ગઈ તા.૧૪ એપ્રિલને શનિવારે લંડનના કડોગન હોલ ખાતે કૌશિક પૂંજાણી દ્વારા મ્યુઝિકલ શો ‘આઓ ટ્વિસ્ટ કરે’ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં મોટાભાગે હિંદી સિનેમાના સુવર્ણ યુગના ગીતો સહિત સંખ્યાબંધ ગીતો પર કૌશિક પૂંજાણી, પરેશ વીરજી, પ્રીતિ કૌર, પૂજા કાલે અને પ્રીત કાલેએ પર્ફોર્મ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ગૌરી સહાએ સંભાળ્યું હતું. સંગીતકારોએ તેમના શાનદાર સંગીતથી કાર્યક્રમમાં જાન રેડી દીધો હતો. પ્રેક્ષકોએ પણ તેમની સાથે મન મૂકીને ડાન્સ કર્યો હતો.
કાર્યક્રમના સ્પોન્સર યુરો એક્ઝિમ બેંક હતા અને તેને ગ્રેટ ઓર્મન્ડ સ્ટ્રીટ ચીલ્ડ્રન હોસ્પિટલ (GOSH)ને ૫,૦૦૧ પાઉન્ડનો ચેક અર્પણ કર્યો હતો.
ઈના મીના ડિકા, બદન પે સિતારે, ઢોલી તારો ઢોલ બાજેના તાલ પર દર્શકો થરકતા નજરે જોવા મળ્યા હતા અને ઘણાં પ્રેક્ષકોએ તો ગરબા ગાવાનું પણ ચાલુ કરી દીધું હતું.
બાળપણથી જ કૌશિક પૂંજાણીને બોલિવુડ ફિલ્મો અને સંગીત માટે ભારે ક્રેઝ રહ્યો છે. તેમણે ૨૦૦૭માં પહેલો સ્ટેજ શો કર્યો હતો. ત્યારથી તેઓ યુકે અને વિદેશમાં ચેરિટી માટે ભંડોળ એકત્ર કરવા માટે બોલિવુડ મ્યુઝિકને રજૂ કરતા યાદગાર શોનું આયોજન કરી રહ્યા છે અને તેવા શોને પ્રોત્સાહન આપી રહ્યા છે.


