‘મીનલ સચદેવઃ આધુનિક વિશ્વમાં સામાજિક જવાબદારી માટે લડત

સુનેત્રા સીનિયર Wednesday 18th January 2017 05:57 EST
 
 

વિશ્વની કેટલીક જટિલ સમસ્યાઓને લીધે આપણામાંથી કેટલાક લોકોને તેમની શક્તિ હણાઈ ગઈ હોય તેવું લાગે તેવા સમયમાં શિવા ફાઉન્ડેશનના મીનલ સચદેવ અને તેમની ટીમ વ્યક્તિગત કાર્યવાહીની શક્તિને ફરી જીવંત કરી રહ્યા છે. સંસ્થાના સહ-સ્થાપક અને ડિરેક્ટર તેમજ હર્ટ્સમીઅરના પ્રથમ ભારતીય મહિલા કાઉન્સિલર મીનલ સમગ્ર યુકેમાં માનવ હેરાફેરીના પ્રશ્રે સામાજીક અસર, સરકાર અને હોસ્પિટાલીટી સેક્ટરના પોતાના અનુભવ પરથી ઘણું શીખ્યાં છે. તેમણે કહ્યું, ‘ગયા વર્ષે નવો સ્લેવરી એક્ટ પસાર થયો ત્યારથી હું માનું છું કે સરકાર માનવતસ્કરીના દૂષણનો સામનો કરવા માટે તેને પ્રાથમિકતા આપી રહી છે. આપણા સમયમાં જ છાની રીતે થતા માનવશોષણને લીધે અમે ખૂબ ચિંતિત થયા હતા. તેથી મેં અને મારા પતિએ ૨૦૧૨માં શિવા ફાઉન્ડેશન શરૂ કર્યું.’

તાજેતરમાં મીનલે ટ્રસ્ટ વિમેન કોન્ફરન્સમાં હોટલ ઉદ્યોગ માટે ‘સ્ટોપ સ્લેવરી નેટવર્ક’નો આરંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે માનવતસ્કરી કરનારા ગેંગમાસ્ટર્સ હોય છે અને તેમનું તંત્ર જેવું સુગઠિત હોય છે તેવી જ રીતે આપણે પણ પોલીસ, સોશિયલ સર્વિસીસ, એનજીઓ, બિઝનેસીસ અને સાંસદો તમામે સાથે મળીને આયોજનબદ્ધ કામ કરવું જોઈએ.

સ્ટોપ સ્લેવરી નેટવર્ક વિશે વધુ માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે,‘આ નેટવર્કમાં શિવા હોટેલ્સ તથા હિલ્ટન અને બીસ્પોક હોટેલ્સ સહિતની કેટલીક અન્ય મોટી બ્રાન્ડસ હશે. અમે દર ત્રણ મહિને મળીશું અને માહિતીના આદાનપ્રદાન માટે એક પ્લેટફોર્મ ઉભું કરીશું. અમને આશા છે કે આ નેટવર્કને લીધે બ્રાન્ડ્સ પર દબાણ આવશે એટલું જ નહિ પરંતુ જ્યાં ફેરફાર જરૂરી હશે ત્યાં સપોર્ટ સિસ્ટમ ઉભી થશે. ગ્રાહકો પણ આ હેતુને કોણ સમર્થન આપે છે અને કોણ નથી આપતું તે જાણી શકશે.’

હોટલ્સમાં જાતીય શોષણની સમસ્યાના સામના બાબતે તેમણે માહિતી આપી હતી કે,‘માનવ તસ્કરીના કુલ કેસો પૈકી ૨૧ ટકામાં જાતીય શોષણ સંકળાયેલુ હોવાનું આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને જણાવ્યું છે,જેનું હબ હોટલ્સ છે. અમે તેને માટે દ્વિપાંખી વ્યૂહ અપનાવ્યો છે જેમાં ખાસ તાલીમ મેળવેલ સ્ટાફ તેના લક્ષણો ઓળખતા શીખવશે અને લોકલ સપોર્ટ નેટવર્ક મળવાનું સુનિશ્ચિત કરશે.

મીનલ સચદેવે આ એન્ટિટ્રાફિકીંગ પ્રોજેક્ટ વિશે જણાવ્યું હતું કે,‘અમે ખૂબ ધીમે શરૂઆત કરી. આ સમસ્યામાં દરમ્યાનગીરી કેવી રીતે થઈ શકે અને ખરેખર કોણ જવાબદાર છે તેના વિશે અમે ખૂબ ચોક્કસ થવા માગતા હતા, કારણ કે માનવતસ્કરી અને આધુનિક ગુલામી ખૂબ મોટી વૈશ્વિક સમસ્યાઓ છે. છેવટે અમે અમારી હોટલ્સ અને જે સપ્લાય ચેઈનમાં કામ કરીએ છીએ ત્યાં તેની શરૂઆત કરી. અમારી અતિ મહત્ત્વની શક્તિ અમારો અભિગમ, તેની અખંડિતતા તથા પાર્ટનરશિપ્સમાં કરેલા રોકાણની સંપૂર્ણતા છે. અમારા માટે પરિણામ કરતાં પ્રક્રિયાનું વધુ મહત્ત્વ છે. અમારી પ્રક્રિયા જ્યાં સુધી ચાલતી રહેશે ત્યાં સુધી અમે માનવતસ્કરીની પ્રવૃત્તિને પડકારતાં રહીશું.

હર્ટ્સમીઅરના કાઉન્સિલર બનવા માટે મળેલી પ્રેરણા વિશે મીનલે જણાવ્યું હતું કે,‘મારાં વિસ્તારના લોકોને ફૂડ બેંકનો ઉપયોગ કરવો પડતો હતો અને તે પછીના થોડા દિવસો સુધી તેમને ખોરાક મળતો જ ન હતો. તે સ્થિતિ સુધારવા મારે કશુંક કરવું હતું. બીજું પ્રેરકબળ મારાં બાળકો હતા. હું મારાં બાળકોને સમાજસેવાનું મૂલ્ય સમજાવવા માગતી હતી. તેઓ ભવિષ્યની કારકિર્દી અને જીવન માટે યોગ્ય નિર્ણય લઈ શકે તે માટે સામાજિક કાર્ય અને જાહેર સેવાનું મહત્ત્વ સમજાવવા માગતી હતી.

પોતાનાં જીવનની યાદગાર ક્ષણના પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે,‘હું જ્યારે ૧૮ વર્ષની હતી ત્યારે મારાં પિતાએ મને એક વર્ષની ભારતની મુલાકાતે એકલાં જવાં પ્રોત્સાહન આપ્યું તે ક્ષણથી મારું જીવન બદલાયું. તે સમયે મોબાઈલ ફોન કે ઈમેઈલ ન હતાં. હું ક્યારેય ભૂલીશ નહિ કે સમગ્ર વર્ષ મારાં માટે પડકારજનક રહ્યું હતું. જોકે, તેનાથી મારો વ્યક્તિગત વિકાસ ખૂબ થયો. તે વર્ષે મેં ‘કનેક્ટ ઈન્ડિયા’ના સહ-સ્થાપક બનવાં સહિતના ઘણાં નિર્ણયો લીધાં. આ સંસ્થા યુવા બ્રિટિશ ભારતીયોના ઉત્કર્ષ માટેની પ્રવૃત્તિઓ ચલાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter