સંજના અને સિદ્ધાર્થ કોફી શોપના વાતાનુકૂલિત ખંડમાં કોલ્ડ કોફીની લિજ્જત માણી રહ્યાં હતાં. સાથે ટેસ્ટી મસાલેદાર સીંગદાણા, રોસ્ટેડ કાજુ અને ક્રિસ્પી પોટેટો ચીપ્સનું બાઈટીંગ પણ ખરું. કોફીની ચુસ્કી લેતાં સંજના એકાએક ચકળવકળ નજરે આમતેમ જોવા લાગી. આખા કોફી શોપમાં ખૂણે ખૂણે એની નજર ફરી વળી. ફરતી ફરતી નજર પોતાનાથી ત્રીજા ટેબલે આવીને અટકી ગઈ. હા, આ એ જ માણસ હતો. છેલ્લા અઠવાડિયામાં એને બેત્રણ વાર જોયેલો. એક વાર જોઈએ તો ભૂલી ન શકાય એવો બિહામણો ચહેરો હતો એનો. ગુંડાબદમાશ જેવો. કોલસાની વખારમાંથી કાઢ્યો હોય એવો કાળો, કરડી ડરામણી આંખો, મોટી થોભિયાં જેવી બરછટ મૂછો, જમણા ગાલે આંખની બરાબર નીચે મોટો મસો. બાપ રે, આને અંધારામાં જોઈએ તો ભયના માર્યા છળી જ ઉઠાય.
અંધારામાં તો ઠીક, પણ અત્યારે કોફી શોપના અજવાળામાં પણ એને જોઇને સંજના છળી ઊઠી હતી. અરે, આ શું? એ તો પોતાને જ જોઈ રહ્યો હતો. સંજના એકદમ ફફડી ગઈ. સંજનાની આંખ એની આંખ સાથે ટકરાઈ, છતાં પેલાએ નજર વાળી ન લીધી. સંજનાને કપાળે ઝાકળનાં ટીપાં જેવાં પ્રસ્વેદબિંદુ બાઝ્યાં. એણે આંખો ઝુકાવી દીધી. અચાનક એના મનમાં વિચાર ઝબકી ગયો: “આ માણસ મારો પીછો તો નહીં કરતો હોયને કે પછી મારા પર નજર રાખતો હોય એવું પણ બને!” પછી સ્વગત જ સંવાદ કરવા લાગી: “ કોઈ મારો પીછો શું કામ કરે અથવા તો મારા પર નજર શું કામ રાખે. હું ક્યાં કંઇ ખોટું કરું છું કે મારે બીવું પડે?” આ વિચાર સાથે જ મનમાં પડઘો પડ્યો: “ શું ખરેખર હું કંઈ ખોટું નથી કરી રહી? આમ છડેચોક સિદ્ધાર્થની સાથે....”
સંજનાને યાદ આવ્યું. ગયા સપ્તાહે સિદ્ધાર્થ સાથે બપોરના ત્રણથી છના શોમાં ફિલ્મ જોવા ગઈ હતી. જલસો પડી ગયેલો ફિલ્મ જોવામાં. પણ ફિલ્મ પૂરી થયા પછી બંને હાથમાં હાથ પરોવીને થિયેટરમાંથી જેવાને બહાર નીકળ્યાં કે સામે જ આ બદમાશ જેવા માણસને ઊભેલો જોયેલો. એને જોઇને સંજના ડરી ગયેલી. સિદ્ધાર્થના હાથમાંથી એણે હાથ છોડી દીધેલો. બીજા દિવસ સુધીમાં તો એ વાત ભુલાઈ ગઈ, પણ પછીના દિવસે મોલમાં ખરીદી કરવા જવાને બહાને એ સિદ્ધાર્થને મળવા ગઈ ત્યારે પણ આ જ માણસને જોયેલો. મોલના પ્રવેશદ્વાર પાસે સિગારેટ ફૂંકતો ઊભો હતો એ. જોકે સિદ્ધાર્થ એટલામાં આવી ગયો એટલે પેલાની વાત મનમાંથી નીકળી ગઈ. વળી બે દિવસ થયા એટલે તો પેલો બદમાશ સાવ ભુલાઈ જ ગયો. પણ પરમ દહાડે સાંજે પોતે સિદ્ધાર્થને બગીચામાં મળવા ગઈ ત્યારે.. હા, સંજનાને સ્મરણ થયું: હા.. આ જ બદમાશ બગીચાના એક બાંકડા પર બેઠેલો હતો. એના ખરબચડા ચહેરા પર કુટિલ હાસ્ય હતું.
સંજના છેલ્લાં અઠવાડિયાની ઘટમાળનું સ્મરણ કરીને રીતસર ચોંકી ગઈ: ઓહ માય ગોડ! હું જયારે જયારે સિદ્ધાર્થ સાથે હોઉં છું ત્યારે ત્યારે આ બદમાશ અચૂક દેખાય છે. જરૂર એ મારા પર નજર રાખે છે! અને અત્યારે પણ...
એવામાં સિદ્ધાર્થના “શું થયું..કોના વિચારે ચડી ગઈ .. આર યુ ઓલરાઈટ?” એવા પ્રશ્ન સાથે સંજનાની વિચારકણિકાઓ વિખરાઈ ગઈ. એ સિદ્ધાર્થ સામે જોઈ ફિક્કું હસી. સિદ્ધાર્થે કહ્યું, “આ તને એકદમ શું થઈ ગયું? હમણાં જ તો તું હસી હસીને વાતો કરતી હતી. એકાએક તારા ચહેરાનો રંગ કેમ ઊડી ગયો. અને આટલી ઠંડકમાં તારા કપાળે પરસેવો કેમ વળી ગયો? વોટ્સ ધ મેટર સંજના!”
સંજના કંઈ ન બોલી. એણે ઝડપથી કોફી પૂરી કરી. અને આમતેમ જોવા લાગી. સિદ્ધાર્થ મૂંઝાયો. સંજનાનું આજનું ઠંડુંગાર વર્તન એને સમજાતું નહોતું. બાકી સંજના તો કેવી ચંચળ હતી. હરણી જેવી. ખળખળ બે કાંઠે વહેતી નદી જેવી.સમંદરની લહેરો જેવી. ઊછળતાં મોજાં જેવી. ખિલખિલ હસે ત્યારે એની શુભ્ર દાડમકળી જેવી દંતપંક્તિ નીરખવાનો લ્હાવો મળતો. કોઈ નવાઈની વાત સાંભળીને સંજનાને એટલું અચરજ થતું કે દુનિયાભરનું વિસ્મય એની કમળ જેવી વિશાળ આંખોમાં ઊમટતું. પોતે કુતૂહલથી એનું એ વિસ્મય જોયા કરતો. એના વિસ્મયમાં ખોવાઈ જતો. સંજના પર એ ઓવારી ગયો હતો. સિદ્ધાર્થનું કૉલેજમાં જવાનું એક માત્ર કારણ સંજના હતી. સંજના ફૂલ હતી, તો પોતે ફૂલ ફરતે ભમરો હતો. ના, ભમરો તો ફૂલનો રસકસ ચૂસી લે, પોતે એવો ભોગી ભમરો નહોતો. સંજનાના સૌંદર્યનું રસપાન કરતું પતંગિયું હતો. કેવી સુંદર હતી સંજના. રૂપાળી, દેખાવડી. એની મારકણી અદા,ચાલવાની છટા.. ઓફ્ફો! રૂપ પણ આટલું કાતિલ હોઈ શકે?
કૉલેજ પૂરી કર્યાંને બે વર્ષ થઇ ગયા હતા, પણ સંજનાનું રૂપ એટલું જ કાતિલ હતું. સિદ્ધાર્થ એને, એના રૂપસૌંદર્યને એકીટશે જોઈ રહ્યો. એવામાં સંજના ઊભી થઇ ગઈ અને બોલી: “ચાલ, હવે જઈએ, સિદ્ધાર્થ...”
