બોલિવૂડના સૌથી ફિટ એક્ટર્સ પૈકીના એક અનિલ કપૂરનો વીડિયો સૌને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે. હાલ આગામી ફિલ્મ ‘ફાઇટર’ની તૈયારીમાં લાગેલા અનિલ કપૂરે તાજેતરમાં ચહેરા પર માસ્ક પહેરીને ટ્રેડમિલ પર દોડતો એક વીડિયો શેર કર્યો હતો. હવે તેમણે માઇનસ ટેમ્પરેચરમાં કાર્ડિયો કરતો વીડિયો શેર કર્યો છે. અનિલ કપૂરે શર્ટલેસ થઈને આ વર્કઆઉટ કર્યું હતું, જે જોઈને સૌ આશ્ચર્યમાં મુકાયા છે. અનિલ કપૂરે વર્કઆઉટ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું હતુંઃ ‘નોટી @40નો સમય ગયો, હવે સેક્સી @60નો ટાઈમ આવ્યો છે.’ અનિલ કપૂરના આ વીડિયો પર ટિસ્કા ચોપરાથી લઈને જેકી શ્રોફ, નીતુ કપૂર, કાર્તિક આર્યન, શિલ્પા શેટ્ટી, ભૂમિ પેડનેકર સહિત કેટલાય સેલેબ્સે પ્રતિક્રિયા આપી છે. ઉલ્લેખનીય છે કે, અનિલ કપૂર ફેટ ઓછું કરવા અને ફિટ દેખાવા માટે કાયરોથેરાપી લઈ રહ્યા છે. આને કોલ્ડ થેરાપી પણ કહેવાય છે, જેમાં માઇનસ ટેમ્પરેચરમાં વર્કઆઉટનો સમાવેશ થાય છે. જોકે, આ થેરાપીને પ્રોફેશનલ એક્સ્પર્ટની સલાહ અને તેમની દેખરેખ હેઠળ જ લેવી જોઈએ. અનિલ કપૂરના આ વીડિયો જોઈને ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. નોંધનીય છે કે, સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી ‘ફાઇટર’ 2024માં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને રિતિક રોશન લીડ રોલમાં છે. આ એક્શન ફિલ્મમાં કરણસિંહ ગ્રોવર અને અક્ષય ઓબેરોય પણ દેખાશે. ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે.