17 વર્ષના સંગાથ બાદ લગ્નબંધને બંધાયા હંસલ-સફીના

Saturday 04th June 2022 06:52 EDT
 
 

ફિલ્મ સર્જક હંસલ મહેતાએ તેમનાં 17 વર્ષથી પાર્ટનર સફીના હુસૈન સાથે હવે લગ્ન કર્યા છે. 26મેના રોજ સવારે સાવ અચાનક કોઈ આયોજન વિના અંગત લોકોની હાજરીમાં તેઓ સાદાઇથી લગ્નબંધને બંધાયા હતા. હંસલ મહેતાએ સોશિયલ મીડિયા પર જાણકારી આપતાં કહ્યું હતું કે 17 વર્ષની પાર્ટનરશીપ, બે સંતાનો અને અમારાં પોતપોતાનાં સપનાંઓને સાકાર કર્યા બાદ હવે અમે લગ્નગ્રંથિથી જોડાયાં છીએ. જિંદગીની જેમ જ આ પ્રસંગ પણ તદ્દન અનાયાસે અને કોઈ આયોજન વગર જ યોજાયો હતો. અમે એકબીજાને ખરા કોલ આપ્યા છે, પરંતુ આમ તો આ પ્રસંગને બાદ કરતાં તે બોલવાની ક્યારેય જરૂર પડી નથી.
આ નાનકડા સમારોહની તસવીરોમાં હંસલ બ્રાઉન બ્લેઝર અને ટી શર્ટમાં સજ્જ દેખાય છે. જ્યારે સફીનાએ ગુલાબી સલવાર સૂટ ધારણ કર્યો છે. એક તસવીરમાં આ યુગલ લગ્નના દસ્તાવેજ પર સહી કરી રહેલું જણાય છે. હંસલ અને સફીનાને બે પુત્રીઓ છે. તેમને અગાઉનાં લગ્નથી બે પુત્રો પણ છે. ભૂતકાળમાં હંસલ કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ પર સફીનાનો પોતાની પત્ની તરીકે ઉલ્લેખ કરી ચૂક્યા છે. હંસલ મહેતા હાલ સ્ટેમ્પ પેપર કૌભાંડી અબ્દુલ કરીમ તેલગીનાં જીવન આધારિત ‘સ્કેમ’ સિરીઝની બીજી સિઝનના નિર્માણમાં વ્યસ્ત છે.
હંસલ મહેતાએ આ પોસ્ટ શેર કરતાં બોલિવુડમાંથી અભિનંદનોનો વરસાદ શરૂ થયો હતો. વિશાલ ભારદ્વાજ, રાજ કુમાર રાવ, અનુભવ સિંહા, મનોજ વાજપેયી, શેફ રણવીર બ્રાર સહિતની સેલિબ્રિટીઓએ યુગલને અભિનંદન અને શુભકામના પાઠવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter