48 હજાર ગીતોને અવાજ આપનાર ગાયિકા એસ. જાનકીનો જીવનસૂર વિલાયો

Thursday 16th July 2026 10:49 EDT
 
 

હિન્દી ફિલ્મોના ‘બોલ બેબી બોલ...’ અને ‘ઓ મારિયા...’ જેવા સુપરહિટ ગીતોથી ઘર-ઘરમાં જાણીતા બનેલા દિગ્ગજ પ્લેબેક સિંગર એસ. જાનકીનું 88 વર્ષની ઉંમરે નિધન થયું છે. શનિવારે મૈસુરની એક ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની 60 વર્ષની લાંબી અને શાનદાર કારકિર્દીમાં તેમણે અલગ-અલગ ભાષાઓમાં 48,000 થી વધુ ગીતો ગાઈને સંગીત પ્રેમીઓના દિલમાં એક ખાસ જગ્યા બનાવી હતી. તેમના જવાથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં એક મોટો ખાલીપો સર્જાયો છે.
પોતાની વૈવિધ્યતા માટે જાણીતા જાનકીજીએ વિવિધ ભાષાઓમાં, ખાસ કરીને દક્ષિણ ભારતીય ભાષાઓ જેવી કે કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમમાં સૌથી વધુ ગીતો રેકોર્ડ કર્યા હતા. તો છ દાયકા કરતાં પણ વધુ લાંબી કારકિર્દીમાં હિન્દી, ઓડિયા, તેલુગુ, ઉર્દૂ, પંજાબી અને બંગાળી સહિત 20 ભારતીય ભાષાઓમાં ફિલ્મો, આલ્બમ્સ, ટેલિવિઝન અને રેડિયો માટે ગીતો ગાયા હતા. તેમણે જીવનમાં ચાર વખત નેશનલ ફિલ્મ એવોર્ડ્સ અને વિવિધ ભાષાઓમાં 33 જેટલાં એવોર્ડ્સ મેળવ્યા હતા. હિન્દી સિનેમામાં તેમને ‘બોલ બેબી બોલ...’ (મેરી જંગ), ‘પ્રભુ મોરે અવગુન...’ (‘સુર સંગમ’), ‘ઓ મારિયા...’ (સાગર) અને ‘ગોપાલા ગોપાલા...’ (હમસે હૈ મુકાબલા) જેવા ગીતોથી જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી.
પદ્મ ભૂષણ સન્માન સ્વીકારવા ઇનકાર
જાનકી અમ્માના અદભુત ટેલેન્ટને ધ્યાનમાં રાખીને તેમને 4 નેશનલ ફિલ્મ એવોર્ડ અને અનેક સ્ટેટ લેવલના એવોર્ડ્સથી સન્માનિત કરાયાં હતાં. વર્ષ 1957 માં સિંગિંગ કરિયર શરૂ કરનાર જાનકીએ પહેલું હિન્દી ગીત 1958માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મિસ 58’ માટે ગાયું હતું. વર્ષ 2013 માં ભારત સરકારે તેમને પદ્મ ભૂષણ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ તેમણે આ એવોર્ડ લેવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. તેમનું કહેવું હતું કે સાઉથના કલાકારોને નેશનલ લેવલે બહુ મોડું સન્માન મળે છે અને તેમને તેમનો યોગ્ય હક મળતો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter