લંડનના ફેલધામ ખાતે રહેતા અને વર્ષોથી આપણા સૌને નાટ્ય પ્રવૃત્તિ દ્વારા મનોરંજન પૂરૂ પાડતા તુષારભાઇ જોષીનો આજે આપ સૌને પરિચય કરાવી રહ્યા છીએ.
તુષારભાઈને નાટ્યપ્રવૃત્તિનો કલાવારસો તેમના પિતા તરફથી મળ્યો હતો. તેમના બાપુજી મનસુખભાઇ જોષી ભારતની મોખરાની નાટ્ય-કલા સંસ્થા ઇન્ડિયન નેશનલ થિએટર (INT)ના રીસર્ચ સેન્ટર ઓફ પર્ફોમીંગ આર્ટ્સના સૂત્રધાર હતા. તુષારભાઈને નાટકનો શોખ બાળપણથી જ હતો અને પછી તો તેમણે આંતર કોલેજ એકાંકી સ્પર્ધામાં ઘણા નાટકોમાં અભિનય કર્યો અને ઘણા નાટકોનું દિગ્દર્શન પણ કર્યું. કોલેજ પત્યા પછી તેમણે પ્રવિણ જોશી નાટ્ય શિક્ષાપીઠમાં વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો હતો અને ત્યાંથી તેમની ગુજરાતી રંગભૂમિની યાત્રા શરૂ થઈ હતી. અભિનય સાથે તેમણે રંગભૂમિના અન્ય પાસા દિગ્દર્શન, લાઈટ્સ, સાઉન્ડ અને લેખનનો પણ અભ્યાસ કર્યો હતો.
ગુજરાતી વ્યવસાયિક રંગભૂમિના પ્રથમ નાટક ‘સૂર્યવંશી’નું તેમણે દિગ્દર્શન કર્યું હતું જેને અદભૂત સફળતા મળી હતી. ગુજરાત રાજ્યની હરિફાઈમાં આ નાટકને પ્રથમ ઈનામ મળ્યું. બસ તે દિવસથી તુષારભાઇની ગણનાગુજરાતી રંગભૂમિના દિગ્દર્શક તરીકે થવા લાગી હતી. ત્યાર પછી તો તુષારભાઇએ ‘તારે મન હું, મારે મન તું’, ‘જુગલબંદી’, ‘હવે તો માની જાવ’, ‘ફેમિલીનું ફ્રૂટસલાડ’, ‘બાપુના રાજમાં લીલાલહેર’, ‘બંગલા બને ન્યારા’ સહિત ઘણાં નાટક કર્યાં અને સફળતાનાં સોપાન સર કર્યાં.
૧૯૯૩માં ભારતીય વિદ્યાભવન (યુકે)ના ડ્રામા ડાયરેક્ટર તરીકે તુષારભાઇની વરણી થતાં તેમણે લંડનના યુવાનોને નાટક શીખવાડવા ક્લાસ શરૂ કર્યાં હતા. ગુજરાતી બરાબર ન આવડતું હોવા છતા ઘણા યુવાનો ઉત્સાહથી ભાગ લીધો હતો અને ધીરે ધીરે સ્થાનિક યુવાનો સાથે ‘મારા વરની વહુ કોણ’, ‘તાગડ ધીન્ના’, ‘સસરાએ મારી સિક્સર’, ‘અકસ્માત’, ‘ભાગ રે ભાગ, તારી બૈરી આવી’, ‘કન્યા પધરાવો સાવધાન’ નાટક કર્યાં હતા. આ નાટકો દ્વારા તુષારભાઈ લંડનમાં વિખ્યાત થઇ ગયા હતા. તે પછી તો રાજા ભતૃહરિના જીવન આધારીત ‘રાગ બૈરાગ’ નૃત્ય નાટિકાનું દિગ્દર્શન પણ કર્યું.
'ભવન્સ' છોડ્યા બાદ તુષારભાઇએ ‘અમે રાઈટ તો, તમે ઓલ રાઈટ’, ‘ડોલી આવી, સપનાં લાવી’ અને ‘પત્ની પરણાવો સાવધાન’ નાટક કર્યા હતા જે પૈકી ‘પત્ની પરણાવો સાવધાન’તો હજુ ભજવાઈ રહ્યું છે. નાટક સિવાય તેમણે હિન્દી ટીવી સિરીયલ ‘કયામત’ અને ‘ધર્મપત્ની’માં પણ અભિનય કર્યો હતો. આ ઉપરાંત ૫થી ૬ સિરીયલમાં સ્ક્રિન પ્લે રાઈટર તરીકે પણ જવાબદારી નિભાવી હતી.
નાનપણમાં લાગેલો નાટકનો શોખ હજુ પણ અવિરત ચાલુ છે અને કદાચ છેલ્લા શ્વાસ સુધી ચાલતો રહેશે.
સંપર્કઃ 07432 716 898.