સિદ્ધાર્થ પણ નછૂટકે ઊભો થયો. એને સંજના સમજાતી નહોતી. સંજનાનો મૂડ ઓચિંતાનો કેમ બદલાઈ ગયો એ એને માટે એક કોયડો બની ગયો. હજુ હમણાં તો મળ્યાં હતાં. કેટલીયે વાતો કરવાની હતી. પણ સંજના તો મળતાંની સાથે છૂટા પડવાની વાતો કરવા લાગી. એવું તે શું થયું હશે?
સિદ્ધાર્થે કહી પણ જોયું; “ સંજના બધું બરાબર તો છે ને? કોઈએ કંઈ કહ્યું તો નથીને.. ક્યાંક સંજયને...!”
સંજયનું નામ પડતાં જ સંજનાનો ચહેરો ધોળો પૂણી જેવો થઇ ગયો. એણે એકદમ ચાલતી પકડી. સિદ્ધાર્થ પાછળ દોડ્યો, પણ એટલી વારમાં તો સંજના ગાડીમાં બેસી ગઈ હતી. ગાડી સ્ટાર્ટ કરતાં સંજનાએ ‘પછી મળીશું’ કહેતાં સિદ્ધાર્થ સામે જોયું, તો વળી ચોંકી ગઈ. સિદ્ધાર્થની પાછળ જ પેલો બદમાશ દાંત કાઢતાં ઊભો હતો! સંજનાએ ગાડી ભગાવી અને સીધી ઘરે આવી ગઈ. એના મનમાં સતત એક જ વિચાર ઘુમરાયા કરતો હતો: નક્કી પેલો ગુંડો મારો પીછો કરતો લાગે છે.. અથવા તો કોઈએ એને મારા પર નજર રાખવા કહ્યું છે. પણ એવું કોણ કરે? ક્યાંક સંજયે તો... એ વધુ વિચારવાની હિંમત ન કરી શકી. જો સંજયે પેલા માણસને મારા પર નજર રાખવાનું કામ સોંપ્યું હશે તો તો... જરૂર એને મારા અને સિદ્ધાર્થના સંબંધો વિશે ખબર પડી ગઈ હશે! એ વિચાર સાથે સંજનાને પોતાનો પોણા બે વર્ષ જૂનો ઘરસંસાર પત્તાનાં મહેલની જેમ તૂટી પડતો દેખાયો!
સંજય સંજનાનો પતિ હતો!
કૉલેજ પૂરી કર્યાંના ત્રણ મહિનામાં જ સંજનાનાં લગ્ન સંજય સાથે થઇ ગયાં હતાં. સિદ્ધાર્થ પોતાને પસંદ હતો, એનું પાગલપન પોતાને ગમતું હતું. પણ બંને ક્યારેય પ્રેમનો એકરાર કરી શક્યાં નહોતાં. એવી કોઈ ક્ષણ આવે એ પહેલાં જ સંજય સાથે સંજનાનાં લગ્ન થઇ ગયાં. સંજય સારા પરિવારનો સંસ્કારી યુવાન હતો. ઘરનો જમાવેલો ધંધો હતો. ગાડી, બંગલો, નોકરચાકર.. ભૌતિક રીતે સુખી થવા માટે જે હોવું જોઈએ તે બધું જ હતું. સંજયમાં પણ કંઈ કહેવાપણું ન હતું. દેખાવમાં, સિદ્ધાર્થની તોલે તો ન જ આવે, પણ ઠીક ઠીક કહી શકાય એવો હતો. પોણા છ ફૂટની ઊંચાઈના પ્રમાણમાં બાંધો એકદમ સપ્રમાણ તો ન જ લાગે. બલકે સહેજ સ્થૂળ કહી શકાય. પણ જાડો ન લાગે. વાન ન ગોરો ન કાળો. હડપચી પર નાનો તલ. નિર્દોષ હાસ્ય. નિર્મળ આંખ. કાળી. સ્વચ્છ. પારદર્શક. એકંદરે ના કહેવાનું કોઈ કારણ નહોતું,
જો સિદ્ધાર્થ જિંદગીમાં ન આવ્યો હોત તો...
સિદ્ધાર્થ ન હોત તો કોઈ પ્રશ્ન જ નહોતો,પણ સંજના મનોમન સતત સંજય અને સિદ્ધાર્થની સરખામણી કર્યાં કરતી. અને દર વખતે સિદ્ધાર્થ વન અપ રહેતો. છતાં સિદ્ધાર્થની બાદબાકી અને સંજયના સરવાળા સાથેનું જીવન જીવી રહી હતી. લગ્ન પછીનું દોઢ વર્ષ તો પૂરું પણ થઇ ગયું. ધીમે ધીમે સંજના સિદ્ધાર્થને ભૂલવા માંડી હતી. સંજય સાથેનો સંસાર ગોઠવાઈ રહ્યો હતો, એવામાં એક દિવસ કૉલેજના રિયુનિયનમાં સિદ્ધાર્થ પાછો મળ્યો.એક વારનો એ મેળાપ મુલાકાતોના સિલસિલામાં પલટાઈ ગયો. ભુલાવા આવેલો ભૂતકાળ ફરી તાજો થયો. ભૂતકાળ જયારે વર્તમાનકાળ બને ત્યારે ક્યારેક ભવિષ્યકાળ ભયંકર પરિણામ લાવી શકે એ જાણવા છતાં સંજના અને સિદ્ધાર્થ ફરી એક વાર લોઢા અને લોહચુંબકની જેમ પરસ્પર ખેંચાયા. સંજના દાંપત્યજીવનમાં ખાસ ખુશ નહોતી. છતાં મનમાં એક કસક, એક ખટક જરૂર હતી. જોકે સંજય માટે કોઈ ફરિયાદ પણ નહોતી. એ તો પાણી માગતાં દૂધ હાજર કરતો હતો. આંગળી મૂકીને બતાવી શકાય એવું કોઈ દુઃખ નહોતું, કોઈ અભાવ નહોતો. દેખીતી રીતે તો એ સુખી જ હતી, પણ મનમાં ઊઠતી અદ્રશ્ય ટીશનું શું? ઊંડે ઊંડે કદાચ એના મનમાં સિદ્ધાર્થે ઘર કરી લીધું હતું અને એના જીવનમાં સંજય હતો, સિદ્ધાર્થ નહીં!
એ સિદ્ધાર્થ ફરી એકવાર એના જીવનમાં આવ્યો હતો. સંજના પરિણીત હોવા છતાં પરસ્પરના અદમ્ય આકર્ષણને ખાળી ન શકાયું. આગ અને ઘી નજીક આવે તો જે થાય એ જ સંજનાના કિસ્સામાં પણ બન્યું. સંજયની જાણબહાર બંને મળવા લાગ્યાં. બે મહિનાથી બંને છુપાઈ છુપાઈને હળતાંમળતાં રહ્યાં. ક્યારેક સંજયને દગો દેતી સંજનાનું મન ડંખતું, પણ સિદ્ધાર્થનો ચહેરો નજર સામે આવે એટલે એ બધું ભૂલી જતી. સિદ્ધાર્થ સિવાય બીજું કંઈ ન દેખાતું. સિદ્ધાર્થ! કેવો સોહામણો છે!
પણ... પણ.. આ કોનો ચહેરો છે?..ના,ના.. આ સિદ્ધાર્થ નથી. આ તો પેલો બદમાશ! ડરામણો.. બિહામણો...! સંજના ઝબકી ગઈ. હબકી ગઈ. હા, એ મારા પર નજર જ રાખે છે. હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં આ ગુંડો મારી પાછળ આવે છે. શું ઈરાદો હશે એનો? ભગવાન જાણે. સંજના વિચારવા લાગી: પોલીસને ફરિયાદ કરું? પણ એમ કરવાથી તો પગ પર કુહાડો મારવા જેવું જ થશે. હું સિદ્ધાર્થ સાથે હરુંફરું છું એવું એ બદમાશ ક્યાંક કહી દે તો.. ના, ના.. પોલીસને કહેવાય એમ નથી. નાહક જ મારી બદનામી થશે. વળી સંજયની નજરમાંથી પણ ઊતરી જઈશ. સંજયને કહું? પણ એને શું કહીશ? કોઈ બદમાશ સતત પીછો કરે છે એમ કહીશ તો એ કદાચ ન પણ માને. મારો વહેમ છે એમ કહીને વાત હસવામાં કાઢી નાખશે. અથવા તો એમ પણ બને કે સંજયે જ એને મારી પાછળ લગાડ્યો હોય! હું ક્યાં જાઉં છું અને કોને મળું છું એ જાણવા માટે.. ના,ના.. સંજય એવું ન કરે.પણ, કદાચ કરી પણ શકે!
સંજનાનું માથું ભમી ગયું. શું કરું, શું ન કરું.. કોફી બનાવીને વિચારમાં ને વિચારમાં એ વરંડામાં ગઈ. ત્યાં તો રસ્તાની સામેની બાજુ એક થાંભલાને અઢેલીને એ જ માણસ ઊભેલો દેખાયો. આ તો ઘર સુધી આવી ગયો! સંજના ગભરાઈને ઘરમાં ઘૂસી ગઈ. ધડામ દેતો દરવાજો બંધ કરી દીધો. એના ધબકારા વધી ગયા હતા: જરૂર સંજયે જ એને મારા પર નજર રાખવા કહ્યું છે! હવે શું કરવું? સંજનાએ વિચારી લીધું: વાત વધુ વણસે એ પહેલાં જ હું સિદ્ધાર્થ સાથેના સંબંધો કબૂલ કરીને સંજયની માફી માંગી લઈશ. ફરી એવી ભૂલ નહીં કરું એમ કરગરીને સંજયના પગ પકડી લઈશ. સંજયનું હૃદય વિશાળ છે. એ જરૂર મને માફ કરી દેશે... સંજના થોડી સ્વસ્થ થઇ. હવે સંજય જ સર્વસ્વ. સિદ્ધાર્થના નામ પર મોટી ચોકડી. સંજનાએ સંજયને બહુ જ ભાવતાં પનીરપાલક અને પરોઠા તૈયાર કર્યાં. ગળપણમાં ગુલાબજાંબુ. હવે એ તૈયાર હતી. પોતાના કબૂલાતનામા માટે!
સમય થતાં સંજય આવ્યો. સંજનાએ હસીને સ્વાગત કર્યું. પછી શાંતિથી કહ્યું: “સંજય, મારે એક વાત કહેવાની છે. ..”
“તું પછી કહેજે. પહેલાં મારી વાત સાંભળ..” સંજયે સંજના સામું જોયું. પછી એની નજીક આવીને કાનમાં કહેતો હોય એમ બોલ્યો: “આપણા બંગલાની સામે ઊભેલો બિહામણો માણસ જોયો? એ વેશપલટો કરેલો પોલીસનો માણસ છે. બાજુના બંગલામાં પેલા અશોકભાઈ રહે છે ને એમને એમની પત્ની મીનાક્ષી પર શંકા છે કે કોઈની સાથે એનું ચક્કર છે. એટલે પુરાવા ભેગા કરવા એમણે પેલા પોલીસવાળાને રોક્યો છે!”
આ સાંભળીને સંજનાને એટલી તો ધરપત થઇ. એવામાં સંજય ગળગળો થઈને બોલ્યો: “હું કેવો ભાગ્યશાળી છું કે મને તારા જેવી સુંદર,સમજુ સુશીલ અને વફાદાર પત્ની મળી છે. તું તો કોઈની સામે નજર ઉઠાવીને જોવે એવી પણ નથી...અરે હા, તું શું કહેતી હતી?”
“ના,ના..અમસ્તું જ.ખાસ કાંઈ નહીં.” સંજના હસીને બોલી અને બીજે દિવસે સિદ્ધાર્થને મળવાના ખૂબસૂરત ખયાલમાં ખોવાઈ ગઈ.
---