બોલિવૂડની ગ્લેમર ક્વીન મલાઈકા અરોરા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવનને લઈને વધારે ચર્ચામાં રહે છે. હાલમાં આ 52 વર્ષીય એક્ટ્રેસનો વીડિયો વાઇરલ થયો છે, જેમાં તે ‘મિસ્ટ્રી મેન’ સાથે કોન્સર્ટમાં નાચતી જોવા મળી રહી છે.
વીડિયો જોઈને યુઝર્સ બન્ને વચ્ચે અફેર ચાલતું હોવાની અટકળો લગાવી રહ્યા છે. ત્યારે વીડિયોમાં દેખાઈ રહેલો ‘મિસ્ટ્રી મેન’ બીજું કોઈ નહીં, પરંતુ 33 વર્ષીય ગુજરાતી હીરાનો વેપારી છે.
તાજેતરમાં મુંબઈમાં ગ્રેમી એવોર્ડ વિનર એનરિકે ઈગ્લેશિયસનો કોન્સર્ટ યોજાયો હતો. એનરિકે 13 વર્ષ પછી ભારતમાં પરફોર્મ કર્યું હતું. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં યોજાયેલા આ કોન્સર્ટમાં અનેક બોલિવૂડ અને ટીવી સેલિબ્રિટીઝ હાજર હતી.
આ બધાં વચ્ચે પોતાની ફિટનેસ માટે જાણીતી મલાઇકા એક ‘મિસ્ટ્રી મેન’ સાથે જોવા મળી હતી. વાસ્તવમાં મલાઈકા અરોરા ગુજરાતી મૂળના હીરાના વેપારી હર્ષ મહેતા સાથે કોન્સર્ટમાં પહોંચી હતી.
મલાઇકા સ્ટ્રેપી વ્હાઇટ ટેન્ક ટોપમાં ગ્લેમરસ લાગતી હતી, જ્યારે હર્ષે પણ વ્હાઈટ શર્ટ પહેરી મલાઇકા સાથે ટ્વિનિંગ કર્યું હતું. સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થતાં જ અફેરની ચર્ચા શરૂ થઈ ગઈ છે.


