૭૭૦,૦૦૦ બાળકો પાસે પોતાનું પુસ્તક જ નથી, તો વાંચશે ક્યાંથી?

બાળકોમાં સ્માર્ટફોન અને વીડિયો ગેમ્સનું આકર્ષણ વધવાની અસર

Monday 16th July 2018 06:19 EDT
 
 

લંડનઃ બાળકોમાં સ્માર્ટફોન અને વીડિયો ગેમ્સનું આકર્ષણ એટલી હદે વધી ગયું છે કે આનંદ ખાતર પણ વાંચવાની ટેવ તેમનામાં રહી નથી. નેશનલ લિટરસી ટ્રસ્ટના સંશોધન અનુસાર તો ૭૭૦,૦૦૦ બાળકો પાસે તો પોતાનું કોઈ પુસ્તક નથી. આની અસર બાળકોના શિક્ષણ પર પડતી હોવાની ચિંતા સર્જાઈ છે કારણકે પુસ્તકો બાળકોનું જીવન બદલવાની ક્ષમતા ધરાવે છે.

આ ચેરિટીએ ૮થી૧૮ વયજૂથના ૪૨,૪૦૬ બાળકોનો સર્વે કર્યો હતો, જેના ‘Book Ownership And Reading Outcomes’ રિપોર્ટમાં જણાયું હતું કે ૧૦માંથી એક અથવા તો ૯.૪ ટકા બાળકો પાસે પોતાની માલિકીનું પુસ્તક ન હતું. સમગ્ર યુકેમાં આ આંકડાથી અનુમાન અનુસાર શાળાની વયના ૯.૫ મિલિયન બાળકોમાંથી ૭૭૦,૧૨૯ બાળકોની આવી હાલત હતી.

નેશનલ લિટરસી ટ્રસ્ટ અને ઈઝીજેટ એરલાઈને સાથે મળીને બાળકોમાં સમર સ્કૂલની રજાઓમાં વાંચવાની ટેવને પ્રોત્સાહન આપવા ઉપાય વિચાર્યો છે. વિમાની ફ્લાઈટ્સ દરમિયાન બાળકો વાંચી શકે તે માટે ૩૦૦ એરક્રાફ્ટ્સમાં બાળકોની ૧૭,૫૦૦ બુક્સનું વિતરણ કર્યું છે. આ પુસ્તકોમાં પીટર પાન, એલાઈસ ઈન વન્ડરલેન્ડ, ધ જંગલ બૂક અને ધ સિક્રેટ ગાર્ડનનો સમાવેશ કરાયો છે.

એરલાઈને ૬થી૧૨ વયજૂથના બાળકો ધરાવતા ૨૦૦૦ બ્રિટિશ પેરન્ટ્સનો સર્વે કર્યો હતો. લગભગ તમામ પેરન્ટ્સ (૯૪ ટકા) એ બાબતે સંમત થયા હતા કે ઈલેક્ટ્રોનિક સાધનોનાં કારણે બાળકોમાં આનંદ ખાતર પણ વાંચવાની ટેવ રહી નથી. આ સાધનોથી બાળકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય ઘટાડી દીધો છે, જેથી તેઓ પુસ્તકમાં ધ્યાન પરોવી શકતાં નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter