‘વર્ક ઈઝ વર્શિપ’માં માનતો વયોવૃદ્ધ પરિવાર!

બ્રાન્સ્લીમાં જન્મેલાં છ ભાઈ-બહેનના આ પરિવાર માટે રિટાયરમેન્ટ ખરાબ શબ્દ છેઃ તેઓની વયનો સરવાળો ૪૭૫ વર્ષઃ ૯૦ વર્ષનાં જોન વોર્ડ દેશના સૌથી વધુ વયનાં ગ્રીનગ્રોસર

Wednesday 24th April 2019 01:57 EDT
 
(ડાબેથી)  ગોર્ડન બર્ડ , એલ્વિન બર્ડ, જોન વોર્ડ , મેલ્વિન બર્ડ, ગિલ્બર્ટ બર્ડ અને પેટ્રિસિઆ લુર્સ 
 

લંડનઃ મોટા ભાગનાં લોકોને કામ કરવું ગમતું નથી ત્યારે બ્રિટનનો એક પરિવાર ‘વર્ક ઈઝ વર્શિપ’માં માને છે. એવું નથી કે સૌથી વધુ કામ કરતો છ ભાઈ-બહેનનો આ પરિવાર યુવાન છે, તેમની વય ૬૭થી ૯૦ વર્ષ વચ્ચેની છે અને તેઓની વયનો સરવાળો ૪૭૫ વર્ષનો થાય છે. સૌથી વધુ ૯૦ વર્ષની વયનાં જોન વોર્ડ શાકભાજીની દુકાન ચલાવે છે. આ પછી, ૮૪ વર્ષના ગોર્ડન બર્ડ ન્યૂઝએજન્ટ છે, ૮૦ વર્ષના ગિલ્બર્ટ બર્ડ કાર્પેટની દુકાન ધરાવે છે, ૭૯ વર્ષનાં પેટ્રિસિઆ લુર્સ કાફે ચલાવે છે અને ૭૫ વર્ષના એલ્વિન બર્ડ હોટેલિયર અને પરિવારમાં સૌથી નાના ૬૭ વર્ષના મેલ્વિન બર્ડ મોટરબાઈક રાઈડિંગ ઈન્સ્ટ્રક્ટર છે.

બ્રાન્સ્લીમાં જન્મેલાં છ ભાઈ-બહેનના આ પરિવાર માટે રિટાયરમેન્ટ ખરાબ શબ્દ છે. આજે પણ તેઓ સપ્તાહના સાતેય દિવસ ૧૮ કલાક સુધી કામ કરે છે. ૯૦ વર્ષનાં જોન વોર્ડ દેશના સૌથી વધુ વયનાં ગ્રીનગ્રોસરનું બહુમાન ધરાવે છે. જો તમે આ પરિવાર સમક્ષ નિવૃત્તિ ક્યારે લેવાના છો તેવો પ્રશ્ન કરો તો બધાંય હસીને એમ જ કહે છે ‘ભાઈસાબ, ગાળ ન દેશો’. એલ્વિન કહે છે કે, ‘અમારા માટે રિટાયરમેન્ટ જેવો કોઈ શબ્દ જ નથી. અમારા સૌથી મોટાં બહેન કામ કરતાં હોય ત્યાં સુધી અમે તે વિચારી પણ ન શકીએ. મોટાં બહેન બધાંને ઉભાં પગે રાખે છે.’

છ ભાઈ-બહેનનાં ૧૫ બાળકો, ૧૮ ગ્રાન્ડચિલ્ડ્રન અને તેમના પણ પાંચ સંતાનો સહિત બહોળો પરિવાર છે. જોન વોર્ડ હજુ ડ્રાઈવિંગ કરે છે. આ બધાનાં પોતાનાં ઘર છે અને મહત્ત્વની બાબત એ છે કે તેમણે કદી બેનિફિટ્સ ક્લેઈમ કર્યાં નથી. સતત કામ કરવાની ભાવનાના મૂળ તેમનાં બાળપણમાં રહેલાં છે. કેટલાંકે પિતાની શાકભાજીની ઘોડાગાડીમાં ત્રણથી છ વર્ષના હતાં ત્યારે કામકાજ શરુ કરી દીધું હતું. તેમનું બાળપણ ગરીબીમાં વીત્યું હોવાં છતાં પોઝિટીવ માનસિકતા સાથે તેઓ આજે પણ કામમાં પરોવાયેલાં રહે છે.

ત્રણ બાળકોની માતા જોન એકલા હાથે શાકભાજીનો સ્ટોર ચલાવે છે અને ફોર્ડ મોટર હંકારી શાકભાજી ખરીદવાં જાય છે. થોડાં સમય પહેલા પડી જવાથી માથામાં ૧૦ ટાંકા આવ્યાં હોવાં છતાં થોડાં જ સમયમાં કામે વળગી ગયાં હતાં. તેમની દીકરી કેટ જ ૬૦ વર્ષની છે. ગોર્ડન બર્ડ ૨૦ વર્ષ સુધી ખાણિયા તરીકે કામ કર્યા પછી છેલ્લાં ૫૨ વર્ષથી ન્યૂઝએજન્ટનું કાર્ય કરે છે. પેટ્રિસિઆ કાફેમાં કામ કરવાં ઉપરાંત, વેડિંગ કેક બનાવવાની નોકરી પણ કરે છે. નેવીમાં રહેલા એલ્વિને ફોકલેન્ડ્સમાં પણ સેવા આપી છે અને હવે બ્લેકપૂલમાં હોટેલ ચલાવે છે. તે અને તેની પત્ની સપ્તાહમાં સાતેય દિવસ રોજ ૧૮-૧૮ કલાક કામ કરે છે. સૌથી નાના ૬૭ વર્ષના મેલ્વિને ૨૪ વર્ષ આર્મીમાં વીતાવ્યા છે અને હવે બાઈક એકેડેમીના માલિક છે. મેલ્વિન હવે રશિયાથી પાસિફિક ઓશન સુધી ૭૦૦૦ માઈલનો બાઈક પ્રવાસ ખેડવાનું આયોજન કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter