‘સસ્તી પબ્લિસિટીની વધતી ભૂખ’ની માનસિકતા

Wednesday 06th February 2019 02:11 EST
 

ધર્મને રાજકારણનો રંગ આપવાથી તાત્કાલિક લાભદાયી પરિણામો હાંસલ થતાં લાગે પરંતુ, લાંબા ગાળે તો તે વરવી વિપત્તિનું સ્વરુપ ધારણ કરે છે, જે રાજકારણ અથવા ધર્મ કોઈના માટે આરોગ્યપ્રદ નથી. આ બંને માટે તે હળાહળ વિષનો કટોરો બની રહે છે. ભારતની સુપ્રીમ કોર્ટે એક કેસના સંદર્ભમાં ઉચિત ટીપ્પણી કરી છે કે રાજકીય સંકેતાર્થો ધરાવતા કેસીસમાં એડવોકેટ્સ દ્વારા વારંવાર વ્યંગ્ય કે આક્ષેપો કરાય છે તેના કારણે વાજબી અને નિર્ભયપણે ચુકાદાઓ આપવાનું જજીસ માટે મુશ્કેલ બનતું જાય છે. ન્યાયમૂર્તિઓ અરુણ મિશ્રા અને વીનિત સરને ૭૫ પાનાના ચુકાદામાં જણાવ્યું હતું કે,‘ જ્યારે પણ કોઈ રાજકીય બાબત કોર્ટ સમક્ષ આવે છે અને તેનો નિર્ણય લેવાય છે ત્યારે વિવેકહીન વ્યક્તિઓ/ એડવોકેટ્સ દ્વારા કોઈ રીતે રાજકીય રંગ આપી દેવાય છે. આવાં કૃત્યો બીજું કશું નહિ પણ, ન્યાયતંત્રને કલંકિત કરવાનું કાર્ય છે તેમજ સામાન્ય લોકો ન્યાયતંત્રમાં જે આસ્થા ધરાવે છે તેનો નાશ કરે છે.’

કોર્ટરુમ્સમાંથી જ મીડિયા સાથે સંપર્ક કરવાની કેટલાક એડવોકેટ્સની ‘સસ્તી પબ્લિસિટીની વધતી ભૂખ’ની માનસિકતાની નોંધ લેતા બેન્ચે આને ઉમદા પ્રોફેશનના માપદંડો સામે ઘૃણાસ્પદ પ્રવૃત્તિ સમાન ગણાવ્યું હતું. પ્રોફેશન તો ઉમદા છે પરંતુ તેના કેટલાક વ્યવસાયીઓ અધમ હોય છે. ન્યાયમૂર્તિઓ આગળ કહે છે, ‘વૈધાનિક નિયમો એડવોકેટ્સને જાહેરાત કરવા કે પ્રેસ/મીડિયાની સેવામાં રહેવા પર પ્રતિબંધ ફરમાવે છે. પરંતુ, કોર્ટની કાર્યવાહીઓની વિકૃત રજૂઆત કરતા અહેવાલો આપવાનું હવે સામાન્ય બની ગયું છે.’ આનો દેખીતો ઉકેલ કોર્ટની અવમાનના બદલ ભારે દંડનો જ હોઈ શકે છે. આના પરિણામે મીડિયા બોસીસને અને ભૂલ કરનારા એડવોકેટ્સને ચીમટો ભરાયાનું જણાશે. પ્રામાણિક નાગરિકનો ઢોંગ કરનારા આવાં પરોપજીવી ક્ષુદ્ર જંતુઓનું સાચું સ્વરુપ બહાર આવશે, જેઓ વાસ્તવમાં ભૂમિને ફોલી નાખનારા નિશાચર જ છે. કાયદાના શબ્દાર્થ અને ભાવાર્થનું સન્માન કરાય તે જ કાયદાના શાસનનું અને આગળ વધીને લોકશાહીનું સારતત્વ છે.

વકીલો અને મીડિયા રિપોર્ટર્સ જ જવાબદેહ છે એમ નથી. રાજકારણીઓ પણ જવાબદેહ છે. તેઓ ઘણી વખત સામાજિક શિષ્ટાચારને સ્વાર્થી લાભમાં બદલી નાખે છે. કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં ગોવાના મુખ્ય પ્રધાન અને પૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પારિર્કરની શિષ્ટાચાર મુલાકાત લીધી હતી. પારિર્કર લાંબા સમયથી નાદુરસ્ત સ્વાસ્થ્યથી પીડાય છે તેને જોતા આ મુલાકાત માયાદર્શક શુભચેષ્ટા જેવી હતી. દુર્ભાગ્ય તો એ છે કે કોગ્રેસના નેતાએ રાજકારણીની માફક જ આ મુલાકાતમાંથી રાજકીય લાભ ખાટવાનું વિચાર્યું. તેમણે દાવો કર્યો કે ફાન્સ સાથે રફાલ વિમાનસોદા મુદ્દે વડા પ્રધાન મોદીએ તેમની સાથે વિચારવિમર્શ નહિ કર્યાનો આક્ષેપ પારિર્કરે લગાવ્યો હતો. રફાલસોદાના વિવાદનું ભૂત ફરી ધૂણવા લાગ્યું. રાહુલ ગાંધીની દ્વેષપૂર્ણ રમતથી પારિર્કર ઘણા દુઃખી થયા અને તેમણે પોતાની નારાજગી દર્શાવતો પત્ર લખ્યો, જે આ પ્રમાણે છેઃ ‘તમે મારી સાથે પાંચ મિનિટ ગાળી તેમાં તમે રફાલ વિશે કોઈ ઉલ્લેખ કર્યો નથી કે આપણે તેના સંબંધિત કોઈ ચર્ચા કરી નથી.’

આ પત્રવ્યવહાર વાંચીને નવી દિલ્હીમાં ઘણા વિદેશી રાજદૂતો પોતાના દેશના વડા પ્રધાન અથવા પ્રેસિડેન્ટને રાહુલ ગાંધી સાથે ખાનગીમાં વાતચીત કરવાના નુકસાન બાબતે ચેતવશે. બીમાર વ્યક્તિની શિષ્ટાચાર મુલાકાતનો ઉપયોગ રાજકીય લાભ ખાટવા કરવો તે મુલાકાતીની માનસિકતા સ્પષ્ટ કરે છે. રાહુલ ગાંધીની ઉચ્ચ પદ માટે યોગ્યતા પર શંકા ધરાવતા અનેક લોકો માટે હવે શંકાનું સ્થાન એવી નિશ્ચિત માન્યતા જ લેશે કે ગાંધી યોગ્યતા ધરાવતા નથી અને આથી જ, તેઓ ભારતના આગામી વડા પ્રધાન બનવા ન જોઈએ.

(એશિયન વોઈસના તા. ૯ ફેબ્રુઆરી ૨૦૧૯ના અંકમાં પ્રસિદ્ધ તંત્રીલેખનો ભાવાનુવાદ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter