બોલિવૂડના પ્રખ્યાત સિંગર ઝુબિન ગર્ગનું 52 વર્ષની વયે સિંગાપોરમાં સ્કૂબા ડાઈવિંગ દરમિયાન નિધન થયું છે. ઝુબિન ગર્ગ સિંગાપુર નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરવા માટે ગયા હતા, અને નવરાશની પળોમાં સ્કૂબા ડાઇવિંગ કરવા પહોંચ્યા હતા. આ સમયે તેમણે લાઇફ જેકેટ પહેર્યું નહોતું.
ઝુબિન ગર્ગે બોલિવૂડમાં ઘણા ગીતો ગાયા હતા. જેમાં ગેંગસ્ટર ફિલ્મનું ગીત ‘યા અલી’ તેમના પ્રખ્યાત ગીતો પૈકીનું એક ગીત છે. તેમને તરત જ હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં ડોક્ટરોની ટીમ અથાક પ્રયાસ છતાં બચાવી શકી નહોતી. તેમના નિધનને લઈને તેમના ફેન્સ જ નહિ પરંતુ ભારતીય સંગીત જગતને પણ ઊંડો આઘાત લાગ્યો છે. ઝુબિનના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતાં ટ્વિટ કર્યું હતુંઃ ‘પ્રસિદ્ધ ગાયક ઝુબિનના નિધનના સમાચારથી અતિ દુ:ખ થયું છે. સંગીતક્ષેત્રે તેમનું યોગદાન સદા યાદ રાખવામાં આવશે. તેમના ગીતો દરેક વર્ગના લોકોમાં લોકપ્રિય રહ્યા છે. તેમના પરિવાર અને ચાહકોને હૃદયપૂર્વકની સંવેદના. ઓમ શાંતિ.’
રવિવારે ઝુબિનના પાર્થિવ શરીરને ગુવાહાટી લવાયું હતું, જ્યાં રસ્તાઓ પર લાખો ફેન્સ તેમને અંતિમ વિદાય આપવા ઊમટી પડ્યા હતા અને ‘ઝુબિન દા અમર રહે’ના નારાથી વાતાવરણ ગજવ્યું હતું. ઝુબિનનો નશ્વર દેહ અંતિમ દર્શન માટે અર્જુન ભોગેશ્વર બરુઆ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રખાયો હતો, જ્યાં વિશાળ મેદની ઊમટી પડી હતી. આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વા સરમાએ ફેન્સની ભીડનો ફોટો શેર કરતાં સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, માનવતાનો સાગર તેના પ્રિય પુત્રને વિદાય આપવા એક થયો. તેઓ એક રાજાની જેમ જીવ્યા અને તેમને એક રાજાની જેમ સ્વર્ગમાં જવા વિદાય અપાઇ રહી છે.