ફરી એક વખત જય-વીરુ અને ગબ્બર મોટા પડદે છવાઈ જશે. અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને સંજીવ કુમારની ફિલ્મ 4-K વર્ઝન સાથે તેના મૂળ અંત સાથે ફરી રિલીઝ કરવામાં આવી રહી છે. ‘શોલેઃ ફાઇનલ કટ’ દેશભરના 1500 થિએટરમાં 12 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મે 15 ઓગસ્ટે પહેલી રિલીઝના 50 વર્ષ પૂરા કર્યા છે.
આ ફિલ્મમાં એ વખતની મોટી સ્ટારકાસ્ટ હતી, જેમાં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, જયા બચ્ચન, હેમા માલિની, સંજીવ કુમાર અને અમજદ ખાન જેવા કલાકારો હતા. આજે પણ આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી લોકપ્રિય ફિલ્મ ગણાય છે. આ ફિલ્મ દેશની સૌથી વધુ જોવાયેલી ફિલ્મ છે, તેના પાત્રો અને ડાયલોગ આજે પણ લોકપ્રિય છે અને યાદગાર છે. આ રી-રિલીઝની ખાસ વાત એ છે કે આ ફિલ્મ તેના પહેલાં અને મૂળ અંત સાથે રિલીઝ થશે, જે પહેલાં ક્યારેય લોકોને જોવા મળ્યો નથી. આ ફિલ્મ જ્યારે 1975માં રિલીઝ થઈ ત્યારે ઇમરજન્સીનો સમય હતો અને તેના કારણે સેન્સર બોર્ડે કેટલાક કટ સૂચવેલા અને જેમાં ફિલ્મનો અંત બદલીને હળવો કરવા ફરજ પડાઇ હતી. દાયકાઓથી લોકો આ અંત સાથે જ ફિલ્મ નિહાળતા રહ્યા છે.
હવે સિપ્પી ફિલ્મ્સ દ્વારા નવા અંત સાથેની ફિલ્મ રિલીઝ કરવાની જાહેરાત કરાઈ છે. ‘શોલેઃ ફાઇનલ કટ’ના અંતમાં સંજીવ કુમાર ગબ્બરને પોતાનાં ખીલ્લીઓવાળા જૂતાંથી મારી નાખશે. એ સમયે આ અંતને ઘાતકી ગણવામાં આવ્યો હતો. તેથી સેન્સર બોર્ડે તેમાં સુધારાની સલાહ આપી હતી.


