્રીયા, ઝેક રીપબ્લિક, સ્વીટઝર્લેન્ડ, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને નેધરલેન્ડ્ઝ થઈને લંડન પહોંચવાની વિકટ કારયાત્રાને સફળતા સાંપડી હતી. ભારતીય મહિલાઓના પોલાદી મક્કમ નિર્ધારને અમારા હાર્દિક અભિનંદન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter