ચાલો… શિયાળામાં તાજા માજા થઇએ

Tuesday 09th December 2014 10:37 EST
 

આંબળા અને આદુંના લાડું

સામગ્રી: ૧૨૫ ગ્રામ આંબળાનું છીણ, ૨ ટીસ્પૂન આદુંનું છીણ, ૬૦ ગ્રામ ખાંડ, ૧ ટીસ્પૂન ડ્રાયફ્રૂટનો ભૂક્કો, વરખ.

રીત:- સૌપ્રથમ એક મોટી કડાઇમાં થોડુંક ઘી ગરમ કરો. તેમાં આંબળા અને આદુંનું છીણ ઉમેરીને બરાબર મિક્ષ કરો. પછી તેમાં ખાંડ નાખી પાંચ મિનિટ સુધી ચઢવા દો. હવે તેમાં ડ્રાયફ્રૂટનો ભૂકો ઉમેરીને ફરીથી બરાબર મિક્ષ કરી લો. મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે ગેસ બંધ કરી તેને થાળીમાં કાઢી બે મિનિટ સુધી રહેવા દો. હવે હથેળી ઘીવાળી કરી તેના લાડુ વાળો. લાડુની ઉપર ચાંદીનો વરખ લગાવી સર્વ કરો. જો લાડુ ના વાળવા હોય તો આ પાકને પણ થાળીમાં પાથરી દો. ઠરી જાય એટલે કટ કરીને સર્વ કરો.

0000000000

અંજીર પાક

સામગ્રી:- ૫૦૦ ગ્રામ અંજીર, ૫૦૦ ગ્રામ ખાંડ, ૨ લિટર દૂધ, ૧૦૦ ગ્રામ કોપરું, ૫ ગ્રામ ઈલાયચી, ૨૫ ગ્રામ બદામ-પીસ્‍તા

રીત:- સૌપ્રથમ એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધને ખૂબ ઉકળવા માટે રાખો. તે દરમિયાન અંજીરના બારીક ટુકડા કરી લો. ત્યાર બાદ તેને ઊકળતા દૂધમાં ઉમેરો. અંજીર બફાઇ ગયા બાદ તેનો પે‍સ્‍ટ જેવો માવો બનાવો. નાના ટુકડા બચે તો કાઢવા હોય તો કાઢી લેવા નહીંતર ચાલશે. ત્યાર બાદ તેમાં ખાંડ, કોપરાનું છીણ, ઈલાયચી પાઉડર અને બદામ-પીસ્‍તાનો ભૂકો ઉમેરવો. હવે આ મિશ્રણને ગેસ પર ફરી ગરમ કરવા માટે મૂકો. ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો. નીચે ઉતારીને ઘીવાળી થાળીમાં પાથરી દો. બરાબર ઠરી જાય એટલે તેના કાપા પાડીને કટ કરી લો.

0000000000

તલ ખજૂરિયું

સામગ્રી:- ૫૦૦ ગ્રામ તલ (કાળા તલ), ૫૦૦ ગ્રામ ખજૂર (કાળી), ૩ ચમચી ગંઠોડા પાઉડર, ૩ ચમચી સૂંઠ પાઉડર, ૮ થી ૧૦ ચમચી મગજતરીનાં બી, ૨ ચમચી મધ, ૧ કપ શેકેલી સિંગનો ભૂકો, ૧/૨ કપ કાજુ-બદામનો ભૂકો, ૪ ચમચી કાજુ ફાડા, ૪ ચમચી કાળી દ્રાક્ષ, ૪ ચમચી તલનું તેલ, ૪ ચમચી ઘી. ગાર્નિશીંગ માટે - નાળિયેરનું છીણ.

રીત:- સૌપ્રથમ તલને મિક્સરમાં થોડું તેલ ઉમેરી એકદમ પીસી લો. જ્યાં સુધી તેમાંથી તેલ ન નીકળે ત્યાં સુધી પીસવા. ખજૂરને પણ એકદમ પીસીને નરમ માવો કરવો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં ખજૂરનો માવો ઉમેરીને બરાબર શેકવો. ત્યાર બાદ તેમાં તલ, મધ, ગંઠોડા પાઉડર ઉમેરીને એકથી બે મિનિટ શેકીને ગેસ બંધ કરી દેવો. હાથ વડે નાનાં-નાનાં લાડુ વાળવા. ટોપરાના છીણમાં રગદોળી ડબામાં ભરી લેવા. ત્યાર બાદ મન થાય ત્યારે ખાવા.

00000000000

ખજૂરપાક

સામગ્રી:- ૧૦૦ ગ્રામ ખજૂર, ૨ ટેબલસ્પૂન ઘી, ૧૦૦ મીલી દૂધ, વરખ.

રીત:- સૌપ્રથમ ખજૂર સુધારી લો. થોડું દૂધ ઉમેરીને મીક્સરમાં ક્રશ કરી લો. હવે એક નોન સ્ટિક કડાઈમાં એક ચમચી જેટલું ઘી ગરમ કરો. તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરીને સાંતળવુ. ઘટ્ટ થાય પછી ઘી ઉમેરીને ઠારી દેવું. થોડું ઠંડુ પડે એટલે વરખ લગાવીને કટ કરી લેવુ. ત્યાર બાદ એરટાઈટ ડબ્બામાં ભરી લેવુ. જ્યારે જરૂર પડે ત્યારે સર્વ કરવુ.

૦૦૦૦૦૦

સાલમ પાક

સામગ્રી:- ૧ લિટર દૂધ, ૧૫ ગ્રામ સાલમ પાઉડર, ૨૦૦ ગ્રામ માવો, ૨૦૦ ગ્રામ ખાંડ, ૨૦૦ ગ્રામ ઘી, ૨૫ ગ્રામ બદામ, ૨૫ ગ્રામ પિસ્તા, ૨૫ ગ્રામ ચારોળી, ૨૫ ગ્રામ મગજતરી.

વસાણા:- ૧ ટેબલસ્પૂન ધોળા મરી, ૧ ટેબલસ્પૂન મરી, ૧ ટેબલસ્પૂન પીપર, ૧ ટેબલસ્પૂન સૂંઠ, ૧ ટેબલસ્પૂન ગંઠોડા, ૧ ટેબલસ્પૂન કાળી મૂસળી, ૧ ટેબલસ્પૂન ધોળી મૂસળી, ૧ ટેબલસ્પૂન વાંસ કપૂર, ૧ ટીસ્પૂન ઈલાયચીનો ભૂકો, ૧/૨ ટીસ્પૂન કેસરની ભૂકી, ૧/૨ ટીસ્પૂન જાવંત્રી, ૧/૨ ટીસ્પૂન જાયફળનો ભૂકો.

ગાર્નિશીંગ માટે:- બદામની કતરણ, પિસ્તાની કતરણ, ચારોળી.

રીત:- સૌપ્રથમ એક તપેલીમાં દૂધ ઉકાળવા માટે મૂકો. દૂધ ઉકળે એટલે તેમાં સાલમનો પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. બીજી બાજુ એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં બદામ-પિસ્તા-ચારોળી અને મગજતરીનો પાઉડર ઉમેરીને શેકો. બરાબર શેકાઇ જાય એટલે તેને પણ ઉકળતા દૂધમાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ફરી એ જ કડાઈમાં ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં વસાણા ઉમેરીને બરાબર શેકી લો. તેને પણ દૂધમાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. સાથે ખાંડ પણ ઉમેરીને બરાબર હલાવી લો. ખાંડ ઓગળી જાય એટલે માવાને શેકીને દૂધમાં ઉમેરો. બરાબર ઘટ્ટ થાય એટલે તેમાં ઈલાયચી, જાવંત્રી અને જાયફળનો ભૂકો ઉમેરી દો. લોચા જેવું થાય અને ઘી ઉપર તરે એટલે તેને ઉતારી લો. હવે થાળીમાં ઘી લગાવીને બનાવેલા પાકને પાથરીને ઠરવા દો. ઠરે એટલે ઘીને ગરમ કરીને ઉપર પાથરવુ. તેના પર પિસ્તાની કતરણ, બદામની કતરણ અને ચારોળીથી ગાર્નિશીંગ કરી દેવુ. ત્યાર બાદ ફરી ઘી ઠરે એટલે તેના નાના કટકા કરીને ડબ્બામાં ભરી લેવા.

આલુ મટર મસાલા

સામગ્રી:- ૧/૨ અડધો કિલો વટાણા, ૨ નંગ બટાટા સમારેલા, ૨ નંગ ડુંગળી સમારેલી, ૨ નંગ ટામેટાં સમારેલા, ૧ ટી સ્પૂન આદું, લસણની પેસ્ટ, ૨ નંગ લીલા મરચાં સમારેલાં, ૧ ટી સ્પૂન લાલ મરચું પાઉડર, ૧/૨ ટી સ્પૂન ધાણાજીરૂં, ૧/૨ ટી સ્પૂન હળદર, ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો, ૧ ટેબલ સ્પૂન ઘી, મીઠું સ્વાદાનુસાર, તેલ જરૂર મુજબ અને કોથમીર.

રીત:- સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખીને સાંતળો. ડુંગળી એકદમ લાઈટ બ્રાઉન રંગની થાય એટલે તેમાં આદું-લસણની પેસ્ટ નાખીને સાંતળો. લગભગ એકાદ મિનિટ સાંતળ્યા બાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરૂં, થોડી કોથમીર, ટામેટાં અને લીલા મરચાં નાખીને બરાબર મિક્ષ કરો. પેસ્ટમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં બટાટા અને વટાણાં નાખીને બરાબર મિક્ષ કરીને પાંચથી દસ મિનિટ સુધી ઢાંકીને ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. જો જરૂર લાગે તો થોડું પાણી છાંટો. વટાણાં અને બટાટા બંન્ને ચઢી જાય ત્યાં સુધી ઢાંકીને ચઢવા દો. છેલ્લે ગરમ મસાલો અને ઘી નાખીને બરાબર મિક્ષ કરીને એકાદ મિનિટ સુધી ચઢવા દો. હવે કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ આલુ મટર મસાલા સર્વ કરો.

000000000000


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter