25 વર્ષે તુલસીનું કમબેકઃ સ્મૃિત ઇરાનીનો ફર્સ્ટ લૂક જાહેર

Tuesday 15th July 2025 10:24 EDT
 
 

ભારતીય ટીવી ઉદ્યોગના યાદગાર શો ‘ક્યુંકી કભી સાંસ ભી બહુ થી’નું 25 વર્ષ બાદ પુનરાગમન થઈ રહ્યું છે. આ શોનું શૂટિંગ તો ઘણાં સમયથી ચાલી રહ્યું હતું, પણ હવે તેના લીડ કેરેક્ટર તુલસી એટલે કે સ્મૃતિ ઈરાનીનો ફર્સ્ટ લૂક જાહેર થયો છે. 25 વર્ષ બાદ તુલસીના કમબેકનો આ ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. પ્રોડક્શન હાઉસ અથવા સ્મૃતિ ઈરાની તરફથી તો તેની સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ આ ફોટોગ્રાફે આ લોકપ્રિય શો માટેની ઉત્સુકતા વધારી દીધી છે.
વર્ષ 2000માં ‘ક્યુંકી કભી સાંસ ભી બહુ થી’ની શરૂઆત થઈ હતી અને તેને ભારતીય ટેલિવિઝનના ઈતિહાસનો સૌથી વધુ હિટ શો ગણવામાં આવે છે. 25 વર્ષ બાદ પણ આ શો અને તેના કેરેક્ટર્સનો ચાર્મ ઘટ્યો નથી. આ શોની ફરી શરૂઆત અંગે ટીવીની દુનિયામાં લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી.
થોડા સમય પહેલા એકતા કપૂરે પણ ‘ક્યુંકી કભી સાંસ ભી બહુ થી’ની નવી સિઝનની વાત કરી હતી. આ સાથે તુલસીના યાદગાર રોલમાં સ્મૃતિ ઈરાનીની વાપસી અંગે પણ એકતાએ જાહેરાત કરી હતી. સિરિયલનું શૂટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર તુલસીના લૂકમાં સ્મૃતિ ઈરાની છવાઈ ગયાં છે. સ્મૃતિએ ગોલ્ડન બોર્ડરવાળી મરુન રંગની ગુજરાતી સાડી પહેરેલી છે. જૂના શોની જેમ જ તેમણે મંગળસૂત્ર, હાર, લાલ ચાંદલો, સાઈડ પાર્ટેડ હેર સ્ટાઈલ સાથે સિંદૂર લગાવેલું છે. બેકગ્રાઉન્ડમાં શોનો સેટ પણ દેખાઈ રહ્યો છે.
સ્મૃતિ ઈરાનીએ તાજેતરમાં કરણ જોહર અને બરખા દત્ત સાથે વાતચીત દરમિયાન ખુલાસો કર્યો હતો કે, 2014ના વર્ષમાં જ તેમણે તુલસીના રોલની તૈયારી કરી લીધી હતી. 2014માં ‘ક્યુંકી કભી સાંસ ભી બહુ થી - 2’ માટે ઓફર થઈ હતી. જોકે કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે કામ કરવાની તક મળી. સેટ તૈયાર હતો, પરંતુ મંત્રી પદે શપથ લીધા હતા, જેના કારણે 11 વર્ષ પછી આ શોમાં કમબેક કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter